નીલા સંઘવી
એકલતા માણસને કોરી ખાય છે. માનવ સામાજિક પ્રાણી છે. એને લોકો સાથે રહેવું- હળવું -મળવું ગમે છે એટલે જ તો વારતહેવારે સભાઓ, મેળાવડાઓનું આયોજન થાય છે. જે લોકો ઘરમાં એકલા રહે છે.
એમને જીવન આકરું લાગવા માંડે છે અને આ યુગમાં તો એવાં કેટલાંય લોકો છે, જે એકલા જીવે છે. આજકાલ તો સ્ત્રીઓ પણ સાવ એકલી થઇ જાય છે, કારણ કે ‘કુંવારી ડોશી ન હોય’ એ વાતનો છેદ દાયકાઓથી ઊડી ગયો છે. પહેલાં પોતાની કરિયરને પ્રાધાન્ય આપીને લગ્ન ન કર્યા હોય એ વખતે તો માતા-પિતા- ભાઇ-બહેન બધાં હોય પછી ધીમે ધીમે બધાંનો સાથ છૂટી જાય અને પ્રવૃત્તિમાં ગળાડૂબ રહેતી વ્યક્તિ અચાનક સાવ એકલી -નવરી થઇ જાય ત્યારે એકલતા ભરડો લેવા માંડે છે.
Also read: ભારતીય એજન્સીઓ કાશ્મીરમાં આતંકવાદ શું કરવા ફેલાવે?
થોડા સમય પહેલાં એક વૃદ્ધાશ્રમના સંચાલકે અમને ઉર્વશીબહેનની ઓળખાણ કરાવી. ઉર્વશીબહેન છેલ્લાં બે વર્ષથી આ વૃદ્ધાશ્રમમાં રહેવાં આવ્યાં છે. ઊંચા, ગોરા, બોલ્ડ કટ રૂપેરી વાળ, સરસ મજાના સલવાર- કમીઝ પહેરેલાં ઉર્વશીબહેન પ્રથમ નજરે જ સામેની વ્યક્તિને આકર્ષિત કરી દે તેવું વ્યક્તિત્વ ધરાવે છે.
ઉર્વશીબહેનના વ્યક્તિત્વથી ઇમ્પ્રેસ થઇ ગયેલા અમે એમની સાથે વાત શરૂ કરી :
‘કેમ છો ?’
‘ફાઇન, થેંકયું’, સ્મિત વેરતા ઉર્વશીબહેને જવાબ આપ્યો. ‘આપની ઉંમર?’ ‘આપને કેટલી લાગે છે?’ પ્રશ્ર્નના ઉત્તરમાં પ્રશ્ર્ન આવ્યો. ‘૬૪-૬૫ હશે.’ ‘મને ૭૫ વર્ષ થયાં !.’ ‘ઓહો, જરાય લાગતા નથી.’ ‘હા, એ મારી જીવનશૈલીને કારણે!’ ‘અમે આપની જીવનકથા સાંભળવા માંગીએ છીએ.’ ‘મારી જીવનકથામાં ખાસ કાંઇ નવું કે હટકે નથી, છતાંય જો મારી વિશે જાણવું જ હોય તો હું જણાવીશ.’
આમ કહીને ઉર્વશીબહેને વાત શરૂ કરી:
‘મારો જન્મ ગુજરાતમાં. પિતા વકીલ અને માતા શિક્ષિકા. અમે બે બહેન. હું મોટી અને એક નાની બહેન. સરસ શિક્ષિત અમારો પરિવાર. પૈસે ટકે પણ સમૃદ્ધ કહી શકાય. શિક્ષિકા માતાએ અમને બન્ને બહેનોને સારા સંસ્કાર આપ્યા. સારી રીતભાત શીખવી. સારુંં શિક્ષણ આપ્યું. સારાં પુસ્તકોનું વાંચન કરવા પ્રેર્યા. નાનપણથી જ હું ખૂબ વાંચતી. સાહિત્ય પ્રત્યે મારો બહુ ઝુકાવ. તેથી એસ. એસ. સી.માં ઉત્તીર્ણ થયા બાદ મેં આર્ટ્સમાં જવાનું પસંદ કર્યું. મારી બહેન સાયન્સમાં ગઇ. મારા પિતા બહુ ફ્રેન્ડલી નેચર ધરાવતા હતા. આમ સમય વીતતો હતો. હું ગ્રેજયુએટ થઇ, એમ. એ. કર્યું. માતા-પિતાને લાગ્યુ કે હવે મારે લગ્ન માટે વિચારવું જોઇએ. એટલે મારા માટે મૂરતિયાની શોધ શરૂ થઈ. ઘણાં મૂરતિયા જોયા પણ મને કોઇ મારે યોગ્ય ન લાગ્યો. ઘણાં તો એવાં જૂનવાણી પરિવારના હતાં કે મને પૂછતા, ‘તમે નોકરી કરશો?’ હું કહેતી, ‘હાસ્તો વળી નોકરી તો કરું જ ને.’ એ એમને ન ગમતું. એમ. એ. પછી પણ મેં આગળ અભ્યાસ કર્યો.
Also read: કૉલ્ડ પ્રેસ કે રિફાઈન્ડ તેલ સ્વાસ્થ્ય માટે ક્યું ઉત્તમ?
મને જાણીતી કોલેજમાં પ્રોફેસરની જોબ મળી ગઇ. એ દરમિયાન લગ્ન માટેની માતા-પિતાની કોશિશ ચાલુ જ હતી. મને ઘણીવાર લાગતું કે આ યુવકોને મારી સુંદરતા ઉપરાંત મારાં પગારમાં સારો એવો રસ છે. એમને એ જાણવામાં રસ હતો કે મારો પગાર કેટલો છે? ભવિષ્યમાં નવું ઘર લઇએ તો મારા પગારમાંથી હું ઘરની લોનના ઇએમઆઇ ભરીશ કે નહીં? આ બધાંને કારણે મારું મન ખાટું થઇ ગયું અને એક દિવસે મેં ઘરમાં જણાવી દીધું કે, ‘હું લગ્ન કરવા માંગતી નથી.’ એ દરમિયાન મારી નાની બહેન એન્જિનિયર થઇ ગઇ હતી. એ મારાથી બે જ વર્ષ નાની હતી એટલે મેં માતા-પિતાને નાની બહેનના લગ્ન વિશે વિચારવા જણાવી દીધું. નાની બહેનને સાથે ભણતો એક યુવક પસંદ હતો. તેથી એનું લગ્ન ગોઠવાઇ ગયું. નાની બહેન લગ્ન પછી કેનેડા ચાલી ગઇ. ઘરમાં રહી ગયા અમે ત્રણ.
Also read: વેર- વિખેર -પ્રકરણ -૧૦૫
મમ્મી રિટાયર્ડ થઇ ગયાં હતાં. પપ્પા પણ હવે બહુ ઓછા કેસ લેતા હતા. મારી જોબ ચાલુ હતી. હું ગળાડૂબ કામમાં વ્યસ્ત હતી. કામની સાથે સાથે પી.એચ.ડી. પણ કરી રહી હતી. મારી પાસે બિલકુલ સમય ન હતો. એવામાં મમ્મીને કેન્સર ડિટેક્ટ થયું. મારી જવાબદારી વધી. બહુ જ સેવા-સુશ્રુષા, સારવાર છતાં મમ્મીને બચાવી ન શક્યાં. હું ને પપ્પા બે જ રહ્યાં. હું સતત કામમાં હોવાને લીધે પપ્પા એકલા પડી ગયા અને થોડા જ સમયમાં એમનું પણ અવસાન થયું. હું
એકલી પડી, પણ ઘણું કામ હોવાને લીધે વાંધો આવતો ન હતો. પી.એચ.ડી પણ થઇ ગઇ. પ્રમોશન થયું. ખૂબ કામ કરતી પણ રાતે ઘેર આવીને એકલતા ચટકા ભરતી હતી. પણ સવાર પડતા કામે લાગી જતી એટલે વાંધો આવતો ન હતો. વર્ષો આમ જ વીતી ગયાં. રિટાયર્ડ થઇ. ખરી કસોટી હવે શરૂ થઇ. આખો દિવસ કામમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ અચાનક નવરી થઇ જાય તો તેની શું હાલત થાય? વળી ઘરમાં એકલી. ઘર ખાવા ધાતું હતું. જરાય ગમતું ન હતું. માતા-પિતા યાદ આવતા હતા. વાંચવું ગમતું હતું, પણ કેટલું વાંચી શકાય? મારે લોકોની કંપની જોઇતી હતી. મારી એક સહેલીએ આ વૃદ્ધાશ્રમ વિશે વાત કરી. હું અહીં આવી. સંચાલકોને મળી. અહીં રહેતા લોકોને મળી. મને ગમ્યુ અને અહીં રહેવા આવી ગઇ. આ છે મારી કહાની.’
‘તમને અહીં ગમે છે?’ પ્રશ્ર્નના ઉત્તરમાં ઉર્વશીબહેન કહે છે : ‘બહુ જ ગમે છે. અહીં આવીને મારી જિંદગી જ બદલાઇ ગઇ છે. મારી ઉંમરના લોકોનો સંગાથ છે. સાહિત્યમાં રસ ધરાવનાર થોડા મિત્રો પણ બની ગયા છે, જેની સાથે હું વાર્તા, કવિતા વિશે વાત કરી શકું છું. આશ્રમના સ્ટાફને એમનાં ઑફિસ કામમાં પણ મદદ કરું છું.
Also read: ફોકસ: હાર્ટ-અટૅક ને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચે શું છે તફાવત?
અહીં હું બધાંની ઉર્વી દાદી છું. અહીં આવીને મને લાગે છે કે હું ફરીથી મારા પરિવાર સાથે રહેવા આવી છું. તેથી જ કહું છું આવાં વૃદ્ધાશ્રમો અમારા જેવી એકલી વ્યક્તિ માટે તો આશીર્વાદરૂપ જ છે. સમયે સમયે તમારાં -ચા-પાણી-નાસ્તા-જમવાની વ્યવસ્થા થઇ જાય છે. ડોક્ટર્સ તમારા સ્વાસ્થ્યની સંભાળ લે છે. સમવયસ્કોની કંપની એન્જોય કરી શકાય છે અને જો તમારામાં કોઇ આવડત હોય તો આશ્રમને કે આશ્રમના રહેવાસીઓને મદદરૂપ પણ થઇ શકો. મને તો અહીં આવીને જીવન જીવવાની નવી જ દૃષ્ટિ -નવી જ દિશા પ્રાપ્ત થઇ છે…!’ સ્મિતસહ ઉર્વશીબહેન પોતાની વાતનું સમાપન કરે છે.