ભરૂચના દહેજ GIDCમાં આવેલી એક કંપનીએ નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહી છે. અહેવાલ મુજબ સ્થાનિકોની ફરિયાદ છે કે, GIDC માં આવેલી એક ફેક્ટરી દ્વારા દરરોજ રાત્રે ગેસ છોડવામાં આવે છે, જેને કારણે ફેક્ટરીની આસપાસ રહેતા લોકો આંખમાં બળતરા થવા લાગે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આસપાસના ગ્રામજનો ફેક્ટરીની વિરુદ્ધ રોષ ઠાલવી રહ્યા છે. તે ઉપરાંત જિલ્લા કચેરીનએ પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે.
લોકોને આંખ, ચામડી અને શ્વાસની તકલીફ:
મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામા દહેજ GIDC માં કડોદરા ગામ નજીક UPL-12 કંપની આવેલી છે. આ કંપની દ્વારા ગત 4થી નવેમ્બરના રોજ રાત્રે હવામાં એક ઝેરી વાયુ છોડવામાં આવ્યો હતો. તેના કારણે નજીક આવેલા ગામના લોકો ભયનો માહોલ સર્જાયો હતો. આ ઝેરી ગેસથી લોકોને આંખમાં તીવ્ર બળતરા થવા લાગી હતી. પાદરીયા ગામના લોકોએ UPL-12 કંપનીને આ અંગે રજૂઆત કરી હતી. પરંતુ તેમણે આંખ આડા કાન કર્યા હતા.
ગ્રામજનોમાં રોષ:
સ્થાનિકોના જણાવ્યા મુજબ અમે અમારા ઘરની બહાર પગ પણ મુકી શકતા નથી. અમારા બાળકો પીડાઈ રહ્યા છે. અમે ફરિયાદ કરી ત્યારે કંપનીના યુનિટ હેડ તેમજ HR હેડએ જણાવ્યુ હતું કે, તમે ચહેરા ઉપર પાણી મારો બધું સારુ થઈ જશે. ગામ લોકોએ જણાવ્યુ હતુ કે શુ કંપનીના સત્તાધીશો ભોપાલ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે. આ કયા કેમિકલનો ગેસ છે અને કોઈ આડઅસર થશે તો જવાબદારી કોણ લેશે.
આ પણ વાંચો….દિલ્હી-એનસીઆરમાં શ્વાસ લેવાનું મુશ્કેલ,ઘણા વિસ્તારોમાં AQI ખતરનાક સ્તરે !
ગ્રામજનોએ કલેક્ટરને ફરિયાદ નોંધાવી:
ગામના નાગરિકો દ્વારા ભરૂચ કલેક્ટર ઇમર્જન્સી નંબર પર કોલ કરીને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારે હવે, એ જોવાનું રહ્યું કે, ભરૂચ કલેક્ટર દ્વારા આ કંપની અને તેના સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે નહીં.