બાળકોનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની ઉંમર અંગે ઘણીવાર વિવાદ થાય છે. બાળકોની ઓનલાઈન સલામતીનું ધ્યાન રાખવું એ પણ માતાપિતા માટે એક મોટો પડકાર છે.
આપણા દેશની જ વાત કરીએ તો સોશિયલ મીડિયાના રવાડે ચડીને ઘણા બાળકો પોતાનું અને પરિવારનું જીવન જોખમમાં નાખે છે આ સાથે એમનો સમય પણ ખૂબ બરબાદ થાય છે અને આંખો ને લગતી સમસ્યા ઉપજે છે. શારીરિક પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ છે અને તેના લીધે ઘણી સમસ્યાઓનો સામનો બાળકો કરી રહ્યા છે.
મોબાઈલ પર સોશિયલ મીડિયાની અલગ અલગ સાઇટ પર સતત વ્યસ્ત રહેતા બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોખમકારક સાબિત થઈ રહ્યું છે. આ સાથે તેમનો પરિવાર સાથેનો મિત્રો સાથેનો ભાવનાત્મક સંબંધ અને સર્જન શીલતા પણ ઓછી થઈ રહી હોવાના કેટલાય અહેવાલો છે.
ત્યારે આ સમસ્યા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશો ઓછા વત્તા અંશે અનુભવી રહ્યા છે.
આ માટે ઓસ્ટ્રેલિયા એ એક પગલું ભર્યું છે જે અન્ય દેશોએ પણ અપનાવું જોઈએ તેવું હાલની સ્થિતિમાં લાગી રહ્યું છે .
રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ મૂકતું બિલ પસાર કર્યું છે. હવે સેનેટ આ બિલને કાયદામાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેશે. જો આ કાયદો લાગુ થશે તો ઓસ્ટ્રેલિયા આ પ્રકારનો કાયદો લાગુ કરનાર પ્રથમ દેશ બની જશે.
ઓસ્ટ્રેલિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં તમામ મુખ્ય પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા સંબંધિત આ બિલની તરફેણમાં ૧૦૨ અને વિરોધમાં ૧૩ વોટ મળ્યા હતા. જો સેનેટના નિર્ણય બાદ આ અઠવાડિયે બિલ કાયદો બની જશે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પાસે વય પ્રતિબંધોને કેવી રીતે અમલમાં મૂકવો તે અંગે કામ કરવા માટે એક વર્ષ હશે. આ પછી તેમને દંડ કરવામાં આવશે.
બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવવાથી રોકવામાં નિષ્ફળતા માટે ભારે દંડ લાદવામાં આવશે. ટિક્ટોક, ફેસબુક , સ્નેપચેટ, રેડિટ , એક્સ અને ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મને ૫૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ( ૩૩ મિલિયન અમેરિકન ડોલર) સુધીનો દંડ થઇ શકે છે.
Also Read – Bangladesh માં ઇસ્કોનના પૂજારીની ધરપકડ મુદ્દે ભારતનું કડક વલણ, કહ્યું હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરો
ઓસ્ટ્રેલિયાના કોમ્યુનિકેશન મિનિસ્ટર મિશેલ રોલેન્ડે તાજેતરમાં જણાવ્યું હતું કે ૯૫ ટકા ઓસ્ટ્રેલિયન માતા-પિતા ઓનલાઈન સુરક્ષાને બાળકોના ઉછેરમાં સૌથી મોટો પડકાર માને છે. ઑસ્ટ્રેલિયા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પોર્નોગ્રાફિક સામગ્રીને ઍક્સેસ કરવાથી રોકવા માટેના પગલાં પર પણ કામ કરી રહ્યું છે.
એક્સના માલિક એલોન મસ્કે આ બિલ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે.”આ બિલ ઇન્ટરનેટ ઍક્સેસને નિયંત્રિત કરવા માટે ઑસ્ટ્રેલિયનો દ્વારા પડદા પાછળનો પ્રયાસ હોવાનું જણાય છે” .
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને