digital apprehension  cognize  your online rights

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ,તમારી મદદની જરૂર છે… મદદ કરશોને?’

આમ કહી રાજુએ મારી સામે ચાતકની જેમ યાચક નજરે જોયું. રાજુનું મોં ગરીબડું દેખાતું હતું. રાજુ રદી સદૈવ યાચક- માગવું-માગવું અને માગવું એ એનો સદાકાળ જીવનમંત્ર. રાજુ માગજીવી જીવ છે.

‘રાજુ, તું મારો મિત્ર છે. મારો સહકર્મી છે. તારે મને પૂછવાનું હોય? મારાથી થઇ શકે તેટલી તારી મદદ કરીશ.’ મેં ચક્રવર્તી રાજાની જેમ રાજુને મદદદાનનું વચન આપ્યું.

‘ગિરધરલાલ, મારો હાથ ભીંસમાં છે. થોડી રોકડની મદદ જોઇએ છે.’ રાજુએ છાતીસરસા પતા ખુલ્લાં કર્યા. રાજુને ઉછીના આપેલા રૂપિયા આ ભવમાં પરત મળ્યા નથી. હું તો આમેય અમર આશાનો હિમાયતી છું. રાજુ ત્રીજા કે ચોથા ભવમાં મિનરલ વોટરથી ધોઈને મારા રૂપિયા પરત આપશે તેવી આશા અને શ્રદ્ધા છે.


Also read: વિશેષ: આ છે ગેમ ચેન્જર સી-૨૯૫… આનાથી દેશ બનશે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ હબ


‘રાજુ, સિગારેટ- મસાલાની તારી ઉધારી ચૂકવવા હું તને કાણી પાઇ આપવાનો નથી. મેં તને કેટલી વાર વ્યસન છોડવા કહ્યું છે. તું તારું હિત પણ વિચારતો નથી.’ મેં રાજુને પાનના ગલ્લાની ઉધારી માટે રૂપિયા પાનના ગલ્લાર્પણ કરવાનો ઇન્કાર કર્યો.

‘ગિરધરલાલ, બે-ત્રણ હજાર રૂપિયાથી કામ ચાલે તેમ નથી. થોડાક વધારે રૂપિયાની જરૂર છે.’ રાજુએ લાચાર સ્વરે કહ્યું. ‘કેટલા? દસ હજાર, લાખ કે દસ લાખ રૂપિયા?’ મેં રાજુને રકમ પૂછી. ‘ગિરધરલાલ દસ ડેસિલિયન ડૉલરની જરૂર છે.’ રાજુએ રકમ કહી. ‘હેં કેટલા?’ મારા મોંની ડાકલી ખુલ્લી અને ખુલ્લી રહી ગઇ. ‘ગિરધરલાલ દસ ડેસિલિયન ડૉલર’ રાજુએ કહ્યું.

‘એક ડેસિલિયન એટલે કેટલા ડૉલર? રાજુ લાખ, મિલિયન , ટ્રિલિયન ડૉલરની વાત સાંભળી છે. આપણી ઇકોનોમીને ફાઇવ ટ્રિલિયન સુધી લઇ જવાનો સરકારનો મક્કમ નિર્ધાર વાંચ્યો છે, પરંતુ આ ડેસિલિયન વિશે સાંભળ્યું નથી. ડેસિમલ હોય તો સમજ્યા. ડેસિમલ એક માપ છે, પરંતુ ડેસિલિયન?’ મેં રાજુને મારી અસમંજસતા જણાવી.

‘ગિરધરલાલ એક પાછળ ચોત્રીસ મીંડા મુકો એટલે દસ ડેસિલિયન ડૉલર થાય.’ રાજુએ ‘ડેસિલિયન’ની વ્યાખ્યા આપી. ‘અલ્યા, આટલી તોતિંગ રકમ તો આપણી રિઝર્વ બેંક પાસે હશે કે કેમ સવાલ છે દેશની જીડીપી એકની પાછળ સતર- અઢાર શૂન્યે અટકી જતી હશે. વૈદિક ગણતરી મુજબ પરાર્ધ એટલે એકની પાછળ સત્તર શૂન્ય. ઇન્ટરનેશનલ સંખ્યા મુજબ સો કવોડ્રિલિયન કહેવાય. એક કવોડ્રિલિયન એટલે એકની પાછળ પંદર શૂન્ય. જ્યારે ગુગોલ સંખ્યા એટલે એકની પાછળ સોળ શૂન્ય આવે છે……’ ભારતે કરેલ શૂન્યની શોધથી રાજુને ગૂંચવી નાખ્યો.

‘ગિરધરલાલ, તેની માહિતી છે મારી પાસે.’ મારું વાક્ય પૂરું થાય તે પહેલાં મને ચોપડાવ્યું. ‘રાજુ, લગ્ન કરવા તો આટલા રૂપિયાની જરૂર ન પડે. આટલા બધા રૂપિયાની તારે શું જરૂર છે?’ મેં રાજુને પૂછ્યું.

‘ગિરધરલાલ, મારા પર બ્લેન્ક નંબરથી કોલ આવેલ. મેં નંબર ટ્રેસ કર્યો તો મોટી અદાલતના જજસાહેબનો હતો. જજસાહેબે કહ્યું કે મારા આધારકાર્ડ અને પાન કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ માટે કરવામાં આવેલ છે. તમારી સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ થયો છે. તમારી ડિજિટલ એરેસ્ટ થાય તેવો જડબેસલાક કેસ છે. ડિજિટલ એરેસ્ટ ન કરાવવી હોય તો ખાતા નંબર પર દસ ડેસિલિયન ડૉલર જમા કરાવી દો: આવા વારંવાર ફોન આવે છે.


Also read: SEBIની દરમિયાનગીરી બાદ C2C એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ


ઇન્કમટેકસ, દિલ્હી ક્રાઇમ બ્રાંચના એસપીના નામે ફોન આવે છે.’ રાજુએ ‘ડર કે આગળ ઔર ડર હૈ ’ ની વાત કહી! દેશમાં કેટલી બધી વ્યક્તિને ડિજિટલ એરેસ્ટના નામે લોકોને ખંખેરી લેવામાં આવી છે. મોટેભાગે સિનિયર સિટિઝનને શિકાર કરવામાં આવે છે. તાજેતરનાં આંકડા મુજબ, ૨૦૨૪ ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતીયોએ ‘ડિજિટલ ધરપકડ’ છેતરપિંડીમાં આશરે ૧૨૦ કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યાં છે. ૭૪૦ લાખ ડિજિટલ ધરપકડની ફરિયાદ નોંધાઇ છે. ડિજિટલ ધરપકડ એ સાયબર છેતરપિંડીનો એક પ્રકાર છે, જેમાં ગુનેગારો લોકોને ધમકી આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે….

‘રાજુ, તારી ડિજિટલ એરેસ્ટ કરી હોય તો તું તારા ઘરેથી મારા ઘરે કેમ આવી શકે?’ મેં તર્કસંગત સવાલ કર્યો. ‘હા, એ વાત તો મારા મગજમાં ન આવી.’ રાજુએ કાન પકડ્યો .‘એના માટે મગજ હોવું જરૂરી છે.’ રાજુએ મારી સામે ડોળા કાઢ્યા.

રાજુ, દેશની વસતિ ૧૪૨ કરોડ છે. સુપ્રીમ કોર્ટના જજ દેશના બધા નાગરિકને નામજોગ ઓળખતા હોય? તને પીએમઓનો પટાવાળો ઓળખે છે? પોલીસ કોઇને એરેસ્ટ કરવાની હોય તો સુપ્રીમ કોર્ટમાં કેસ કરે કે ડિસ્ટ્રિકટ કોર્ટમાં કેસ કરે? જયાં ઓફલાઇન અટકાયત માટે પોલીસે કેટલા પાપડ વણવા પડે છે તો ઓનલાઇન અટકાયત કેવી રીતે કરી શકે? કાયદામાં ઓનલાઇન અટકાયતની જોગવાઇ નથી તો ડિજિટલ એરેસ્ટ કંઇ રીતે કરી શકે? રાજુ, તારા દુશ્મને તારી વાટ લગાડવા ફેક કોલ કર્યો લાગે છે.’ મેં રાજુની ડિજિટલ એરેસ્ટ કરવાની શંકા ખારિજ કરી.

‘પણ, મને બીક લાગે છે. મારી ડિજિટલ એરેસ્ટ થઇ એ વાત દવની જેમ ફેલાઈ જાય તો મારા હાથ ક્યારેય પીળા નહીં થાય.!’ રાજુએ ભીતિ વ્યક્ત કરી . હમ્મમ રાજુને કોણે ધમકી આપતા ફોન કર્યા હશે? આ કાંડ પાછળ કોણ જવાબદાર છે?

અમે શેરલોક હોમ્સની જેમ તપાસ કરી. ‘બખડજંતર ચેનલ’ના માલિક બાબુલાલના પટાવાળા ચંદુ ચૌદસ સાથે રાજુને બોલાચાલી અને હાથાપાઇ થયેલી. જોકે, બાબુલાલે બંનેને સમાધાન કરાવ્યું હતું, પરંતુ ભારાડી ચંદુ ચૌદસે રાજુના શ્ર્વાસ અધ્ધર કરવા રાજુ રદીની ડિજિટલ એરેસ્ટ કરવાનો ખેલા કર્યો હતો! ડુંગર ખાદ્યોને નીકળ્યો ચંદુ ચૌદસ નામનું છછુંદર એ આનું નામ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને