નેશનલ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટરમાઇન્ડ લોરેન્સ બિશ્નોઇ ગેંગે શ્રદ્ધા વોકર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાની હત્યાની પણ કથિત યોજના બનાવી હતી. દિલ્હીની સાકેત કોર્ટમાં તેની હત્યા કરવાનો પ્લાન હતો. આ માટે 1 મહિના સુધી રેકી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ઝાંસી હૉસ્પિટલ આગઃ શું બાકસની એક દિવાસળી બની દસ માસૂમના મોતનું કારણ?
સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના માસ્ટરમાઇન્ડ અને વોન્ટેડ આરોપી શુભમ લોંકરે કથિત રીતે શ્રદ્ધા વોકર હત્યા કેસમાં ધરપકડ કરાયેલા આરોપી આફતાબ પૂનાવાલાની હત્યાની યોજના બનાવી હતી.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કથિત રીતે સંકળાયેલા શુભમ લોંકરે 2022માં દિલ્હીની સાકેત કોર્ટમાં આફતાબ પૂનાવાલાની હત્યા કરવા માટે સતત એક મહિના સુધી યોજના બનાવી હતી. શ્રદ્ધા વોકર મર્ડર કેસનો આરોપી આફતાબ હાલમાં તિહાર જેલ નંબર 4માં બંધ છે.
જોકે, ચુસ્ત સુરક્ષા બંદોબસ્તને કારણે તેમની આ યોજના સફળ થઈ શકી નહોતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આફતાબને ખતમ કરવા માટે શુભમ લોંકરને મુંબઈથી દિલ્હી બોલાવવામાં આવ્યો હતો અને તેણે એક મહિના સુધી સાકેત વિસ્તારની રેકી કરી હતી. વર્ષ 2022માં આફતાબની ધરપકડ બાદ, શુભમ લોંકર કોર્ટમાં તેની હાજરી દરમિયાન કોર્ટની આસપાસ બે શૂટર્સ સાથે તેને મારવાની તક શોધી રહ્યો હતો. દરમિયાન તિહાર જેલ પ્રશાસને શુક્રવારે મીડિયા અહેવાલો પર તાત્કાલિક ધ્યાન આપ્યું હતું અને પૂનાવાલાની આસપાસ સુરક્ષા વધારી દીધી હતી.
જેલની અંદર આફતાબની હત્યાનું કાવતરું:
બાબા સિદ્દીકી હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા શિવ કુમાર ગૌતમે પોલીસને આપેલા નિવેદનમાં આફતાબ પૂનાવાલાની હત્યા કરવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. સૂત્રોએ પણ પુષ્ટિ કરી છે કે આફતાબ હવે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. બિશ્નોઈ ગેંગ જેલની અંદર તેની હત્યાનું કાવતરું ઘડી રહી છે. આફતાબ સામે સંભવિત ખતરાને જોઇ તેની સુરક્ષા માટે જેલના અધિકારીઓ હાઈ એલર્ટ પર છે.
18 મે, 2022 ના રોજ, આફતાબે કથિત રીતે દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી અને તેના શરીરને ઘણા ટુકડા કરી દીધા હતા. તેણે મૃતદેહના ટુકડા છતરપુર પહાડી વિસ્તારના જંગલમાં ફેંકી દીધા હતા. નવેમ્બર 2022માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Manipur Violence: ઉગ્રવાદીઓએ છ લોકોનું અપહરણ કર્યું, નદી કિનારે ત્રણ મૃતદેહ મળ્યા
દરમિયાન, 23 જુલાઈના રોજ, સાકેત ડિસ્ટ્રિક્ટ કોર્ટે શ્રદ્ધા વોકરની હત્યાના કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની અરજી ફગાવી દીધી હતી, અરજીમાં આફતાબે જણાવ્યું હતું કે તે દર મહિને માત્ર બે વાર હાજર થઈ શકે છે અને તેણે તેના વકીલને તેના બચાવની તૈયારી માટે પૂરતો સમય આપવા માંગ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપી જાણીજોઈને સુનાવણીમાં વિલંબ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જુન 2023 થી 212 ફરિયાદ પક્ષના સાક્ષીઓમાંથી માત્ર 134ની જ તપાસ કરવામાં આવી છે. તેથી, ટ્રાયલ ઝડપથી પૂર્ણ કરવા માટે સળંગ તારીખોની જરૂર છે. કોર્ટે આફતાબ વિરુદ્ધ હત્યા અને પુરાવાઓ ગાયબ કરવા માટે આઈપીસીની કલમ 302 અને 201 હેઠળ આરોપો ઘડ્યા હતા.