જોહનિસબર્ગઃ ઓપનર સંજુ સૅમસન અને વનડાઉન બૅટર તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ દરમ્યાન શુક્રવારની છેલ્લી મૅચ પહેલાં અનુક્રમે ઓપનિંગમાં અને મિડલ-ઑર્ડરમાં રમીને સેન્ચુરી ફટકારવાની સાથે એક-એક મૅચમાં વિજય અપાવ્યો હતો, પરંતુ શુક્રવારે ચોથી અને છેલ્લી મૅચમાં બન્ને યુવાન બૅટરે જોડીમાં રમવાની સાથે સદી ફટકારીને ભારતને જડબેસલાક જીત અપાવીને સિરીઝની ટ્રોફી 3-1થી અપાવી દીધી હતી. 2024ની સાલમાં ભારત કુલ 26 ટી-20 મૅચ રમ્યું જેમાંથી 22 જીત્યું અને માત્ર બે મૅચમાં પરાજય જોવો પડ્યો.
ભારતની બે મૅચ ટાઇ રહી હતી જેમાંની એકમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું અને બીજી ટાઇમાં ભારતનો શ્રીલંકા સામે વિજય થયો હતો. એ જોતાં ભારત 2024માં 26માંથી 24 ટી-20 મૅચ જીત્યું અને એ સંબંધમાં ભારતનો 84.61ની વિનિંગ ટકાવારી હાઇએસ્ટ છે.
શુક્રવારે ભારતે 20 ઓવરમાં એક વિકેટે 283 રન બનાવ્યા ત્યાર બાદ સાઉથ આફ્રિકાની ટીમ 18.2 ઓવરમાં ફક્ત 148 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ત્રણ ઓવરમાં ફક્ત 20 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.
આપણ વાંચો: સંજુ સૅમસને ટી-20ના રૅન્કિંગમાં લગાવી ઊંચી છલાંગ
તિલક વર્મા (120 અણનમ, 47 બૉલ, 69 મિનિટ, દસ સિક્સર, નવ ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ ઉપરાંત સિરીઝમાં બે સેન્ચુરી સહિત સૌથી વધુ 280 રન બનાવવા બદલ મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર પણ જીતી લીધો હતો.
આખી શ્રેણીમાં સ્પિનર વરુણ ચક્રવર્તીની 12 વિકેટ હાઇએસ્ટ હતી. અર્શદીપ સિંહની આઠ વિકેટ બીજા નંબરે અને રવિ બિશ્નોઈની પાંચ વિકેટ ત્રીજા નંબરે હતી.
શુક્રવારે તિલક અને ઓપનર સંજુ સૅમસન (109 અણનમ, 56 બૉલ, 104 મિનિટ, નવ સિક્સર, છ ફોર) વચ્ચે 210 રનની વિક્રમજનક અતૂટ ભાગીદારી થઈ હતી. ઓપનર અભિષેક શર્મા (36 રન, 18 બૉલ, 33 મિનિટ, ચાર સિક્સર, બે ફોર) ટીમના 73 રનના સ્કોર પર આઉટ થયો ત્યાર બાદ સૅમસન અને તિલક ટીમના સ્કોરને 283 રન સુધી લઈ ગયા હતા.
ટી-20 આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં ભારત વતી કુલ 23 વ્યક્તિગત સદી નોંધાવવામાં આવી છે જે વર્લ્ડ રેકૉર્ડ છે. બીજા નંબરે ન્યૂ ઝીલૅન્ડ માત્ર 12 સેન્ચુરી સાથે ભારતથી ઘણું દૂર છે. ઑસ્ટ્રેલિયા (11 સદી) ત્રીજા સ્થાને, સાઉથ આફ્રિકા (આઠ સદી) ચોથે અને ઇંગ્લૅન્ડ (સાત સદી) પાંચમે છે.
આપણ વાંચો: ભારતને સતત ત્રીજી મૅચમાં પણ બૅટિંગ મળી અને સૅમસનનો ફરી ઝીરો
ભારતના 283 રન વિદેશી ધરતી પર ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું હાઇએસ્ટ ટીમ-ટોટલ છે. મોટા ક્રિકેટ-રાષ્ટ્રોની રેકૉર્ડ-બુકમાં ભારતનો 297/6નો સ્કોર તમામ દેશોના ટીમ-સ્કોર્સમાં હાઇએસ્ટ છે. એ 297 રન ભારતે ગયા મહિને 12મી તારીખે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામેની મૅચમાં બનાવ્યા હતા. 2019માં અફઘાનિસ્તાને દેહરાદૂનમાં આયરલૅન્ડ સામેની ટી-20માં 278/3નો સ્કોર નોંધાવ્યો હતો જે ભારતે 283/1ના સ્કોર સાથે તોડ્યો છે.
ભારતનો 283/1નો સ્કોર મોટા દેશોના ટીમ-સ્કોર્સમાં (ભારતના જ બાંગ્લાદેશ સામેના 297/6 પછી) સેક્નડ હાઇએસ્ટ છે. એ ઉપરાંત, સાઉથ આફ્રિકાની ધરતી પર પણ ભારતનો 283/1નો સ્કોર સૌથી ઊંચો છે.
એક ટી-20માં એક જ દેશની ટીમના બે બૅટરે સેન્ચુરી ફટકારી હોવાની પહેલી ઘટના બની છે અને એનો શ્રેય તિલક-સૅમસનની જોડીને જાય છે.
આપણ વાંચો: સૅમસન આજે પણ સેન્ચુરી ફટકારશે એટલે આ નવો વર્લ્ડ રેકૉર્ડ તેના નામે…
તિલક-સૅમસને ફક્ત 93 બૉલમાં બીજી વિકેટ માટે 210 રનની અતૂટ ભાગીદારી કરી હતી અને આ પણ નવો વિશ્વવિક્રમ છે. બન્ને બૅટર્સે જ્યાં બૉલ ન મોકલ્યો હોય એવો મેદાનનો એકેય વિસ્તાર નહોતો છોડ્યો. તિલક અને સૅમસને કેટલાક જીવતદાન વચ્ચે પોતાના રુટિન શૉટ્સ ઉપરાંત સાહસિક બનીને નવી સ્ટાઇલના શૉટ્સ પણ ફટકાર્યા હતા.
2024ના વર્ષમાં સૅમસને ત્રણ ટી-20 સેન્ચુરી ફટકારી અને એ વિશ્વવિક્રમ છે. તેણે 12મી ઑક્ટોબરે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે 111 રન, આઠની નવેમ્બરે ડરબનમાં સાઉથ આફ્રિકા સામે 107 રન અને 15મી નવેમ્બરે જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે 109 રન બનાવ્યા હતા.
શુક્રવારે સૅમસને 51 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી, જ્યારે તિલક વર્માએ સદી પૂરી કરવામાં તેનાથી 10 બૉલ ઓછા લીધા હતા અને 41 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા.
ભારતીય બૅટર્સે શુક્રવારની મૅચમાં કુલ 23 સિક્સર ફટકારી હતી જે નવો વર્લ્ડ રેકૉર્ડ છે.
આપણ વાંચો: સૅમસન અને સ્પિનરોએ ભારતને અપાવ્યો વિજય
કોઈ ટીમના બૅટર્સે એક ટી-20 સિરીઝમાં કુલ ચાર સેન્ચુરી નોંધાવી હોય એવું પહેલી જ વખત બન્યું છે. સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં બે સેન્ચુરી સૅમસને (107 રન અને 109 અણનમ) તથા બે સેન્ચુરી તિલક વર્માએ (107 રન અને 120 અણનમ) ફટકારી હતી.
કોઈ ટીમના બૅટર્સે એક જ સિરીઝમાં ત્રણ સેન્ચુરી નોંધાવી હોય એવું પણ નથી બન્યું. એક ટીમ વતી એક સિરીઝમાં અગાઉ વધુમાં વધુ બે સેન્ચુરી બની હતી, પણ ભારતે ચાર સેન્ચુરી સાથે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
શુક્રવારની મૅચમાં ભારત અને ભારતીય બૅટર્સે બીજા ઘણા વિક્રમો પણ નોંધાવ્યા હતા.
ભારત માટે 2024નું વર્ષ એટલે સુવર્ણકાળ
(1) જાન્યુઆરીમાં અફઘાનિસ્તાન સામે 3-0થી વિજય
(2) જૂનના ટી-20 વર્લ્ડ કપમાં 8-0 (તમામ આઠ વિજય અને વર્લ્ડ ચૅમ્પિયન)
(3) જુલાઈમાં ઝિમ્બાબ્વે સામે 4-1થી વિજય
(4) જુલાઈમાં શ્રીલંકા સામે 3-0થી વિજય
(5) ઑક્ટોબરમાં બાંગ્લાદેશ સામે 3-0થી વિજય
(6) નવેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે 3-1થી વિજય
નોંધઃ ભારતને 2024ના વર્ષમાં ટી-20 સિરીઝોમાં જીત રોહિત શર્મા, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં મળ્યા છે.