૧૪મી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે એક ફેંસલો સંભળાવ્યો કે ડૉક્ટરો દ્વારા અપાતી દરેક દવાની સંભવિત આડઅસરો વિશે દર્દીને જણાવવાનું ડૉક્ટરોને કહેવું એ વ્યવહારુ નથી…
આજકાલ દર્દીઓનાં સગાઓ દ્વારા વારંવાર ફરિયાદો થાય છે કે ડૉક્ટર દ્વારા અપાતી ખોટી સારવાર કે અયોગ્ય દવાઓને કારણે દર્દીને નુકસાન થાય છે. ઘણી વાર તો ડૉક્ટરની મારપીટ અને હૉસ્પિટલમાં તોડફોડ પણ થાય છે. આ એક ગંભીર મુદ્દો છે, પણ તેનાથી વધુ એક ગંભીર મુદ્દો છે કે જેને સામાન્ય લોકો રીતસર અવગણી કાઢે છે.
એ મુદ્દો છે જાતે જ ડૉક્ટર બની બેસવાનો. અનેક કિસ્સામાં દર્દીને હૉસ્પિટલમાં લાવવામાં આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. શરૂઆતમાં દર્દને ગંભીરતાથી ન લેવામાં આવે અથવા પોતાની રીતે જ ઉપચાર કરવામાં આવે ને જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર જાય ત્યારે હૉસ્પિટલ ભણી દોટ મૂકવામાં આવે.
આજે ખાસ કરીને એ વિશે વાત કરવી છે કે ‘ઓવર ધ કાઉન્ટર’ (એટલે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્સન વગર -આપમેળે લીધેલી દવા) લેવામાં આવતી એન્ટિબાયોટિક્સ આપણા આરોગ્ય માટે કેટલી જોખમી થઈ શકે છે. માથું દુખે-શરીર દુખે-તાવ આવે-શરદી થાય એટલે લોકો તરત જાણીતી એન્ટિબાયોટિક ગોળી પોતાની મેળે લઈ લેતાં અચકાતાં નથી.
આવી દવાઓની સંભવિત આડઅસર વિશે આપણે કેટલા જાગૃત છીએ? ડૉક્ટરની સલાહ વિના નિયમિત રીતે આ દવા લેવાય ખરી? આ વિશે આપણે જાણવાની અને જાગૃત થવાની ખાસ જરૂર છે.
સૌપ્રથમ એ જાણીએ કે એન્ટિબાયોટિક્સ શા માટે લેવામાં આવે છે?
સામાન્ય રીતે, એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ બેક્ટેરિયાથી થતા ઘણા રોગોની સારવારમાં થાય છે, પરંતુ કોઈ પણ રોગ વખતે વ્યક્તિ મૅડિકલ સ્ટોરમાંથી એન્ટિબાયોટિક્સ ખરીદીને તેનું સેવન કરે છે.
ઘણી વાર તો એક વખત ડૉકટરે એન્ટિબાયોટિક લખી આપી હોય, પછી પણ તેનો જ ઉપયોગ લોકો વાર-તહેવારે કર્યા કરે. આ પ્રક્રિયામાં ઘણી વાર આ દવાઓનો ઓવરડોઝ થાય છે, જેના કારણે દર્દીને ભારે આડઅસર સહન કરવી પડે છે.
ભારતમાં જે રીતે એન્ટિબાયોટિક્સ ખોટી રીતે લેવામાં આવી રહી છે તેના કારણે બેક્ટેરિયા ‘ડ્રગ રેઝિસ્ટન્ટ’ બની રહ્યા છે. આવા બેક્ટેરિયા પછી દવાને ગાંઠતા નથી અને જો થોડાં વર્ષો સુધી આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો એક દિવસ એવો પણ આવી શકે છે જ્યારે એન્ટિબાયોટિક દવાઓ બેક્ટેરિયા પર કામ કરવાનું બંધ કરી દેશે અને પછી દર્દીની સ્થિતિ HIV જેવી થઈ જશે. ઘણા નિષ્ણાતો આ વિશે નિયમિત રૂપે ચેતવણી આપી રહ્યા છે.
જ્યારે રોગની તીવ્રતાની તુલનામાં ઓછી માત્રા-શક્તિની દવા લેવામાં આવે છે અથવા રોગ મટ્યા પછી પણ નિયત માત્રાનો ડોઝ પૂરો કર્યા વિના દવા બંધ કરવામાં આવે ત્યારે બેક્ટેરિયા નબળા પડી જવાને કારણે રોગ મટી જાય છે, પરંતુ બેક્ટેરિયા સંપૂર્ણપણે નાબૂદ થતા નથી, બલકે એ ધીમે ધીમે દવા સામે પ્રતિકાર વિકસાવે છે. આ જ કારણ છે કે ૨૦ વર્ષ પહેલાં જે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ બહુ પાછળથી-ચોથી પેઢી તરીકે થતો હતો તે હવે એને આજે સામાન્ય રોગો માટે પ્રથમ પેઢી તરીકે આપવામાં આવે છે.
આના પરિણામે મચ્છરોની-મલેરિયાની દવાઓ બિનઅસરકારક બની જાય છે અને ટીબી જેવા રોગ ખતરનાક સ્વરૂપ ધારણ કરે છે અને જ્યારે આ દવાઓનો વધુ શક્તિશાળી ડોઝ બને છે ત્યારે તે તમામ પ્રકારની આડઅસરોનું કારણ બને છે. પરિણામે, દર્દીના શરીરમાં અન્ય ખતરનાક રોગ વિકસે છે.
તબીબી સલાહ વિના દવા લેવી જીવલેણ બની શકે છે..
ડૉક્ટરોનું માનવું છે કે સામાન્ય રીતે ૭૦ ટકા દર્દી એવા હોય છે જે દવાઓની આડ અસરને કારણે બીમાર પડે છે. આવું માત્ર એન્ટિબાયોટિક દવાઓને કારણે જ નહીં, પરંતુ અન્ય ઘણી એલોપેથિક દવાઓને કારણે પણ થાય છે.
આની પાછળનું મુખ્ય કારણ છે – લોકોમાં તબીબી સલાહ વિના દવાઓ લેવાની વૃત્તિ… ઉદાહરણ તરીકે શરીરના દુખાવાના કિસ્સામાં ‘બ્રુફેન’, શરદીમાં ‘સેટિરિઝિન’ કે ‘સેટ્રિઝીન’- ઉધરસના કિસ્સામાં કોઈ પણ કફ સિરપ તથા અનિદ્રાના કિસ્સામાં ‘આલ્પ્રાઝોલ’ કે પેટમાં દુખાવા કે મરડા માટે ‘મેટ્રોજિલ’ વગેરે દવા પોતાની મેળે લે છે ત્યારે લોકોને ખબર નથી કે આ દવાઓની કેવી કેવી આડઅસર પણ છે.
Also Read – તંદુરસ્તી-મનદુરસ્તીઃ અનિદ્રા શરીરની પણ છે ને મનની પણ બીમારી છે
ડૉકટરો કહે છે કે શરીરના દુખાવાના કિસ્સામાં ‘બ્રુફેન’ સૌથી વધુ વપરાતી સામાન્ય દવા છે, જે આગળ જતાં ગૅસ્ટ્રાઇટિસ-કિડની અને લીવરની નિષ્ફળતાનું કારણ બની શકે છે. એ જ રીતે, ‘મેટ્રોજિલ’ના લાંબા સમય સુધી ઉપયોગથી કૅન્સર અને પેરિફેરલ ન્યુરોપથી (નર્વ પ્રૉબ્લેમ), ‘અલ્પ્રાઝોલ’થી મનોવસ્થા બગડે છે અને આત્મહત્યાના વિચારો આવવા લાગે છે.
-તો આપણે શું કરવું જોઈએ?
સ્વાભાવિક છે કે માત્ર એન્ટિબાયોટિક્સ જ નહીં, જો કોઈ પણ દવાનો ઉપયોગ યોગ્ય રીતે ન કરવામાં આવે તો તે ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે. તેથી સીધી અને સચોટ સલાહ એ છે કે તબીબી સલાહ વિના કોઈ પણ દવા (વિટામિન અને મલ્ટીવિટામિન્સ સુદ્ધાં) ન લો અને ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી કોઈ પણ દવાના સંપૂર્ણ કોર્સને અનુસરો અને હા, માત્ર એલોપેથી પર આધાર રાખશો નહીં. જો રોગ ખૂબ ગંભીર ન હોય તો સારવારની અન્ય વૈકલ્પિક પદ્ધતિ (આયુર્વેદ, નેચરોપથી, હોમિયોપેથી)નો પણ ઉપયોગ કરો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને