-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા
અગાઉ આપણે પાચનતંત્રની વિભિન્ન બીમારીઓ અને અજીર્ણ-અપચો-મંદાગ્નિ અને એના ઉપાયો વિશે જાણ્યું આજે હવે જાણીએ પેટના દુ:ખાવા વિશે.
પેટના દુ:ખાવાનાં લક્ષણ-કારણ:
- જે કારણોથી અર્જીણ થાય છે, તે કારણો પેટના દુ:ખાવા માટે જવાબદાર બનતા હોય છે.
આ ઉપરાંત, અહીં દર્શાવેલા રોગથી પણ પેટમાં દુ:ખાવો થઈ શકે છે.
સંભવિત રોગથી પેટમાં થતાં દુ:ખાવાનાં સ્થાન
પેટનાં ચાંદાં
કમળો ગૅસ
ગૅસ પથરી
પથરી
પેશાબ સંબંધી ઈન્ફેકશન પેશાબ સંબંધી ઈન્ફેકશન
ગૅસ
એપેન્ડિક્સનો સોજો કબજિયાત
પેશાબ સંબંધી ઈન્ફેકશન
માસિક સ્ત્રાવ
શું છે આવા દુ:ખાવાના ઉપચાર….
બે-ત્રણ ગ્રામ અજમો અને મીઠું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુ:ખાવો, અર્જીણ અને વાયુ મટે છે.
એક-એક ચમચી આદુ અને લીંબુના રસમાં એક ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
એક-એક ચમચી આદુ અને ફુદીનાના રસમાં બે ચપટી સિંધવ મીઠું નાખીને પીવું.
- ત્રણ ચમચી ફુદીનાના રસમાં એક ચમચી મધ મેળવીને લેવાથી પેટના દર્દો મટે છે. લાંબા સમયની આંતરડાંની ફરિયાદ માટે આ ઉત્તમ ઈલાજ છે.
- શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું.
- જમ્યા પછી કેટલાકને બે થી ત્રણ કલાકે પેટમાં સખત દુ:ખાવો થાય છે. તે માટે પાંચ ગ્રામ સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાખી સવાર-સાંજ લેવાથી ફાયદો થાય છે.
- ગોળ અને ચૂનો ભેગો કરી, ગરમ પાણી સાથે લેવાથી અથવા તો પેટ ઉપર લગાવવાથી પેટના દુ:ખાવામાં રાહત મળે છે.
સાકર અને ધાણાનું એક ચમચી ચૂર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે. - જીરું અને ધાણા બંને સરખે ભાગે ૧-૧ ચમચી લઈ, રાત્રે પલાળી રાખી, સવારમાં ખૂબ મસળી, તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળતરા મટે છે.
- ત્રણ ગ્રામ રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી પેટની ચૂંક અને અર્જીણ મટે છે.
- ગૅસ
જ્યારે આપણું શરીર આહારનું ઊર્જામાં રૂપાંતર કરે છે તે દરમિયાન પેટમાં અને આંતરડાંમાં ગૅસ ઉત્પન્ન થાય છે અને તે ગૅસ ઓડકાર કે અપાનવાયુ દ્વારા બહાર ન નીકળી શકે ત્યારે પેટમાં દુ:ખાવો ઉત્પન્ન કરે છે અને આપણને પેટમાં ગૅસ થયો હોય તેવો અનુભવ થાય છે.
ગૅસનાં લક્ષણ:
- પેટ ભારે લાગવું અને દુ:ખાવો થવો.
- જમવામાં અરુચિ થવી અને જમેલું પચે નહીં.
- કબજિયાત, દુર્ગંધયુક્ત અધોવાયુ અને પેટમાં વાયુના ગડગડાટ થવા.
- અનિદ્રા તથા શરીરમાં આળસ, બેચેની રહેવી અને માથું દુ:ખવું.
- ગળામાં, છાતીમાં અથવા પેટમાં બળવું.
ગૅસ થવાનાં કારણ… - અપચો.
- વધુપડતો મસાલેદાર અને વાયુવર્ધક આહાર લેવાથી.
- ઉતાવળમાં, ચાવ્યા વિના કે વધુપડતું ખાવાથી કે પીવાથી.
- વધુપડતો તણાવ કે વધારે બોલવાથી.
ગૅસ મટાડવાના ઉપચારો…
એક કપ ગરમ દૂધમાં ૨ થી ૩ ગ્રામ તજનો પાઉડર નાખી પીવો.
એક કપ છાશમાં ૨ થી ૩ ગ્રામ અજમાનો પાઉડર અને અડધો ગ્રામ મરી પાઉડર નાખીને પીવો.
થોડો અજમો અને મીઠું મિક્સ કરી ચાવવું.
રોજ ગૅસ થતો હોય તો જમ્યા પછી આદુનો ૧ ટુકડો લેવો.
એક કપ ગરમ પાણીમાં થોડો ખાવાનો સોડા નાખીને તરત પી જવો.
ફુદીનાનાં થોડા પાન ચાવી જવાં.
એલચીના થોડા દાણા ચાવવા.
કબજિયાતથી ગૅસ થયો હોય તો સૂંઠ, તજ અને ગોળના ઉકાળામાં ૨ ચમચી દિવેલ મેળવીને પીવાથી કબજિયાત સાથે ગૅસ મટશે.
ઊલટી
ઊલટી એ રોગ નથી, પરંતુ શરીરમાં અન્ય રોગની હાજરીનું લક્ષણ છે.
ઊલટીના લક્ષણો
- પ્રથમ મોઢામાં લાળ (મોળ) કે થૂંક આવે, પરસેવો વળે, બેચેની થાય અને પછી ઊલટી થાય.
- ઊલટીમાં ખાધેલું અન્ન, ચીકણાં તત્ત્વો, પિત્ત અને કોઈક વાર લોહી પણ નીકળે છે.
- ઊલટી દોષ પ્રમાણે કોઈક વખતે મોરી, ખારી, કડવી કે તૂરી હોય છે.
- ઊલટી થવાનાં કારણ:
- અપચો અને હોજરીમાં ‘આમ’નો સંચય થવાથી.
- શરીરમાં પિત્ત વધી જવાથી કે કબજિયાત રહેવાથી.
- વિરુદ્ધ આહાર જમવાથી કે અણગમતો ખોરાક જમવાથી.
- સૂગ ચડે એવા પદાર્થો જોવાથી, સૂંઘવાથી કે કલ્પના કરવાથી.
- આહારમાં ઝેરી પદાર્થો આવી જવાથી કે દારૂના વધુપડતા સેવનથી.
ઊલટીના ઉપચાર….
એક-બે ચમચી ફુદીનાનો રસ પીવો.
લિંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચૂસવાથી અન્નવિકારથી થતી ઊલટી મટે છે.
તુલસી અને આદુનો રસ મધ સાથે લેવો.
મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટીમાં રાહત મળે છે.
રાઈને ઝીણી વાટી પાણીમાં પલાળી થોડું ગરમ કરી પેટ ઉપર લેપ કરવો.
સૂંઠ અને ગંઠોડાનું ચૂર્ણ ૩ થી ૪ ગ્રામ મધમાં ભેળવીને ચાટવું.
મીઠા લીમડાના પાનનો ઉકાળો પીવો.
૧૦-૧૦ ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી તેમાં થોડી સાકર મેળવીને પાણીમાં એકરસ કરી પીવાથી પિત્તની ઊલટી મટે છે.
૧૦ ગ્રામ પાકી આંબલીને એક કપ પાણીમાં પલાળી તેનું પાણી ગાળીને પીવાથી પિત્તની ઊલટીમાં રાહત મળે છે.
અડધો કપ ગરમ પાણીમાં એક ગ્રામ ખાવાનો સોડા નાખીને પીવાથી કફજન્ય ઊલટી દૂર થાય છે.આવે વખતે શું લેવી સાવધાની?
- ઊલટી એ શરીરમાંથી ઝેરી તત્ત્વોનો નિકાલ કરવાની એક પ્રક્રિયા છે માટે તેના વેગને ક્યારેય રોકી રાખવો નહીં જેટલી વાર ઊલટી થાય તેટલી વાર થવા દેવી.
- ઊલટી થયા બાદ અમુક કલાકો સુધી કાંઈ જમવું નહીં.
- ઊલટી બંધ થયા બાદ ૨૪ કલાક સુધી તળેલી, વાયુવર્ધક અને દૂધની વાનગીઓ ન લેવી.
- ખાટી-કડવી ઊલટી થાય ત્યારે લિંબુ-સાકરનું ઠંડું પાણી પીવું અથવા બરફના નાના ટુકડા મોંમાં રાખવા.
- ગળી-ચીકણી કે કફની ઊલટીમાં ગરમ પાણીમાં થોડું મીઠું મેળવીને પીવું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને