કેન્સિંગ્ટન ઓવલઃ અહીં બાર્બેડોઝના મેદાન પર બુધવારે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડે દરમ્યાન વિચિત્ર ઘટના બની હતી. ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફની કૅપ્ટન શાઇ હોપ સાથે કોઈક વાતે દલીલ થઈ હતી જેમાં હોપ સાથે અસહમત થયા બાદ જોસેફ મેદાન છોડીને જતો રહેલો જોવા મળ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝે આ મૅચ 42 બૉલ બાકી રાખીને આઠ વિકેટે જીતી લીધી હતી અને ટ્રોફી પર 2-1ના માર્જિન સાથે કબજો કર્યો હતો.
આ પણ વાંચો: ‘ઑસ્ટ્રેલિયામાં કલાકો ક્રીઝ પર ટકી રહેવું હોય તેા…’મેાહમ્મદ કૈફે દિગ્ગજ ક્રિકેટરોને આપી અસરદાર સલાહ
એક તબક્કે જ્યારે ઇંગ્લૅન્ડનો સ્કોર એક વિકેટે 10 રન હતો ત્યારે ફીલ્ડિંગ ગોઠવવાની બાબતમાં હોપ-જોસેફ વચ્ચે ઘણી વાર સુધી ચર્ચા અને દલીલબાજી થઈ હતી.
બ્રિટિશ બૅટર જોર્ડન કૉક્સે બૉલને પૉઇન્ટ તરફ મોકલ્યો ત્યારે જોસેફ નારાજ જણાતો હતો અને તેણે ગુસ્સામાં વિકેટકીપર-કૅપ્ટન હોપને સ્લિપની ફીલ્ડિંગ તરફ કંઈક સંકેત કર્યો હતો. જોસેફે એ ઓવરમાં કૉક્સને તેના એક રનના સ્કોર પર વિકેટકીપર હોપના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. જોકે જોસેફને આ વિકેટથી સંતોષ નહોતો થયો અને તે હોપ સાથે કંઈ પણ વાતચીત કર્યા વિના મેદાન પરથી રવાના થઈ ગયો હતો.
વેસ્ટ ઇન્ડિઝને ટી-20ની બે વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર ડૅરેન સૅમી કૅરિબિયન ટીમનો હેડ-કોચ છે. તે મેદાનની બહાર ઊભો હતો અને તેણે પાછા આવેલા જોસેફને સમજાવવાની કોશિશ કરી હતી, પણ જોસેફ ખૂબ રિસાયેલો હતો અને ડગઆઉટમાં જઈને બેસી ગયો હતો. સબસ્ટિટ્યૂટ હેડન વૉલ્શ જુનિયરે ફીલ્ડિંગ માટે મેદાન પર જવાની તૈયારી કરી લીધી હતી ત્યાં થોડી જ ક્ષણો બાદ જોસેફ ડગઆઉટમાંથી ઊભો થઈને પાછો મેદાન પર આવી ગયો હતો. તેણે મૅચમાં 45 રનમાં કુલ બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: આઇસીસી રૅન્કિંગમાં ફરી ઊથલપાથલ એક ભારતીયની લાંબી છલાંગ, બીજાને મેાટું નુકસાન
કૉમેન્ટરી બૉક્સમાંથી ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટર માર્ક બુચરે જોસેફને વખોડતા કહ્યું, `ઘણી વાર મેદાન પર કૅપ્ટન અને ખેલાડી વચ્ચે અસહમતી જોવા મળતી હોય છે. જોકે એ મામલો બંધ બારણે ઉકેલાવો જોઈએ અથવા ખેલાડીએ આદેશ મુજબ રમતા રહેવું પડે. કૅપ્ટન જે બોલરને જેવા પ્રકારનો બૉલ ફેંકવાનું કહે એવો બૉલ તેણે ફેંકવો જ પડે.’
ઇંગ્લૅન્ડે ફિલ સૉલ્ટના 74 રનની મદદથી આઠ વિકેટે 263 રન બનાવ્યા હતા. અલ્ઝારી જોસેફે અને રોમારિયો શેફર્ડે બે-બે વિકેટ તેમ જ મૅથ્યૂ ફોર્ડેએ ત્રણ વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝે બે્રન્ડન કિંગના 102 રન અને કેસી કાર્ટીના અણનમ 128 રનની મદદથી 43 ઓવરમાં બે વિકેટે 267 રન બનાવીને વિજય મેળવ્યો હતો.