નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી વિપક્ષો ઈવીએમ મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશપ્રમુખે વિપક્ષોની જવાબ આપ્યો હતો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) પર સવાલ ઉઠાવવાના બદલે વિપક્ષોએ ચૂંટણીમાં થયેલી હારને સ્વીકારીને આત્મનિરીક્ષણ કરવું જોઇએ, એમ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાનવકુળેએ બુધવારે જણાવ્યું હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં બાવનકુળેએ કહ્યું હતું કે વિપક્ષો ઇવીએમના મુદ્દે તદ્દન ખોટું બોલી રહ્યા છે. ઇવીએમ સાથે ચેડાં કરવામાં આવ્યા હતા એવા વિપક્ષોના આક્ષેપ અંગે પૂછતા તેમણે કહ્યું હતું કે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાઇ જેમાં વિપક્ષો દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે ઇવીએમ પર સવાલ કેમ ન ઉઠાવ્યા? કોંગ્રેસે નાંદેડ લોકસભાની પેટાચૂંટણી જીતી હતી. તો શું નાંદેડમાં ઇવીએમ બરાબર હતા?
‘આ બધુ ફક્ત જુટાણું છે. તેમણે પોતાની હાર સ્વીકારીને આત્મનિરીક્ષણ કરવું જોઇએ. લોકસભાની ચૂંટણીમાં અમને મહારાષ્ટ્રમાં હાર મળી હતી ત્યારે અમે તે સ્વીકારીને મનોમંથન કર્યું હતું અને આગળ વધ્યા હતા. અમે મતદાનના દરેક કેન્દ્ર સુધી કામ કર્યું અને તેથી જ અમારી વિધાનસભાની ચૂંટણીમાં જીત થઇ છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : માનો યા ના માનોઃ મહારાષ્ટ્રમાં ભાજપના ‘મહાવિજય’ની આ હતી Formula, જાણો…
ઇવીએમ સાથે ચેડાં કરવામાં આવતા હોવાથી દેશમાં મતપત્ર સાથે ચૂંટણી યોજાવી જોઇએ એવી અરજી સાથે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી જનહિતની અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટ કહ્યું હતું કે લોકો જ્યારે હારી જાય છે ત્યારે ઇવીએમ પર સવાલ ઉઠાવે છે.
તમે ચૂંટણી જીતો છો ત્યારે ઇવીએમ સાથે ચેડાં નથી કરાતા, પણ જો હાર થાય છે તો ઇવીએમ પર દોષનો ટોપલો ઢોળો છો, એમ કહી સુપ્રીમ કોર્ટે જનહિત અરજીને મંગળવારે ફગાવી દીધી હતી. તેના એક દિવસ બાદ બાવનકુળેએ ઉક્ત નિવેદન આપ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને