Who volition  explicate  - close   specified  impulsiveness? Mumbai Samachar

શ્વેતા જોષી-અંતાણી

હેતાના હોસ્ટેલ જવાના દિવસો નજીક આવી રહ્યા હતાં. ઘરમાં કોઈનું બંધન સાંખી ના શકતી એવી હેતા અનેક બંધનોભર્યા જીવન તરફ ધકેલાય રહી હતી. કારણ હતું હેતાનો આક્રમક સ્વભાવ. ઘરમાં વર્ષો સુધી એક માત્ર સંતાન તરીકે ઉછરેલી હેતા પાંચેક વર્ષની થઈ પછી એના ઘેર ટ્વિન્સ ભાઈ-બહેનનો જન્મ થયો.

સ્વાભાવિકપણે મમ્મી-પપ્પા અને અન્ય સભ્યોનું ધ્યાન એ તરફ દોરવાય ગયું. ઘરમાં અત્યાર સુધી નાની ગણાતી હેતા અચાનક મોટી થઈ ગઈ. એક તરફ મમ્મીનો ખોળો છૂટી ગયો તો બીજી તરફ પપ્પાનું પડખું. હેતા શું કરે છે, ક્યાં જાય છે, શું જમે છે, ક્યારે ઊંઘે છે, ક્યારે ભણે છે એની દરકાર કરવાનો સમય કોઈને મળતો નહી.

ધીમે-ધીમે એકલી પડતી જતી હેતા સ્વભાવે આકરી થતી ચાલી. પરિવારમાં ટીનએજ ઉપરાંત હેતાનો આકરો સ્વભાવ આક્રમક બની ગયેલો. નાના ભાઈ- બહેન તરફનો અણગમો હવે નફરતભરી આક્રમકતામાં પલટાય ચૂકેલો. એ એના ભાઈ-બહેનને રમાડતી નહીં. એમની સાથે બહુ હળતી-મળતી નહીં. એમની વાત નીકળે તો મોં મચકોડી દૂર ચાલી જતી. ફોટા પડાવવાની વાત આવે તો ટાળતી.

જોકે, મોટી થઈ ચૂકેલી હેતાના આવા બદલાયેલા વર્તનને નજીકથી જોવા-સમજવાનો વિચાર કોઈએ કરેલો નહી. હા, એના તરફની ફરિયાદો જરૂર વધવા લાગેલી : ‘કંઈ સાંભળતી નથી.. કામ કરાવતી નથી ભાઈ-બહેનનું ધ્યાન રાખતી નથી’ જેવો કકળાટ મમ્મી વારંવાર કર્યા કરતી, પરંતુ પોતાના જીવનમાંથી મા-બાપનો પ્રેમ છીનવી લેનાર એનાં નાના ભાઈ-બહેન છે. એવું દ્રઢપણે હેતા માની રહી છે એ વાતનો અણસાર ઘરમાં કોઈનેય આવ્યો નહોતો.

અંતે ઘરમાં મોટી હોનારત થતાં રહી ગઈ. એક દિવસ હેતાના ભરોસે મૂકેલા એ બન્ને ટાબરિયાઓ પર હેતા એવી ગુસ્સે ભરાય કે એમને રમાડવાના બહાને મોટી પીપમાં પૂરી દેતા એ સહેજપણ અચકાઈ નહોતી. આ તો ભલું કરજો કે એના મમ્મી સમયસર ઘેર આવ્યા. બાકી, બન્ને બાળકને ગૂંગળાય જતાં વાર લાગત નહીં.

જોકે, એ વાતનો હેતાને રહી-રહીને અફસોસ થતો હતો. પોતે હવે ‘આવું કયારેય નહી કરે’ એવું બોલી-બોલીને એની જીભ થાકી ગયેલી, પરંતુ એમ એની વાત ઘરમાં મનાતી હોત તો આજે આ પરિસ્થિતિ જ આવીને ઊભી ના હોત. ઘરમાં ફરી આવી પરિસ્થિતિ ક્યારેય ઉભી ના થાય એ માટે હેતાને દૂર મોકલી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો.

હેતાની હોસ્ટેલ જવાની વાત આસપાસમાં વાયુવેગે પ્રસરી ગઈ. એની ફ્રેન્ડસ પોતપોતાની સમજ પ્રમાણે એને ડરાવવા લાગ્યા. હોસ્ટેલનો માહોલ, એના નિયમો, એની તકલીફો અંગે એ બધા પાસે જેટલું જ્ઞાન હતું એ એમણે હેતા સામે ખડકી દીધું.
પહેલેથી જ ડરેલી હેતાનું મન હવે થથરી ગયું, કારણ કે આ વખતે એને હોસ્ટેલમાં કે બહારગામ ભણવા મોકલી દેવાની વાત ઘરમાંથી, ખાસ કરીને મમ્મીના મોંએથી છાશવારે મળતી ધમકી નહીં, પણ હકીકત હતી.

જવાના આગલા દિવસે એણે એક છેલ્લો પ્રયત્ન કર્યો. મમ્મી પાસે જઈ એ રીતસર આજીજી કરતાં બોલી : ‘મમ્મી, મને નથી ખબર મને કેમ આવો ગુસ્સો આવી જાય છે, પણ હું આવું ક્યારેય નહીં કરું. તું મને હોસ્ટેલ ના મોકલ.’
હેતાના વર્તનથી પોતાનાં બાળકો હતા- નહતા થઈ જાત એ વાત એની મમ્મી ભૂલી નહોતી એટલે રોષપૂર્વક એ માત્ર એટલું જ બોલી કે, ‘તારો આવો એગ્રેસિવ સ્વભાવ બદલાશે તો જ હવે ઘેર પાછું આવવા મળશે…’

નિરાશ હેતા ધીમા પગલે એના રૂમમાં આવી. ‘મારું કોઈ છે જ નહી. હું સાવ એકલી છું…’ એવો લાચારીભર્યો વિચાર, ક્ષણવારમાં ‘હવે હું આ ઘરમાં ક્યારેય પાછી નહી આવું… આ કોઈનું મોં ફરીથી જોઈશ નહીં…! ’ જેવા આક્રમક વિચારોમાં ફેરવાય ગયો.

એ પછીનો આજે પંદરમો દિવસ છે. દિવસ-રાત સતત રોતી રહેતી હેતાએ એના રૂમ મેટ્સ સાથે એક પણ વખત વાત કરી નહોતી. એ વાતની જાણ એની રૂમમેટ્સે મેટ્રન મેડમને કરતાં આજે એ પથારીમાં ડૂસકાં ભરતી હેતા પાસે પહોંચે છે. હેતાને વ્હાલથી આવું થવાનું કારણ પૂછે છે ત્યારે આખી વાત માંડીને કર્યા પછી હેતા સવાલ કરે છે : ‘એના ઈમોશન્સની કોઈને કેમ પરવાં નથી? પોતે આક્રમક છે એનું લેબલ લગાવી દીધું પણ આવું શા માટે થાય છે એ જાણવાની તસ્દી કેમ કોઈ લેતું નથી? મારામાં એગ્રેસન છે તો એને કઈ રીતે હું દૂર કરી શકું? મારા પેરેન્ટ્સની શું ભૂલ નથી? એને કોણ સમજાવશે? ’

આ પણ વાંચો…યુપીનું સમ્ભલ બીજું અયોધ્યા બનવાનાં એંધાણ

આવું એકીશ્ર્વાસે બોલી ગયેલી હેતાને પાણી પીવાનો ઈશારો કરી મેટ્રન મેડમ જવાબ આપે છે : ‘હેતા, તારો પ્રશ્ર્ન બિલ્કુલ સાચો છે. એગ્રેસન કે આક્રમકતાને નાથવી કોઈ પણ ઉંમરે અઘરી છે. એમાંય હજુ બાળપણના બીજમાંથી ઊગીને ઊભા થતાં તારા જેવડાં તરુણો માટે આ એક એવો મોન્સ્ટર-રાક્ષસ સાબિત થાય છે, જે કયારેક તમારું આખું જીવન પલટી નાખે છે. જો હેતા, તારા કિસ્સામાં પણ એ જ બન્યું. એગ્રેસિવ બિહેવિયરને ક્ધટ્રોલ ના કરી શકવાની તારી અણઆવડત અંતે તને ઘરથી હોસ્ટેલ સુધી ઢસડી લાવી… આપણી અંદર ઉદ્ભવતા અનેકાનેક ઈમોશન્સમાં આક્રમકતા કે એગ્રેસન એક ખૂબજ સશક્ત ઈમોશન છે.

આથી, તરુણાવસ્થાની નાજુક વયે તે સૌથી વધુ પરેશાની ઉત્પન્ન કરી શકે છે. હવે તું અહીં રહીશ પછી ધીમે-ધીમે આ વાતો શીખી જઈશ અને અહીંથી જવાનો વખત આવશે ત્યારે ગુસ્સો પણ નહી કરતી હોય. એ વાતની મને ખાતરી છે…. અને રહી વાત તારા મમ્મી-પપ્પાને એની ભૂલ સમજાવવાની તો એ માટે હું એમને અહીં બોલાવીશ. ઓકે?’ કહી મેડમે હેતાના માથા પર હેતપૂર્વક હાથ પસવારી એને શાંતીથી સૂઈ જવાની સૂચના આપી અને કચવાતાં મને પોતાના રૂમ પર આવી હેતાના પેરેન્ટ્સને ફોન કરવા મેટ્રન મેડમ સવાર પડવાની રાહ જોવા લાગ્યાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને