Joe Biden and Donald Trump Bloomberg

-ભરત ભારદ્વાજ

અમેરિકાના પ્રમુખ જો બિડેનની વિદાયના દિવસો ગણાઈ રહ્યા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રમુખપદની બીજી ઈનિંગ શરૂ કરવા તૈયાર છે ત્યારે જતાં જતાં જો બિડેને બહુ મોટો નિર્ણય લઈ લીધો.

અમેરિકાની અત્યાર સુધીની નીતિમાં નોંધપાત્ર ફેરફાર કરીને બિડેન વહીવટીતંત્રે યુક્રેનને અમેરિકા દ્વારા અપાયેલાં શસ્ત્રોના ઉપયોગને મંજૂરી આપીને આ શસ્ત્રોના ઉપયોગ પરના લાંબા સમયથી પ્રતિબંધો હટાવી દીધા છે. મતલબ કે, હવે યુક્રેનનું લશ્કર રશિયા સામેના યુદ્ધમાં અમેરિકન મિસાઈલોનો ઉપયોગ કરી શકશે.

બિડેને યુક્રેનિયન દળોને અમેરિકાનાં મિસાઈલથી રશિયન પ્રદેશમાં ઊંડે સુધી પ્રહાર કરવાની મંજૂરી આપી તેની રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મોટી અસરો થવાની ધારણા છે.

અમેરિકાના નિર્ણયથી દોઢ વર્ષથી બંને દેશ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ભડકશે કેમ કે યુક્રેન અમેરિકાના મિસાઈલ વાપરશે તો રશિયા પણ ચૂપચાપ બેસી નહીં રહે.

રશિયા પાસે અમેરિકા જેવાં જ મિસાઈલ છે એ જોતાં યુદ્ધ ઉગ્ર બને એવી શક્યતા જરાય નકારી ના શકાય.

અમેરિકાએ મંજૂરી આપતાં યુક્રેન યુદ્ધમાં પહેલી વાર લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરી શકશે. યુક્રેન એટીએસીએમએસ રોકેટ સહિતનાં યુએસ શસ્ત્રોનો ઉપયોગ કરીને રશિયન લશ્કરી ટાર્ગેટ પર વાર કરી શકશે. અમેરિકાએ આપેલાં આ મિસાઇલો ૧૯૦ માઇલ એટલે કે ૩૦૬ કિમી સુધીની રેન્જ ધરાવે છે એ જોતાં રશિયામાં અંદર સુધી પ્રહાર કરી શકશે. યુક્રેન લાંબા સમયથી આ મિસાઈલોનો ઉપયોગ કરવાની મંજૂરી માગતું હતું પણ અમેરિકા ના પાડતું હતું.

યુક્રેનના પ્રમુખ વ્લાડીમિર ઝેલેન્સકીની દલીલ હતી કે, રશિયા સામે યુ.એસ. શસ્ત્રોના ઉપયોગથી રશિયા હલી જશે. રશિયન સૈન્ય માળખાને રશિયન હસ્તકના પ્રદેશોમાં ઊંડે સુધી નિશાન બનાવવાની ક્ષમતા યુક્રેન પાસે હોય તો રશિયા ઝીંક ના ઝીલી શકે ને રશિયન લશ્કર નબળું પડી જાય. અલબત્ત તેના કારણે યુદ્ધ વધારે ભડકી જાય એ ખતરાને કારણે બિડેન ઝેલેન્સ્કીની વિનંતીને કાને નહોતા ધરતા.

હવે અચાનક બિડેન યુક્રેન પર રીઝી ગયા એ પાછળનો ઉદ્દેશ ડોનાલ્ડ ટ્રમ્પને ભીંસમા મૂકવાનો છે એ કહેવાની જરૂર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુક્રેનને અમેરિકા દ્વારા અપાતી લશ્કરી અને નાણાકીય સહાયની ટીકા કરતા રહ્યા છે તેથી તેમને માફક ના આવે એ નિર્ણય છે એ કહેવાની જરૂર નથી.

ટ્રમ્પે વારંવાર યુદ્ધનો અંત લાવવાની હાકલ કરી છે અને શાંતિ સ્થાપવા માટે ઝડપથી નિરાકરણ માટે વાટાઘાટો કરવાનું વચન પણ આપ્યું છે.

ટ્રમ્પ ધારે તો રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવી શકે છે. યુક્રેન અમેરિકાનું સાથી છે અને અમેરિકાના જોરે જ યુદ્ધ લડી રહ્યાં છે. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અમેરિકા સીધું સામેલ નથી પણ યુક્રેનને તન, મન, ધનથી મદદ કરી જ રહ્યું છે. અમેરિકા યુક્રેનને મદદ બંધ કરી દે તો ઝેલેન્સ્કીની તાકાત નથી કે રશિયા સામે ટકી શકે.

અમેરિકા તથા પશ્ર્ચિમના દેશો યુક્રેનને મદદ કરવાનું બંધ કરશે તો આપોઆપ યુક્રેન ઠંડું પડી જશે ને યુદ્ધ પણ ઠંડું પડી જશે. અમેરિકા વિશ્ર્વમાં શાંતિ ઈચ્છતું હોય તો અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાનું બંધ કરવું જોઈએ અને બીજી સહાય પણ ના કરવી જોઈએ.

અમેરિકા યુક્રેનને બીજી ૬૦ અબજ ડૉલરની સહાય મંજૂર કરવાની ફિરાકમાં છે. ટ્રમ્પ આવીને આ સહાય બંધ કરે તો પણ યુદ્ધ પતી જાય. ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વ્લાદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી છે અને યુક્રેન યુદ્ધ ખતમ કરવા ચર્ચા પણ કરી છે.

ટ્રમ્પ પુતિન સાથે સંધિ કરીને પણ યુદ્ધનો અંત લાવી શકે છે. થોડા સમય પહેલાં પુતિને અમેરિકા તથા પશ્ર્ચિમના દેશો તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો.

પુતિને કહેલું જ કે, અમેરિકા તથા તેના સાથી દેશો બે વર્ષથી ચાલતા યુદ્ધમાં યુક્રેનને તન,મન, ધનથી મદદ કર્યા પછી પણ રશિયાનું કે મારું કશું ઉખાડી શક્યા નથી ને હવે પણ કંઈ ઉખાડી શકવાના નથી. આ વાસ્તવિકતાને સમજીને તમને વારું છું તો પાછા વળી જાઓ, બાકી હારીને પાછા વળવું પડશે.

ટ્રમ્પ આ વાસ્તવિકતા સમજીને રશિયાને યુક્રેન પરનું આક્રમણ બંધ કરવા પણ કહી શકે છે.

ટ્રમ્પ પાસે એલન મસ્ક સહિતના સાથીઓ છે કે જે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે સંપર્કમાં છે. મસ્કે થોડા દિવસ પહેલાં જ પુતિન સાથે વાત કરી ત્યારે યુદ્ધનો અંત લાવવા માટે ચર્ચા કરી હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બને એ પહેલાં જ વાટાઘાટોનો તખ્તો તૈયાર થઈ જાય ને ટ્રમ્પ પ્રમુખ બનતાં જ જશ ખાટી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે.

બિડેનને ખ્યાલ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધના વિરોધી છે અને રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા મથ્યા કરે છે તેથી તેથી ટ્રમ્પ પ્રમુખ બને એ પહેલાં જ આ નિર્ણય લઈને બિડેને ટ્રમ્પને બળતું ઘર સોંપવાનો પેંતરો ખેલ્યો છે એ સ્પષ્ટ છે.

૨૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળે તેના બે મહિના પહેલાં લીધેલા નિર્ણય દ્વારા બિડેને ટ્રમ્પની બીજી ઈનિંગ સરળ નહીં હોય એવો તખ્તો ઘડી કાઢ્યો છે.

જો બિડેન સરકારે લીધેલા નિર્ણયને પલટી નાખવાની ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સત્તા છે. ટ્રમ્પ સત્તા સંભાળ્યા પછી બિડેનના નિર્ણયને ઉલટાવી શકે છે પણ એ પહેલાં જ યુક્રેન અમેરિકાનાં શસ્ત્રો રશિયા સામે વાપરવા માંડે ને રશિયા એ જ ભાષામાં જવાબ આપીને યુક્રેનને ખેદાનમેદાન કરી નાખે તો પછી ટ્રમ્પ પણ કશું ના કરી શકે.

પુતિન માથાફરેલ છે અને યુક્રેન એક મારે તો ચાર મારવાની માનસિકતા ધરાવે છે. રશિયાએ યુક્રેનમાં તેના લશ્કરને મદદ કરવા માટે ઉત્તર કોરિયાના સૈનિકોની તૈનાતી સહિતનાં પગલાંની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાનો સરમુખત્યાર કીમ ઉન જોંગ એક લાખ કોરિયન સૈનિકોને યુક્રેનમાં રશિયાની મદદે મોકલવાનો છે તેથી રશિયાનું લશ્કરી અભિયાન વધુ તીવ્ર બનશે એ સ્પષ્ટ છે જ.

એવામાં અમેરિકાનાં મિસાઈલ રશિયા પર છોડાય તો પુતિન ઝાલ્યા ના રહે ને યુદ્ધ એવા તબક્કામાં પહોંચી જાય કે જ્યાંથી પાછા જ ના ફરી શકાય. બિડેન એ જ દિશામાં આગળ વધી રહ્યા છે ને ટ્રમ્પ માટે કાંટાળો રસ્તો તૈયાર કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને