નવી દિલ્હી: ગત ઑક્ટોબર મહિનામાં દેશમાંથી વિવિધ તેલખોળની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે પાંચ ટકા વધીને ૩.૦૫ લાખ ટન (૨.૮૯ લાખ ટન)ની સપાટીએ રહી હોવાનું ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. એકંદરે ગત ઑક્ટોબર મહિનામાં તેલખોળની નિકાસમાં વધારો થયો હોવા છતાં વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑક્ટોબર સુધીના સમયગાળામાં નિકાસ ગત સાલના સમાનગાળાના ૨૫.૬૬ લાખ ટન સામે સાત ટકાના ઘટાડા સાથે ૨૩.૮૮ લાખ ટનના સ્તરે રહી હતી.
Also read: જાપાની અર્થતંત્રના સુધારા વચ્ચે નીક્કીમાં આગેકૂચ, અમેરિકામાં પીછેહઠ
એસોસિયેશનની યાદીમાં જણાવ્યાનુસાર ગત ઑક્ટોબર મહિનામાં રાયડાખોળની નિકાસ ઑક્ટોબર, ૨૦૨૩ના ૧.૬૯ લાખ ટન સામે ઘટીને ૧.૬૦ લાખ ટનની સપાટીએ રહી હતી. પરંપરાગત ધોરણે પશુઆહારમાં વપરાતા ભારત રાયડાખોળનો વૈશ્ર્વિક અગ્રણી નિકાસકાર દેશ છે અને ગત સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨ લાખ ટન રાયડાખોળની નિકાસ થઈ હતી અને રાયડાના ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા.
Also read: વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
જોકે,વર્તમાન નાણાકીય વર્ષના પહેલા સાત મહિનામાં રાયડાખોળની નિકાસ ગત સાલના સમાનગાળાના ૧૫.૧ લાખ ટન સામે ૨૫ ટકા ઘટીને ૧૧.૮ લાખ ટનની થતાં નવો પડકાર ઊભો થયો હોવાનું એસોસિયેશને યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે નિકાસમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચા ભાવ છે. આથી અમે સરકારને નિકાસને પ્રોતસાહન આપવા માટે આરઓડીટીઈપી દર, ટ્રાન્સપોર્ટ સબસિડી અને ઈન્ટરેસ્ટ સબ્વેન્શન મારફતે રાહત આપવાનો અનુરોધ કર્યો છે. વધુમાં ગત ઑક્ટોબર મહિનામાં સોયાબીન ખોળની નિકાસ વધીને ૧.૧૪ લાખ ટન (૮૭,૦૬૦ ટન)ની સપાટીએ રહી હતી, જ્યારે સિંગખોળની નિકાસ વધીને ૨૭૩૩ ટન (૧૯૯૦ ટન)ની સપાટીએ રહી હતી.