શ્રીનગર : જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે નેશનલ કોન્ફરન્સ સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી કોંગ્રેસ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન, શુક્રવારે NC નેતા ઓમર અબ્દુલ્લાએ રાજભવનમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને ગઠબંધનનો પત્ર સોંપ્યો અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજાઇ શકે છે

રાજભવનથી પરત ફરતી વખતે ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “હું હમણાં જ રાજભવનથી પાછો ફર્યો છું, મેં મારા ગઠબંધનનો પત્ર લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કર્યો છે, અમારી સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPI-M અને ઘણા અપક્ષ ધારાસભ્યો પણ છે.અમને તેમનું સમર્થન છે જો બધી કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવશે તો આગામી સપ્તાહે બુધવારે શપથ ગ્રહણ સમારોહ યોજાઇ શકે છે.

ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, મેં લેફ્ટનન્ટ ગવર્નરને વહેલીમાં વહેલી તારીખ નક્કી કરવા કહ્યું છે જેથી શપથ લઈ શકાય અને લોકોની ચૂંટાયેલી સરકાર તેનું કામ સંભાળી શકે. તેમણે કહ્યું કે જો કે શપથ લેતા પહેલા લાંબી પ્રક્રિયા હોય છે, પરંતુ તેમાં ઘણા દિવસો લાગી શકે છે.

ઇન્ડી ગઠબંધનના નેતા ફારુક અબ્દુલ્લા

શપથ ગ્રહણ સમારોહમાં ઇન્ડી ગઠબંધનના નેતાઓની ભાગીદારી અંગે ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, ઇન્ડી ગઠબંધનના નેતા ફારુક અબ્દુલ્લા છે અને તેઓ આમંત્રણ આપશે. મારે જેમને આમંત્રિત કરવાના છે. હું આવતીકાલે તેમને આમંત્રણ આપીશ.

અમારા મોટાભાગના જૂના મિત્રો અમારી સાથે

એક-બેને બાદ કરતાં એ જ લોકો અમારી સાથે છે જે અગાઉ અમારી સાથે હતા. ઘણા એવા ઉમેદવારો છે જેમને ટિકિટ ન મળી અને જીતી ગયા. હવે અમારી સાથે જોડાવા માંગે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો એવા છે જે અમારી સાથે નવા સંબંધ બાંધવા માંગે છે અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ.