ભુજ: ભૂકંપ ઝોન-પાંચમાં સમાવાયેલા કચ્છના અશાંત પેટાળમાં સતત નાના-મોટા ભૂકંપના આંચકાઓ આવતા જ રહે છે. ગત ૫મી નવેમ્બર 2024ના રોજ લખપતથી 53 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમમાં 3.4ની તીવ્રતાનો આંચકો અંકિત થયો હતો. જેને અર્થકવેક સાયન્સની ભાષામાં ‘સ્પોટ ટુ મોડલ’ કહેવામાં આવે છે.
રણમાં થઈ રહેલા વિકાસકાર્યો માટે ચેતવણી
કચ્છ યુનિવર્સિટીના જાણીતા ભૂ-વૈજ્ઞાનિક ગૌરવ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, જે ફોલ્ટલાઈન પર ભૂકંપનો એ આંચકો આવ્યો હતો તે 220 વર્ષ પહેલા 1819માં જે અલ્લાહબંધ નામની ફોલ્ટ લાઈન પર ભૂકંપ આવ્યો હતો તે જ ફોલ્ટલાઈન પર નોંધાયો હોઈ તેનું મહત્વ વધી જાય છે.
આપણ વાંચો: Big Breaking: ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં અનુભવાયા ભૂકંપના આંચકા
કચ્છમાં સ્થિત અગણિત ફોલ્ટ લાઈનોમાં વાગડ ફોલ્ટલાઈન અત્યારે હાઇપર એક્ટિવ છે. તે જ રીતે આ અલ્લાહબંધ ફોલ્ટલાઈન પણ સક્રિય છે તેવું કહી શકાય કારણ કે આ જ ફોલ્ટલાઈન પર બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ જે રીતે રણમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે ત્યારે સત્તાધીશોએ એ ખાસ યાદ રાખવું જોઈએ કે આ વિસ્તાર પણ મોટા ભૂકંપ માટે સક્રિય છે.
1819ના ભૂકંપથી સર્જાયો અલ્લાહબંધ
16મી જુન 1819ના રોજ સાંજે પોણાં સાત કલાકે આવેલા મહાવિનાશક ભૂકંપ બાદ સર્જાયેલા અલ્લાહબંધના કારણે સિંધુ નદીના વહેણની દિશા બદલી જતાં આ વિસ્તાર બંજર બની ગયો હતો અને એક મિનીટથી પણ ઓછા સમયમાં ડેમોગ્રાફી બદલાઈ ગઈ હતી. આટલા વર્ષો બાદ ફરી પાછો એ જ ફોલ્ટ લાઈન પર બીજી વાર આંચકો નોંધાયો એ બાબત અત્યંત ચિંતાજનક હોવાનું ચૌહાણે ઉમેર્યું હતું.
દરમ્યાન, વર્ષ 2001માં આવેલા મહાવિનાશક ભૂકંપના કારણે 90 કિલોમીટર લાંબી, 16 કિલોમીટર પહોળી અને 6 મીટર રણની જમીન ઉપસી ગઈ હતી. તેની સામે જે સીંધડીનો તળાવ છે તે એક સમયમાં મોટો કિલ્લો હતો. જેની 10થી 12 ફુટ જેટલી ઉંચી દિવાલો હતી. આ કિલ્લો ભૂકંપના કારણે પાણીમાં આવી ગયો હતો.
રણમાં થઈ રહેલા વિકાસકાર્યો માટે ચેતવણી
રણમાં થઇ રહેલા વિકાસ કાર્યમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, જો વધારે ભૂકંપના આંચકા આવે તો તેને મોટી નુકસાની થઈ શકે છે. કચ્છનો આ વિસ્તાર ક્રિકની નજીક છે. માંડવી-લખપતનો દરિયા કિનારો છે તેની પશ્ચિમે આ ફોલ્ટલાઈન એક્ટિવ છે. ભવિષ્યમાં કદાચ લખપત-નારાયણ સરોવર બાજુ જો ત્સુનામી આવે તેમજ ભૂકંપના કારણે એક્ટિવીટી થાય તો રણમાં થઇ રહેલા ડેવલોપમેન્ટને અસર કરી શકે.
ભૂકંપના આંચકા ખતરાની ઘંટી
અલ્લાહબંધ ફોલ્ટમાં આવેલા ભૂકંપના આંચકાને ખતરાની ઘંટી સમજીને આગળ વધવું જોઈએ. ક્રિકની જમીનની અંદર મેન્ગ્રુને વધુમાં વધુ ઉગાડવા જોઈએ જેથી સંભવિત સુનામી આવે તો દરિયાના વિનાશક મોજાની ગતિ ધીમી પડે.
કચ્છ યુનિવર્સિટીના ગૌરવ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, જાપાનમાં અવાર નવાર ભૂકંપ આવે છે તેમ છતાં ત્યાં ખાસ નુકસાની થતી નથી.