Madhapur women becomes unfortunate  of integer  arrest Image Source: Telangana Today

ભુજઃ કંડલામાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ડાયરેક્ટરને મુંબઈ પોલીસનો સ્વાંગ રચી, ડ્રગ્સ, મની લોન્ડરિંગ આર.બી.આઇ.ના કેસના નામે ડરાવી-ધમકાવી ડિજિટલ અરેસ્ટ કરી ૩૬.૬૩ લાખ રૂપિયા પડાવી લીધાં હતા. મૂળ આંધ્રપ્રદેશના વતની અને કંડલા બંદરમાં છેલ્લા ૨૨ વર્ષથી નોકરી કરતાં ૫૨ વર્ષના સાંઈ એસ.શાસ્ત્રી ચીવુકુલા (રહે. વોર્ડ નંબર ૧૦-એ, ગુરુકુળ પાછળ, ગાંધીધામ)એ પોલીસને જણાવ્યું હતું કે, ગત ૧૧મી જાન્યુઆરીના રોજ અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવ્યો હતો.

ફોન કરનારે પોતે ઈન્ડિયા પોસ્ટ ઈન્ટરનેશનલ સર્વિસની મુંબઈની અંધેરી ઈસ્ટ બ્રાન્ચમાંથી દીપકકુમાર બોલતો હોવાની ઓળખાણ આપીને જણાવ્યું હતું કે, તમારા આધાર કાર્ડના નંબરનો દુરુપયોગ કરીને મુંબઈથી દુબઈ મોકલવામાં આવતાં પાર્સલને મુંબઈ પોલીસે જપ્ત કરી લીધું છે તેમ કહી, આ ગઠિયાએ ‘મુંબઈ પોલીસ’ને ફોન ફોરવર્ડ કર્યો હતો.બીજા સાયબર ચીટરે પોતે મુંબઈના એલ.ટી. માર્ગ પરના પોલીસ મથકનો ઇન્સ્પેકટર પ્રશાંત પાટીલ હોવાની ઓળખ આપી હતી.

આ શખ્સે કથિત પાર્સલમાંથી પોલીસનો નકલી યુનિફોર્મ, ઓળખકાર્ડ અને ડ્રગ્ઝ મળ્યાં હોવાનું કહ્યુ હતું. તેમજ પોલીસની વરદી ધારણ કરીને વોટ્સએપ પર કરેલા વીડિયો કૉલમાં પૂછપરછ શરૂ કરી દીધી હતી!. ગઠિયાએ તમારી સામે મની લોન્ડરીંગ અને ડ્રગ્ઝનો કેસ હોવાનું જણાવીને સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા કેસ તથા રિઝર્વ બેન્કના લેટર સહિતના ફેક લેટર મોકલીને ફરિયાદીને તેની સામે કેસ થયો હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.

Also read: ડિજિટલ એરેસ્ટ ફ્રોડ: સિનિયર સિટિઝન પાસેથી સાયબર ઠગે 71 લાખ પડાવ્યા…

સાયબર ક્રિમિનલ્સે મોબાઈલ ફોન મારફતે નજરકેદ કરી લીધો હતો. દિવસ અને રાત્રે કલાકો સુધી વોટસએપ વોઈસ કૉલ ચાલું રખાવતાં. ધરપકડ થવાની, ત્રણ મહિના સુધી જેલમાં રહેવાની તેઓ સતત ધમકી આપ્યા કરતા હતા અને પૂછ્યાં વગર બાથરૂમ સુદ્ધા નહીં જવા અને જવાનું થાય તો આગોતરી જાણ કરવાની ચીમકી આપતાં રહેતા હતા. તપાસમાં રાહત આપવાનું બહાનું આગળ ધરી, ખાતામાં પડેલા નાણાં આરબીઆઈએ દર્શાવેલાં એકાઉન્ટમાં જમા કરાવવા અને તપાસ પૂરી થયે પાછાં મળી જશે તેમ ગઠિયાઓએ કહેતા માનસિક રીતે ભાંગી પડેલા ફરિયાદીએ તેમના કહેવા મુજબ ૧૮ લાખ ૩૧ હજાર ૫૨૦ રૂપિયા પશ્ચિમ બંગાળના સિલિગુડીની આઈસીઆઈસીઆઈ બેન્કની બ્રાન્ચમાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવ્યાં હતાં. બીજા દિવસે ગઠિયાઓએ ફરિયાદીને ફોન કરીને ધમકાવ્યો હતો કે તમારા ખાતામાં વધુ નાણાં હોવા છતાં કેમ ઓછાં રૂપિયા જમા કરાવ્યાં છે જેથી ફરિયાદીએ વાસી ઉત્તરાણયના દિવસે બેન્કમાં જઈ ગઠિયાઓએ ડીબીએસ બેન્ક, કર્ણાટક બ્રાન્ચમાં ફરી તેટલાં જ રૂપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવ્યાં હતા. ત્યારબાદ ફોન આવતા બંધ થતાં પોતાની સાથે ૩૬.૬૩ લાખ રૂપિયાનો ફ્રોડ થયો હોવાનો ખ્યાલ આવતાં ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને