કવર સ્ટોરી : ‘અભિજાત’ શ્રેણીમાં આવી શકે આપણી ગુજરાતી ?

1 hour ago 1

-વિજય વ્યાસ
તાજેતરમાં કેન્દ્ર સરકાર તરફથી મરાઠી અને બંગાળી સહિત વધુ પાંચ ભાષાને ‘ક્લાસિકલ લેંગ્વેજ- અભિજાત ભાષા’નો દરજજો એનાયત થયો છે. આ બધા વચ્ચે, આપણી ગુજરાતી ભાષા પણ એ દરજજા પામી શકે ? શું છે એના ધારા-ધોરણ અને આવા બહુમાન માટ ે કેવીક છે આપણી પોતાની તૈયારી ?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મોટો નિર્ણય લઈને મરાઠી, બંગાળી, પાલી, પ્રાકૃત અને આસામી એમ વધુ પાંચ ભાષાને ‘ક્લાસિકલ લેંગ્વેજ (શાસ્ત્રીય ભાષા)’નો દરજજો આપી દીધો છે. અત્યાર સુધી દેશમાં તમિલ, સંસ્કૃત, તેલુગુ, ક્ધનડ, મલયાલમ અને ઓડિયા એમ છ ભાષાને ‘ક્લાસિકલ લેંગ્વેજ’ એટલે કે નો ‘અભિજાત’ ભાષાનો દરજજા મળ્યો હતો. હવે વધુ છ ભાષાને આ વિશેષ દરજજો અપાતાં ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજજો ધરાવતી ભાષાઓની સંખ્યા ૬થી ૧૧ થઈ જશે.

ભારત સરકારે છેલ્લે ૨૦૧૪માં ૨૦ ફેબ્રુઆરીના રોજ ઉડિયા ભાષાને ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજજો આપેલો. એ નિર્ણય ડો. મનમોહનસિંહની સરકારે લીધો હતો તેથી મોદી સરકારે કોઈ ભાષાને અભિજાત’ ભાષાનો દરજજો આપ્યો હોય એવું પહેલી વાર બન્યું છે. વાસ્તવમાં ડો. મનમોહનસિંહની સરકારે જે ૬ ભારતીય ભાષાને આ દરજજો આપ્યો તેની શરૂઆત તમિલને ૨૦૦૪માં એ ‘ક્લાસિકલ દરજજો આપીને કરવામાં આવી હતી.

તમિલ ભાષાને ૧૨ ઓક્ટોબર, ૨૦૦૪ના રોજ ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજજો અપાયો તેના એક વર્ષ પછી સંસ્કૃતને (૨૫ નવેમ્બર, ૨૦૦૨) પણ ભાષાનો આ વિશેષ દરજજો એનાયત થયો . એ પછી ક્ર્મશ: ૩૧ ઓક્ટોબર ૨૦૦૮ના ક્ધનડ- મલયાલમ ને તેલુગ ભાષાને ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજજો મળ્યો અને છેલ્લે ૨૦૧૪માં ડો. મનમોહનસિંહની સરકાર વિદાય થતાં પહેલાં ઉડિયા ભાષાને અભિજાત ભાષાનો દરજજો આપતી ગઈ.

આ બધા ઉડિયાને ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજજો ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીની સાથે જ યોજાનારી ઓડિશા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

એ રીતે અત્યારે પણ મરાઠીને અભિજાત ભાષાનો દરજજો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો છે. મરાઠી ‘ક્લાસિકલ લેંગ્વેજ’ ગણાય ને બંગાળી ના ગણાય તો મમતા બેનરજી એને મોટો રાજકીય મુદ્દો બનાવી દઈને ભાજપ બંગાળને અન્યાય કરે છે એવો દેકારો મચાવી દે તેથી મરાઠીની સાથે બંગાળીને પણ ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજજો આપી દેવામાં આવ્યો છે. બાકીની ત્રણ ભાષા પૈકી પાલી અને પ્રાકૃત ભારતમાં સંશોધકો અને વિદ્વાનોની ભાષા રહી ગઈ છે, જેને ભાગ્યે જ કોઈ બોલે કે લખવામાં વાપરે છે. જ્યારે આસામી, બંગાળી અને મરાઠી વ્યાપકપણે લખાય છે- બોલાય છે.

ભારતના કેટલાક વિસ્તારોમાં તેમજ લાઓસ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ અને વિયેટનામમાં પાલી બોલાય છે, પણ એ લોકબોલી નથી. પાલી ભગવાન બુદ્ધના ઉપદેશોની ભાષા છે તેથી બૌધ્ધ સાધુઓ આ ભાષા શીખે છે. ભારતમાં અલ્હાબાદ અને પટના સહિત કેટલીક યુનિવર્સિટીમાં પાલી ભાષા શીખવવામાં આવે છે. પ્રાકૃત ભારતમાં કોઈ બોલતું નથી, પણ સંશોધકોની એ ભાષા છે.

ભારતમાં સંસ્કૃતનું વ્યાકરણ રચાયું એ પહેલાં પ્રાકૃત ભાષા બોલાતી હતી. પ્રાકૃત ભાષામાં શિલાલેખો તથા ઘણું જૂનું સાહિત્ય પણ મળે છે તેથી સંશોધકોના કારણે પ્રાકૃત ભાષા જીવંત રહી છે.

કોઈ પણ ભાષાને ક્લાસિકલ લેંગ્વેજ-અભિજાત ગણવામાં આવે પછી સરકાર તરફથી શાસ્ત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ પગલાં લેવાય છે. આવી ભાષાના પ્રાચીન ગ્રંથોના અનુવાદ તેમજ સંશોધનને પ્રોત્સાહન આપવા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ભાષાના વિદ્વાનો માટે અભ્યાસક્રમ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સંસ્કૃતના પ્રચાર માટે ત્રણ કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના થઈ છે.

એ જ રીતે તમિલના અભ્યાસ માટે કેન્દ્રીય સંસ્થા બનાવવામાં આવી છે. શાસ્ત્રીય ક્ધનડ, તેલુગુ, મલયાલમ અને ઓડિયામાં અભ્યાસ માટે મૈસુરમાં ભારતીય ભાષાઓની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ પણ બની છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કોઈ પણ ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો દરજજો આપવા માટેનાં ધારાધોરણો નક્કી કરવાનું કામ સાહિત્ય અકાદમીને સોંપ્યું હતું. સાહિત્ય અકાદમીએ અગાઉ ૨૦૦૪ અને ૨૦૦૫માં નક્કી કરેલાં ધારાધોરણો બદલીને નવા માપદંડ નક્કી કર્યા છે.

આ માપદંડ પ્રમાણે, ક્લાસિક લેંગ્વેજનો દરજજો મેળવવા માટે જે તે ભાષા ૧૫૦૦થી ૨૦૦૦ વર્ષ જૂની હોવી જોઈએ… આ ભાષા એ સમયે અસ્તિત્વમાં હતી તેના પુરાવારૂપ જ્ઞાન ગ્રંથો ઉપલબ્ધ હોવા જોઈએ…. ગદ્ય ગ્રંથો ઉપરાંત કવિતા, શિલાલેખ અને શિલાલેખના પુરાવા જ્ઞાન ગ્રંથ તરીકે માન્ય ગણાય છે મતલબ કે આ ભાષામાં ૧૫૦૦થી ૨૦૦૦ વર્ષ પહેલાં સાહિત્ય કે લખાણ આલેખાયેલું હોવું જોઈએ. એટલું જ નહીં,આ સાહિત્ય મૌલિક હોવું જોઈએ ને બીજી ભાષામાંથી એની ઉઠાંતરી ન થઈ હોવી જોઈએ. અભિજાત ભાષા તરીકે માન્યતા મેળવનારી એ ભાષા અને એ વખતનું સાહિત્ય હાલની ભાષા અને સાહિત્ય કરતાં અલગ હોવાં જોઈએ. અભિજાત દરજજા માટેનાં આ ધારાધોરણની ચકાસણી કર્યા બાદ સાંસ્કૃતિક મંત્રાલય એને ક્લાસિકલ લેંગ્વેજનો દરજજો આપવો કે નહીં એ નક્કી કરે છે. આ બધા વચ્ચે આપણી ગુજરાતી ભાષાને અભિજાત ભાષાનો દરજજો કે બહુમાન મળે કે નહીં ?

ખરું કહીએ અને વાસ્તવિકતા નજર સામે રાખીને કહીએ તો આપણી ગુજરાતી ભાષા ક્લાસિકલ લેંગ્વેજ માટેનાં નક્કી થયેલાં ધારાધોરણોમાં બંધબેસતી નથી.

આ વાતને સમજવા ટૂંકમાં ગુજરાતી ભાષાનો ઈતિહાસ સમજવો પડે. ઘણા વિદ્વાનોના મતે, ગુજરાતી ભાષા ઈસવીસન પૂર્વે અસ્તિત્વમાં હતી, પણ તેના કોઈ પુરાવા નથી. પુરાવાના આધારે જોઈએ તો ગુજરાતી ભાષાને હજુ ૧૦૦૦ વર્ષ પણ થયાં નથી જ્યારે મુખ્ય માપદંડ જ ૧૫૦૦ વર્ષથી જૂની ભાષાનો છે.

ગુજરાતી ભાષાનો જન્મ ઈ.સ. ૧૧૩૫માં થયો હોવાનું મનાય છે, કેમ કે ગુજરાતી ભાષાનો સર્વ પ્રથમ વ્યાકરણ ગ્રંથ ‘સિદ્ધ હેમ શબ્દાનુશાસન’ ઈ.સ. ૧૧૩૫માં લખાયો. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ નવલકથા ‘ભરતેશ્ર્વર બાહુબલી રાસ’ હતી, જે ઈ.સ. ૧૧૮૫ માં લખાઈ હતી.

ગુજરાતી ભાષાના વ્યાકરણની રચના સિધ્ધરાજ જયસિંહના શાસનમાં થઈ. ઈ.સ. ૧૦૯૬ માં સિધ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયો અને સિદ્ધરાજે ગુજરાત પર ૪૮ વર્ષ સુધી અખંડ શાસન કર્યું. આ દરમિયાન અનેક યુધ્ધ થયાં, પરંતુ સિધ્ધરાજ જયસિંહ કદી પરાજિત થયા નહીં. સિદ્ધરાજના સમયમાં જૈનાચાર્ય હેમચંદ્રાચાર્ય મહાન વિદ્વાન ગણાતા. ‘કલિકાલજ્ઞ સર્વજ્ઞ’ તરીકે ઓળખાતા હેમચંદ્રાચાર્યે સંસ્કૃત, પ્રાકૃત, અને પાલી એમ ૩ ભાષાના વ્યાકરણનો ઊંડો અભ્યાસ કરીને ગુજરાતી વ્યાકરણની રચના કરી હતી તેથી ગુજરાતી ભાષાને મૌલિક પણ ગણવામાં નથી આવતી!

આમ છતાં ગુજરાતી ભાષાને ક્લાસિકલ-અભિજાત ભાષાનો દરજજો અપાવવા માટે પણ પ્રયત્નો થયા છે. મુંબઈના ગુજરાતીઓએ સમાજના અગ્રણી એવા હેમરાજ શાહની આગેવાનીમાં ૨૦૨૦માં ગુજરાતી ભાષાને ક્લાસિકલ લેંગ્વેજ આપવા માટે મહારાષ્ટ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ અંગેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે એ વખતે ‘આ અંગે યોગ્ય નિર્ણય લેવાશે’ એવો જવાબ આપેલો, પણ ત્યાર પછી કદી કોઈ જવાબ આવ્યો નહીં… ને હજુ સુધી ગુજરાતી ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો દરજજો મળ્યો નથી.

આમેય અત્યારે જે ધારાધોરણો છે એ મુજબ ગુજરાતી ભાષા અભિજાત ભાષા બની શકે તેમ નથી. બીજી તરફ, અત્યારે મણિપુરમાં બોલાતી મેઈતેઈ ભાષા સૌથી પ્રબળ દાવેદાર છે. મેઈતેઈ ભાષામાં ૨૦૦૦ વર્ષ પહેલાં સાહિત્ય રચાયાના પુરાવા હોવાનું કહેવાય છે. બિહારના કેટલાક ભાગોમાં બોલાતી મૈથિલી પણ ૧૪૦૦ વર્ષ જેટલી જૂની હોવાનું ગણાય છે . એ જોતાં વહેલા-મોટા ભવિષ્યમાં મૈથિલી પણ ક્લાસિકલ લેંગ્વેજ બની શકે, પણ ગુજરાતીને નજીકના ભવિષ્યમાં ક્લાસિકલ લેંગ્વેજનો દરજજો મળવાની શક્યતા બહુ ધૂંધળી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article