હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિક્વલ સાંબેલાધાર વરસે જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શેખર કપૂર અને સુભાષ ઘઈ સુધ્ધાં આ વહેણ સાથે જવા તૈયાર થઈ ગયા છે
અર્શદ વારસી અને અક્ષય કુમાર ‘જોલી એલએલબી ૩’માં..
‘યે ક્યા હો રહા હૈ?’ એમ ટીકુ તલસાણિયાની સ્ટાઈલમાં બોલી ઊઠો એવી પરિસ્થિતિ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. અહીં જુઓ-તહીં જુઓ-ઓલી પાર નજર દોડાવો કે આમની કોર આંખો ચોળીને જુઓ, બધે સિક્વલ જ સિક્વલ બની રહી છે.
૨૦૨૪માં અત્યાર સુધી ‘કાગઝ-૨’, ‘સાયલન્સ-૨’, ‘લવ, સેક્સ ઔર ધોખા-૨’, ‘ફિર આયી હસીન દિલરૂબા’, ‘સ્ત્રી-૨’, ‘ભૂલભુલૈયા-૩’ અને ‘સિંઘમ અગેન’ રિલીઝ (થિયેટર અથવા ઓટીટી પ્લૅટફૉર્મ) થઈ ચૂકી છે.
૨૦૨૪નું વર્ષ સિક્વલનું ટ્રેલર માનવામાં આવે છે અને આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં સૂંડલેમોઢે સિક્વલ અને સાથે ફ્રેન્ચાઈઝી બનાવવાની ધૂમ મચશે અને કેટલીક ફિલ્મ રસિયાઓને જોવા મળવાની છે.
‘છફશમ-રેડ-૨’, ‘જોલી એલએલબી-૩’, ‘હાઉસફુલ-૫’, ‘વોર-૨’, ‘બાગી-૪’, ‘ધડક-૨’, ‘સન ઑફ સરદાર-૨’, ‘દે દે પ્યાર-૨’, ‘પુષ્પા-૨’, ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મો તો નિર્માણના વિવિધ તબક્કામાં છે. આ ઉપરાંત એવી પણ કેટલીક સિક્વલ છે જેની કોઈ નક્કર તૈયારી નથી થઈ, પણ એ બનશે જ એવું કહેવાય છે.
આમાં પહેલું નામ ‘હેરાફેરી-૩’નું છે અને એ ઉપરાંત ‘ભૂલભુલૈયા-૪’, ‘તુંબાડ-૨’, ‘ગદર-૩’, ‘ગોલમાલ-૫’ પ્રમુખ નામ છે. આ સિવાય બીજી કેટલીક સિક્વલ-ફ્રેન્ચાઈઝી (દૃશ્યમ-૩, ધૂમ) વિચારાધીન છે.
Also Read – દરેક દિવસની દરેક ક્ષણ નવી શરૂઆતની એક તક છે…
આ સિક્વલનો સપાટો તો એવો બોલ્યો છે કે બે મૂઠી ઊંચેરા દિગ્દર્શક સુભાષ ઘઈ અને શેખર કપૂર સુધ્ધાંએ સિક્વલ બનાવવાની ઘોષણા કરી દીધી છે. ફિલ્મ બિઝનેસ કપરા કાળનો સામનો કરી રહ્યો છે. પ્રેક્ષક માઈબાપને કઈ ફિલ્મ શું કામ ગમી જશે એ સમજી જ નથી શકાતું એ વાતાવરણમાં ફિલ્મ મેકરો લોકપ્રિય અને જાણીતાં પાત્રોની કથા આગળ વધારી ફિલ્મ બનાવવામાં સમજદારી હોવાનું માને છે.
ફિલ્મ ટ્રેડના વ્યવસાય સાથે સંકળાયેલા ગિરીશ જોહરનું કહેવું છે કે ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રી નર્વસ છે. અત્યારે સિક્વલ, પ્રિક્વલ અને ફ્રેન્ચાઈઝી ફિલ્મો માટે ૪૦થી ૫૦ ટાઈટલ પર કામ થઈ રહ્યું છે. શું ચાલશે અને શું નહીં એ અસમંજસભર્યા વાતાવરણમાં સિક્વલ બનાવવી સલામત સાહસ લાગે છે.’
આજનો દર્શક ઓટીટી પ્લૅટફૉર્મ પર વિવિધ ભાષાની દેશી-વિદેશી ફિલ્મો જોઈ સ્માર્ટ બની ગયો છે. ફિલ્મની કથામાં નાવીન્ય ન લાગે તો એ જાકારો આપી દે છે. કથાનો દુકાળ, સિક્વલના સુકાળનું મહત્ત્વનું કારણ ગણાય છે.
શત્રુઘ્ન સિન્હા સાથેની ‘કાલીચરણ’ (૧૯૭૬)થી લાઈમલાઈટમાં આવી ગયેલા સુભાષ ઘઈએ વિવિધ પ્રકારની એક પછી એક હિટ ફિલ્મો આપી. સુભાષ ઘઈની ફિલ્મ હોય તો જોવી જ જોઈએ એવી ઈમેજ બનાવવામાં તેમને સફળતા મળી હતી. ‘કર્ઝ’, ‘વિધાતા’, ‘રામ લખન’, ‘ખલનાયક’ જેવી યાદગાર ફિલ્મો આપનારા સુભાષ ઘઈનાં પણ વળતાં પાણી શરૂ થયાં ૨૦૦૫ની ‘કિસ્ના’થી. છેલ્લાં વીસેક વર્ષમાં ‘ઈકબાલ’ (કેવળ નિર્માતા)ને બાદ કરતાં તેમની કઈ ફિલ્મ આવી હતી એનું નામ પણ યાદ ન આવે એવી પરિસ્થિતિ છે.
વિષય વૈવિધ્યને પ્રાધાન્ય આપવામાં કાયમ આગ્રહ રાખનારા મિસ્ટર ઘઈએ ૨૦ વર્ષ પહેલાં પ્રોડ્યુસ કરેલી સુપરહિટ ફિલ્મ ‘ઐતરાઝ’ (અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા, કરીના કપૂર)ની રિલીઝનાં ૨૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ફિલ્મની સિક્વલની ઘોષણા સોશિયલ મીડિયામાં કરી હતી. ત્રણ વર્ષના સખત પરિશ્રમ પછી ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ કરવામાં આવી હોવાનો ખુલાસો ઘઈએ કર્યો છે.
૨૦૦૪ની ‘ઐતરાઝ’ અબ્બાસ-મસ્તાને ડિરેક્ટ કરી હતી, જ્યારે ‘ઐતરાઝ ૨’નું દિગ્દર્શન ‘ઓએમજી ૨’ના મેકર અમિત રાય કરશે. સુભાષ ઘઈના શબ્દો છે : ‘અમિતે સેક્સ લાઈફ વિશે આજનાં મૂલ્યો અને આજની વિચારધારાને કેન્દ્રમાં રાખી એક જોરદાર સ્ટોરી લખી છે.
ફિલ્મ કેવળ સોશિયલ ડ્રામા નહીં હોય, દર્શકનાં દિલ – દિમાગને હલબલાવી મૂકશે.’
ટૂંકમાં સુભાષ ઘઈ પણ સિક્વલ એક્સપ્રેસમાં સવાર થઈ ગયા છે કે એમણે પણ સવાર થવું પડ્યું છે.
બીજી તરફ, શેખર કપૂર ૧૯૮૩માં રિલીઝ થયેલી ‘માસૂમ’ની સિક્વલ બનાવવા માગે છે અને આવતા વર્ષના પ્રારંભમાં એનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન છે. મૂળ ફિલ્મના બે પ્રમુખ કલાકાર નસીરુદ્દીન શાહ અને શબાના આઝમી સિક્વલમાં હશે અને સાથે મનોજ બાજપેયી અને શેખર કપૂરની પુત્રી કાવેરી પણ કામ કરશે.
ખુદ શેખર કપૂરે જ જણાવ્યું છે કે ‘હું આવતા વર્ષે ફેબ્રુઆરી કે માર્ચમાં શૂટિંગ શરૂ કરી દઈશ. મૂળ ફિલ્મ કરતાં સ્ટોરી લાઈન અલગ હશે, પણ કથાનું હાર્દ, એનાં મૂલ્યો અગાઉ જેવાં જ હશે. હું દુબઈથી પાછો ફરી રહ્યો હતો ત્યારે ઉતાવળમાં સ્ક્રિપ્ટ પ્લેનની સીટ પર ભૂલી ગયો, ખયાલ આવ્યો તો મને પરસેવો વળી ગયો-હું ગભરાઈ ગયો કે હાય હાય હવે ફિલ્મ સમયસર શરૂ નહીં કરી શકાય.
જોકે, બહુ જલદી ફ્લાઈટ એટેન્ડન્ટે મને એ સ્ક્રિપ્ટ પહોંચાડી અને સાથે એક ચિઠ્ઠી પણ લખી કે ‘માસૂમ’ સુંદર ફિલ્મ હતી અને આ નવી ફિલ્મ પણ એટલી જ સુંદર હશે એની મને ખાતરી છે….’ વિધાતાને પણ મંજૂર છે કે સિક્વલ બને અને એટલે જ સ્ક્રિપ્ટ મને પાછી મળી ગઈ.’
વાત આટલેથી નથી અટકતી. મિસ્ટર કપૂર ઑરિજિનલ ‘માસૂમ’ને થિયેટરમાં રિ-રિલીઝ કરવા માંગે છે. કદાચ આજના ઑડિયન્સને ફિલ્મ કેટલી સ્પર્શે છે એ જાણવા માગતા હશે.
અહીં યાદ આવે છે યશ ચોપડાની વાત. ૧૯૮૦ના દાયકામાં એક્શન ફિલ્મના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા હતા. યશજીએ પણ ‘મશાલ’, ‘વિજય’ વગેરે એક્શન ફિલ્મો બનાવી હતી. એ સમયે ‘યશરાજ ફિલ્મ્સ’ આર્થિક સંકડામણ ભોગવી રહી હતી. ‘એક વખત હું કાર ચલાવી બહાર જઈ રહ્યો હતો ત્યાં મેં ફિલ્મના લાઈનબંધ છ-સાત પોસ્ટર જોયાં.’
યશ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘કોઈ પોસ્ટરમાં બોમ્બ બ્લાસ્ટ, કોઈમાં આગ તો કોઈમાં બંદૂક દેખાઈ રહ્યાં હતાં. હું ચોંકી ગયો અને એ જ ઘડીએ મેં નક્કી કર્યું કે એક્શન ફિલ્મ તો નહીં જ બનાવું.’ યશજીએ સામા વહેણે તરવાની હિંમત કરી અને આપણને સુંદર મજાની સંગીતમય લવ સ્ટોરી ‘ચાંદની’ મળી.
યશ ચોપડા જેવું વિચારવાની હિંમત આજે-આજના આ સિક્વલના સંજોગોમાં કોણ કરશે?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને