કાર્તિક પૂર્ણિમાં એટલે કે દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાનનું ખૂબ મહત્વ રહેલું છે. આ વખતે 15 નવેમ્બરનાં શુક્રવારે ભરણી નક્ષત્રમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવશે. કાર્તિક પૂર્ણિમા 15 નવેમ્બરના રોજ સવારે 3.04 વાગ્યાથી શરૂ થાય છે અને 16 નવેમ્બરના રોજ સવારે 01.06 વાગ્યા સુધી છે. માટે કાર્તિક પૂર્ણિમાના દિવસે સવારે 3.04 વાગ્યાથી આખો દિવસ સ્નાન કરી શકો છો.
આ પણ વાંચો: દેવ દિવાળી: વધુ એક આનંદનો અવસર
ક્યારે કરવામાં આવશે વ્રત:
પૂર્ણિમાનું વ્રત રાખનારા શ્રદ્ધાળુઓ 16મી નવેમ્બરે પારણા કરશે. 15 નવેમ્બરની સાંજે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રીના જણાવ્યા અનુસાર શાસ્ત્રોમાં ત્રણ દિવાળીનો ઉલ્લેખ છે. આસો માસની અમાસ પર પિતૃ દિવાળી, કારતક મહિનાની અમાસ પર માનવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમાના રોજ દેવ દિવાળી ઉજવવામાં આવે છે.
ગંગા ઘાટ પર ઉમટશે માનવ મહેરામણ:
કારતક પૂર્ણિમાના અવસરે ગંગાના ઘાટ પર શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટશે. દર વર્ષે પૂર્ણિમાને દિવસે સ્નાન કરનારા શ્રદ્ધાળુઓ ચૌદશની મધ્યરાત્રિ પછી ઘાટ પર પહોંચી જતાં હોય છે. ગયા વર્ષે કારતક પૂર્ણિમાના અવસરે બેથી ત્રણ લાખ ભક્તો ગંગા નદીમાં ડૂબકી મારવા આવ્યા હતા. કારતક પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવાથી સુખ, સંપતિ અને સમૃદ્ધિ તેમજ માનસિક પ્રસન્નતા મળે છે. કારતક મહિનામાં, સમગ્ર મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો ગંગામાં સ્નાન કરે છે.
માગસર માસમાં ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા:
કારતક મહિના પછી માગસર માસનો પ્રારંભ થશે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવે છે. માર્ગશીર્ષ એ ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે. આ મહિનામાં શંખ પૂજાનું વિશેષ મહત્વ છે. કોઈપણ શંખને ભગવાન કૃષ્ણનું પંચજન્ય માનીને તેની પૂજા કરવી જોઈએ.