પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા છે. માત્ર ભારતમાંથી જ નહીં મહાકુંભમાં દેશવિદેશથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જો કે મહાકુંભના મેળામાં પણ કવિ ખબરદારની પંક્તિ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતને ગુજરાતીઓએ સાર્થક કરી બતાવી છે. કુંભમાં ગુજરાતી પેવેલિયનની બોલબોલા છે, તેમાંય વળી પેવેલિયન નજીકના કેફેટેરિયામાં ગુજરાતી ખાણીપીણીના સ્વાદનો સૌને ચસ્કો લાગ્યો છે.
Also work : પ્રજાના પૈસે રાજકોટના મેયર મહાકુંભ નગરે પહોંચ્યા, સરકારી ગાડી લઈ જવા મુદ્દે વિવાદ…
પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં ગુજરાતના સખી મંડળની બહેનો માટે રોજગારીનો અવસર છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પેવેલિયન પાસે ઊભા કરાયેલા કાફેટેરિયામાં ગુજરાતી વ્યંજનો બનાવવા અને પીરસવાની જવાબદારી ગુજરાતથી ગયેલી વિવિધ સખી મંડળની બહેનોને સોંપવામાં આવી છે. આ કેફેટેરિયામાં બનતા ગાંઠિયા અને કાઠિયાવાડી થાળીનો ચસ્કો અન્ય રાજ્યના સ્વાદ રસિયાઓને પણ લાગ્યો છે.
કયા છે ગુજરાત પેવેલિયન?
પ્રયાગરાજમાં ગંગા નદીના વિશાળ પટમાં ઊભા કરવામાં આવેલા કુંભમેળાના અલાયદા નગરમાં ગુજરાતી પ્રવાસન નિગમ દ્વારા સેક્ટર-6માં ભારદ્વાજનગર પાસે એક વિશાળ પેવેલિયન બનાવવામાં આવ્યું છે. અહીં યાત્રિકોને સાવ નજીવા દરે ઉતારો આપવામાં આવે છે. યાત્રાળુઓની સુવિધાના ધ્યાને રાખી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બીજા 265 પથારીની સુવિધાવાળા ડોમનું ઉદ્ધાટન કર્યું હતું.
સંગમ સ્થાનથી માંડ ચારેક કિલોમીટર દૂર છે
ગુજરાત પેવેલિયનથી સંગમ સ્થાન માત્ર ચારેક કિલોમીટરના અંતરે છે. નાગવાસુકી મંદિરના રસ્તેથી સરળતાથી સંગમ સ્થાને જઇ શકાય છે. આ બાબતને ધ્યાને રાખી ગુજરાત પ્રવાસન નિગમનું પેવેલિયન લોકપ્રિય બન્યું છે. એસટી દ્વારા શરૂ કરવામાં આવેલી બસ સુવિધાના યાત્રીઓને પણ અહીં ઉતારવામાં આવે છે.
Also work : ‘મહાકુંભ’માં જવાનું વિચારી રહ્યો છો, જાણી લો પ્રયાગરાજની આસપાસ લોકોની શું સ્થિતિ છે?
સેક્ટર છ ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં
ગુજરાત પેવેલિયનમાં રાજ્યના પ્રવાસન સ્થળોના નિદર્શન સાથે અહીં સખી મંડળની બહેનો દ્વારા કાફેટેરિયા ચલાવવામાં આવી રહ્યો છે. આ કેફેટેરિયામાં ચા-કોફી ઉપરાંત ઉત્તર ગુજરાતના રોટલા સાથે કાઠિયાવાડી થાળી અને સૌરાષ્ટ્રના ગાંઠિયા પણ મળે છે. એટલું જ નહીં, થેપલા પણ મળે છે. આમ જ્યાં ગુજરાતીઓ હોય ત્યાં ગુજરાતી સ્વાદનો ચસ્કો અવશ્ય મળશે. જો તમે મહાકુંભમાં જતા હો તો સેક્ટર-6માં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત અચૂક લેવા જેવી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને