હિન્દી ફિલ્મ ઉદ્યોગ પાસે પોતાની સારી વાર્તાઓ ન હોવાથી સાઉથની ફિલ્મોના રાઇટ્સ લઈને બેઠેબેઠી કૉપી ફિલ્મો છાપવાનું શરૂ કર્યું.
વિદેશની કૉલેજો કે સ્કૂલોમાં ભારતને ઓળખવા માટે જો ક્રેશ કોર્સ કરવો હોય તો થોડીક હિન્દી ફિલ્મો જોઈ લેવી જોઈએ એવી સલાહ અમુક પ્રૉફેસરો આપતા હોય છે.
હવે આપણી હિન્દી ફિલ્મોનો વર્તમાન જોઈએ. અમુક ભોળા ને થોડા મહેનતુ મિત્રો ‘સિંઘમ અગેઈન’ અને ‘ભૂલભૂલૈયા-૩’નો રિવ્યૂ કરે છે. સિંઘમને સિંબા યુનિવર્સમાં આ ખૂબી છે ને આ ત્રુટિ છે. અહીં પહેલા બે ભાગ જેવું મ્યુઝિક નથી અને સ્ટાર કાસ્ટનો શંભુમેળો કર્યો છે એટલે થોડી મનોરંજક છે અને અર્જુન કપૂરે આશ્ર્ચર્ય આપતાં સારું પર્ફોર્મ કર્યું છે, વગેરે, વગેરે, વગેરે.
બીજા વધુ ગંભીર ચાહકો (સમીક્ષકનાં ચશ્માં ચડાવીને!) લેટેસ્ટ ‘ભૂલભૂલૈયા’નું પૃથક્કરણ કરવા બેઠા. અક્ષય કુમાર જેવી મજા નથી આવતી ને મ્યુઝિક તો સાવ નિરસ છે ને વિદ્યા-માધુરીનો ડાન્સ ને… અરે ભાઈ સાહેબ, સાઉથની ફિલ્મોની ફર્સ્ટ કૉપીની પણ પંદરમી ઝેરોક્સ જેવી ફિલ્મો રિવ્યૂ-એબલ જ નથી કારણ કે આ બધી ફિલ્મો નથી, તે પૈસા કમાવવા માટેની પ્રૉડક્ટ માત્ર છે. તે લોકો હવે સિનેમા નથી બનાવી રહ્યા, તે લોકો સિઝનલ સ્ટોર નાખીને બેઠા છે.
એ દિવસ દૂર નથી કે ભારતીય ફિલ્મો, એમાં પણ હવે આવી રહેલી હિન્દી ફિલ્મોને ચાઇનીઝ રમકડાં સાથે સરખાવવાનું શરૂ થઈ જાય. ચાઈનાના માલની ઈજ્જત વૈશ્ર્વિક માર્કેટમાં ડૂલ થઈ જતાં એ લોકો પણ શરમાઈને પાછલા બારણેથી પોતાનો નવો માલ બનાવીને વેચે છે, પણ હિન્દી ફિલ્મના ઘણા નિર્માતાઓ એવી શરમ પણ અનુભવતા નથી, કારણ કે એ લોકોને ખિસ્સાં ભરવાં હોય છે. પહેલાંની પિકચરો ફિલ્મ હતી. તેમાં સિનેમાની આર્ટ પ્રત્યેનું થોડું સમર્પણ ને સગપણ રહેતું.
પછી એવો સમય આવ્યો કે ફિલ્મો નિર્માતાઓ માટે એક પ્રૉજેક્ટ જેવી રહેતી. એક પ્રૉજેક્ટ પૂરો થાય પછી બીજો પ્રૉજેક્ટ. હવે ફિલ્મ કારની એસેમ્બલી લાઈનની માત્ર પ્રૉડક્ટ બનીને રહી ગઈ છે. એક સફળ નીવડેલી ફૉર્મ્યુલાનાં બીબાં બનાવીને છાપવામાં આવતાં કાટલાં જેવી એ બની ગઈ છે.
ફિલ્મ એટલે એમને મન તહેવાર ટાણે કમાઈ આપે એવું એક માધ્યમ. આવો અભિગમ રાખીને ફિલ્મ બનાવનારાઓ અને મેળામાં આઈસ્ક્રીમનો સ્ટૉલ નાખનારાઓમાં ફરક એટલો હોય છે કે સ્ટૉલધારક દર વર્ષે પાંચ નવી ફ્લેવર લઈને આવે છે.
થોડા સમયમાં રિલીઝ થયેલી મેનસ્ટ્રીમ ફિલ્મો કઈ? ‘કરણ-અર્જુન’ ફરીથી રિલીઝ થઈ રહી છે. દસ વર્ષ કરતાં વધુ જૂની ‘લૈલા મજનુ’ હવે જુએ છે લોકો. ‘તુંબાડ’ રિલીઝ થઈ હતી ત્યારે કોઈ જોવા ન ગયા અને હવે ઇન્સ્ટાગ્રામનાં છોકરડાઓ ‘તુંબાડ’ જોઈને પ્રભાવિત થઈ જાય છે અને એ ‘ઓસ્કાર-લાયક’ ફિલ્મ છે એવી કમેન્ટ કરે છે.
‘રોકસ્ટાર’ તો ત્યારે પણ વખણાયેલી અને હજુ લોકો થિયેટરમાં જોવા જાય છે. ટૂંકમાં જૂની જૂની હિટ થયેલી એવરગ્રીન ફિલ્મો રી-રિલીઝ થાય છે. કેમ? કારણ કે વર્તમાન સમયમાં ફિલ્મ નિર્માતાઓ પાસે દર્શકોને દેખાડવા જેવી કોઈ દમદાર ફિલ્મો જ નથી.
પહેલાં ફિલ્મોની સિરીઝ બનતી નહીં. હૉલિવૂડ પાસેથી એ શીખીને ફિલ્મના એક-બે-ત્રણ ભાગ બનાવવાનું શરૂ કર્યું. હિન્દી ફિલ્મ ઉદ્યોગ પાસે પોતાની સારી વાર્તાઓ ન હોવાથી સાઉથની ફિલ્મોના રાઇટ્સ લઈને બેઠેબેઠી કૉપી ફિલ્મો છાપવાનું શરૂ કર્યું.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ એકસાથે તમિલ/હિન્દી/તેલુગુ વર્ઝન રિલીઝ કરવા માંડ્યા અને મુંબઈ-ચેન્નાઇ-કોચી ખાતેના પ્રૉડક્શન હાઉસ એકબીજાં સાથે હાથ મિલાવીને સંગાથે બિઝનેસ કરવા લાગ્યા. હવે સાઉથની ફિલ્મની રિ-મેકના પણ ત્રણ-ત્રણ ચાર-ચાર ભાગ બને છે ને તહેવાર ઉપર રિલીઝ કરે છે! વાર્તાથી લઈને ડાયલોગ સુધી, મ્યુઝિકથી લઈને સિનેમેટિક તત્ત્વ સુધી એક પણ જગ્યાએ કંઈ ભલીવાર હોતો નથી, પણ ફિલ્મમાં રોક્યા હતા એનાથી વધુ પૈસા પરત મળી જાય એટલે ભયો ભયો.
પહેલાં જેટલી સંખ્યામાં ફિલ્મો બનતી એટલી સંખ્યામાં તો હવે ફિલ્મો બનતી નથી. એક સમયે ગોવિંદા પચાસ-સાઠ ફિલ્મો એકસાથે સાઈન કરીને બેસતો. હવે નવા સ્ટારની આખી કરિઅરમાં માંડ પંદર-વીસ ફિલ્મો ટોટલ હોય છે એટલે જે પણ ફિલ્મ આવે તેમાંથી ઢગલો પૈસા કમાઈ લેવાની કુ-વૃત્તિ પ્રવેશે છે, જે ભારતીય ફિલ્મ જગતને બદનામ કરે છે.
‘લાપતા લેડીઝ’ કે ‘ટ્વેલ્થ ફેલ’ જેવાં ઉદાહરણ માત્ર અપવાદ હોય છે. સારું ક્ધટેન્ટ ઑનલાઇન પ્લૅટફૉર્મ ઉપર આવી જાય છે. પૈસા દઈને થિયેટરમાં જોવું પડે એવું ક્ધટેન્ટ-વાર્તાવસ્તુ દર્શકોને ટેકન ફૉર ગ્રાન્ટેડ લે છે. કે. આસિફ ‘મુગલે આઝમ’ની અભૂતપૂર્વ સફળતા પછી એનો બીજો ભાગ બનાવે તો એ ભારતીય પ્રેક્ષકગણનું અપમાન કહેવાય અને આમ જે જે સર્જકો પોતાની ભૂતપૂર્વ સફળતાની રોકડી કરવા ગયા છે એ પીટાઈ ગયા છે.
ઉદાહરણ તરીકે, ‘શોલે’ બનાવનાર સિપ્પી સાહેબની પાછળથી આવેલી ફિલ્મ ‘શાન’નો ધબડકો થયો. સલીમ-જાવેદની ડૉક્યુમેન્ટરી સિરીઝ ઘણી જોવામાં આવી. એ પેરેલલ કે આર્ટ ફિલ્મો ન લખતા. કૉમર્શિયલ લોકભોગ્ય ફિલ્મો જ લખતા, પણ એમાં પ્રયોગ કરવાની હિંમત હતી, એમને મળતા પ્રૉડ્યુસરોમાં પણ રહેતી.
‘ઝંઝીર’માં અમિતાભ બચ્ચન પાસે ડાન્સ કે કૉમેડી નથી કરાવતા એ લોકો. દર્શકોને નવું જોવાની, નવું-સારું સ્વીકારવાની ટેવ પાડવી પડે. તેના માટે પેશન-ઝનૂન જોઈએ, પણ સિનેમા માટે હવે પેશન નથી, માત્ર ધનલાલસા છે. પહેલાંના સર્જકો પણ પૈસા કમાતા, પણ પોતાનામાં વિશ્ર્વાસ રહેતો કે મારી એક નહી તો બીજી ને બીજી નહી તો ત્રીજી ફિલ્મ સફળ થશે, પણ હું બનાવીશ મારી શરતો પર.
બીજી બીજુ હવેની મોટા ભાગની ફિલ્મો બહુ બાષ્પશીલ આવે છે. તરત ભુલાઈ જાય એવી. ઠંડા ભજિયાનું કોઈ લેવાલ નથી હોતું. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં છાપેલાં કાટલાં ડરી ગયાં છે – આત્મવિશ્ર્વાસ ગુમાવીને બેઠા છે. ઓટીટી પ્લૅટફૉર્મ અને ઇન્સ્ટાગ્રામની રીલે જે સ્તર ઉપર પ્રજાને મનોરંજન આપવાનું શરૂ કર્યું છે તેનાથી એ બધા હબકી ગયા છે. કાયરની જેમ એકના એક શેરડીના સાંઠાને ફરી ફરીથી નીચોવ્યા રાખે છે. લેખકોને પૂરતું માન મળતું નથી. ઇન્ડસ્ટ્રીનાં પોતાનાં બીજાં દૂષણો વધી રહ્યાં છે. સિનેમા નામની આર્ટ માટે ગંભીર હોય તેવા પ્રૉફેશનલની સંખ્યા ઘટતી જાય છે. ભારતીય અને એમાં પણ હિન્દી ફિલ્મોનો હ્રાસ થઈ રહ્યો છે. મેનસ્ટ્રીમ ફિલ્મોના નામે નાહી નાખવાનું બાકી રહ્યું છે.