નવી દિલ્હીઃ રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકેની નોકરી કરી ચૂકેલો ખેલાડી ક્રિકેટમાં ફેમસ થયો હોય એવો એમએસ ધોની પછીનો વધુ એક ખેલાડી હાલમાં ન્યૂઝમાં છે. એ પ્લેયર છે, રેલવેની રણજી ટીમનો રાઇટ-આર્મ ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાન જેણે શુક્રવારે વિરાટ કોહલીની વિકેટ લીધી હતી.
સાંગવાન ભૂતકાળમાં અજિંક્ય રહાણે, મયંક અગરવાલ, પૃથ્વી શો, ઇશાન કિશન, રિન્કુ સિંહ, કૃણાલ પંડ્યા, રજત પાટીદાર અને દેવદત્ત પડિક્કલને પણ આઉટ કરી ચૂક્યો હતો.
સાંગવાન 29 વર્ષનો છે અને 24 ફર્સ્ટ-ક્લાસ મૅચ રમી ચૂક્યો છે જેમાં તેણે કુલ 81 વિકેટ લીધી છે. તેની દૃષ્ટિએ એમાંની સૌથી મૂલ્યવાન વિકેટ વિરાટ કોહલીની છે જે તેણે શુક્રવારે દિલ્હીની રણજી મૅચમાં લીધી હતી. તેના ઑફ સ્ટમ્પ પરના બૉલમાં કોહલી શૉટ મારવામાં નિષ્ફળ ગયો હતો અને બૉલ તેના બૅટ અને પૅડની વચ્ચેથી થઈને સ્ટમ્પ્સ પર ગયો હતો જેમાં તેનું ઑફ સ્ટમ્પ ઉખડીને દૂર ફંગોળાઈ ગયું હતું. સાંગવાને એ રીતે કોહલીનું 12 વર્ષ પછીનું રણજી ટ્રોફીમાંનું કમબૅક બગાડી નાખ્યું હતું.
જોકે દિલ્હીએ આજે રેલવે સામે એક દાવ અને 19 રનથી વિજય મેળવ્યો હતો. સાંગવાનને કોહલીની વિકેટ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું, `સ્વાભાવિક રીતે મારી કરીઅરની આ બેસ્ટ વિકેટ હતી.
આપણ વાંચો: કોહલી સારું ન રમ્યો છતાં જુઓ, કેવી રીતે ચાહકોના દિલ જીતી લીધા…
અમે કોહલી માટે કોઈ ખાસ પ્લાન નહોતો બનાવ્યો. દિલ્હીના બધા બૅટર આક્રમક સ્ટાઇલમાં બૅટિંગ કરતા હોવાથી અમે લાઇન અને લેન્ગ્થ જાળવી રાખવાનું નક્કી કર્યું હતું. બોલર જો આક્રમક બૅટરને રન ન બનાવવા દે તો તે ધીરજ ગુમાવીને ક્યારેક તો બિગ શૉટ મારવાનો પ્રવાસ કરતો જ હોય છે એટલે તેના આઉટ થવાની સંભાવના વધી જાય છે. એવું જ કોહલીની બાબતમાં બન્યું હતું.’
કોહલીને તેના પંદરમા બૉલ પર પૅવિલિયનમાં પાછો મોકલી દેનાર સાંગવાનનો જન્મ હરિયાણામાં થયો હતો. જોકે પિતાની નોકરીને લીધે તેણે બાળપણ રાજસ્થાનના ઝુનઝુનુમાં વીતાવવું પડ્યું હતું.
2008માં જ્યારે વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીતી લીધો હતો ત્યારે 13 વર્ષનો હિમાંશુ સાંગવાન એ ચૅમ્પિયન ટીમના ફાસ્ટ બોલર પ્રદીપ સાંગવાનના પર્ફોર્મન્સથી ખૂબ પ્રભાવિત થયો હતો અને ત્યારે હિમાંશુએ નક્કી કર્યું હતું કે તે પોતે પણ અવ્વલ દરજ્જાનો ફાસ્ટ બોલર બનશે.
ક્રિકેટમાં કારકિર્દી બનાવવા હિમાંશુ સાંગવાન દિલ્હી નજીક (વીરેન્દર સેહવાગના નગર) નજફગઢમાં તેના અંકલના ઘરે રહેવા આવી ગયો હતો. યોગાનુયોગ, પ્રદીપ સાંગવાન પણ નજફગઢનો જ છે.
આપણ વાંચો: વિરાટ કોહલી રણજીના મેદાનમાં ઉતર્યો; આ App પર Freeમાં જોઈ શકાશે Railways vs Delhiની મેચ
હિમાંશુ સાંગવાને સ્કૂલ અને ક્લબ ક્રિકેટમાં સારું રમ્યા પછી દિલ્હીની અન્ડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને રિષભ પંત સાથે વિનુ માંકડ ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે પછીથી દિલ્હીની વધુ મૅચોમાં ન રમવા મળતાં હિમાંશુ સાંગવાને હોમ-સ્ટેટ હરિયાણા વતી રમવાનું નક્કી કર્યું હતું.
એ અરસામાં તેને ભારતીય રેલવેમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ ટિકિટ કલેકટર તરીકેની નોકરી મળી હતી અને પછીથી તેણે રણજીમાં રેલવેની ટીમ વતી રમવાનું નક્કી કર્યું હતું.
ચેન્નઈમાં ગ્લેન મૅકગ્રાના હાથ નીચે તે એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં ફાસ્ટ બોલિંગની તાલીમ મેળવી ચૂકેલો હિમાંશુ સાંગવાન રેલવેના મુખ્ય ફાસ્ટ બોલર્સમાં ગણાય છે અને તે ભૂતકાળમાં અજિંક્ય રહાણે, મયંક અગરવાલ, પૃથ્વી શો તેમ જ ઇશાન કિશનની વિકેટ પણ લઈ ચૂક્યો છે. રણજી ટ્રોફીમાં રિન્કુ સિંહ, રજત પાટીદાર, કૃણાલ પંડ્યા અને દેવદત્ત પડિક્કલ પણ તેનો શિકાર થઈ ચૂક્યા છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને