વેલિંગ્ટનઃ ઇંગ્લૅન્ડનો કૅપ્ટન બેન સ્ટોક્સ આઇસીસી દ્વારા લાગુ કરવામાં આવતા સ્લો ઓવર-રેટને લગતા નિયમથી નારાજ છે અને એટલે જ તેણે આઇસીસી દ્વારા બે દિવસ પહેલાં ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડની ટીમ સામે લેવામાં આવેલા કડક પગલાં બદલ ગુસ્સામાં છે. તેણે બુધવારે જે પ્રતિક્રિયા આપી એના પરથી આઇસીસી જરૂર વિચારતી થઈ હશે.
આ પણ વાંચો : બીસીસીઆઇના નવા સેક્રેટરી કોણ? ગુજરાતના અનિલ પટેલ, રોહન જેટલી સહિત ત્રણ નામ બોલાય છે
ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસે ઇંગ્લૅન્ડે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો. જોકે મૅચ દરમ્યાન નિર્ધારિત સમયમાં ઓછી ઓવર્સ કરવા બદલ આઇસીસીના મૅચ-રેફરી ડેવિડ બૂને બન્ને ટીમને 15-15 ટકા મૅચ ફીનો દંડ કરવા ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ટેબલમાં એમના ત્રણ-ત્રણ પૉઇન્ટ કાપી લીધા હતા. આ પૉઇન્ટ કાપવાથી ઇંગ્લૅન્ડને ફરક નથી પડ્યો, કારણકે ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની રેસ (જેમાં ભારત અગ્રેસર છે)માંથી ઇંગ્લૅન્ડની ટીમ બહાર થઈ ચૂકી છે, પરંતુ ફાઇનલ માટેની રેસમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમને જરૂર ફટકો પડ્યો છે.
બેન સ્ટોક્સે એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટને કહ્યું, `મને નિરાશા તો એ વાતની છે કે અમારી ટેસ્ટ વહેલી (ચોથા દિવસે) પૂરી થઈ ગઈ અને મૅચનું પરિણામ પણ આવ્યું એમ છતાં અમને સ્લો ઓવર-રેટને લગતી સજા કરવામાં આવી. કઈ રીતે ગણતરી થાય છે એ જ નથી સમજાતું. હું ગયા વર્ષથી આ નિયમમાં ફેરફાર કરવાની માગણી કરી રહ્યો છું. એશિયામાં ક્યારેય ટેસ્ટમાં ઓવર-રેટનો મુદ્દો ઊભો થતો જ નથી, કારણકે ત્યાં મોટા ભાગે સ્પિન બોલિંગ જ થતી હોય છે.
આ પણ વાંચો : શિખર ધવને આ લીગમાં શાનદાર ફિફ્ટી ફટકારી, દર્શકો જોતા રહી ગયા
ન્યૂ ઝીલૅન્ડે પ્રથમ દાવમાં કેન વિલિયમસનના 93 રનની મદદથી 348 રન બનાવ્યા હતા. ઇંગ્લૅન્ડે 499 રન બનાવીને સરસાઈ લીધી હતી. કિવીઓ બીજા દાવમાં 254 રન બનાવી શક્યા અને બ્રિટિશરોને માત્ર 104 રનનો લક્ષ્યાંક મળ્યો જે એમણે માત્ર બે વિકેટે મેળવી લીધો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને