અમદાવાદઃ ખ્યાતિ કાંડમાં (khyati multispeciality hospital) વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. કાર્તિક પટેલે 2024માં હૉસ્પિટલના નામે લૉન લઇ બીજે વાપરી હતી. તેમજ બોગસ દર્દી ઊભાં કરી ખોટા બિલ બનાવ્યા હતા. કાર્તિક પટેલની થોડા દિવસ પહેલા ધરપકડ બાદ હાલ તપાસમાં વેગ આવ્યો છે. કાર્તિક પટેલને (kartik patel) સાથે રાખીને ક્રાઈમ બ્રાન્ચે (crime branch) બોપલ-આંબલી રોડ પરથી ઑફિસમાં તપાસ કરીને 7 ફાઇલ, ચેક તેમજ પાસબુક કબજે કરી હતી. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે બેંક એન્ટ્રીઓ, નાણાકીય વ્યવહારની તપાસ કરાવી હતી. જેમાં આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે 30 લાખના ખોટા બિલ બનાવ્યાનું સામે આવ્યું હતું.
આ બંનેએ સાથે મળીને ખોટા દર્દીઓ ઉભા કર્યા હતા. તેમજ દવાના ખોટા બિલો બનાવી સરકારમાં રજૂ કર્યા હતા અને રૂપિયા પડાવ્યા હતા. કાર્તિક પટેલે 2023માં હૉસ્પિટલના નામે રૂ. 22 કરોડની લૉન લીધી હતી. રૂપિયા તેણે અન્ય જગ્યાએ વાપર્યા હતા. કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન પીએમજેએવાયમાંથી રૂપિયા કમાવવા સુઆયોજીત કાવતરું ઘડતા હતા. કાર્તિકે આરોગ્ય વિભાગના જનરલ મેનેજર ડો. શૈલેષ આનંદ સાથે મીટિંગ કરીને ચિરાગ રાજપૂતની ઓળખાણ કરાવી હતી.
Also read: ખ્યાતિ કાંડઃ પેનલ ડૉકટરની તપાસમાં મોટો ખુલાસો, લોકોને ધમકાવીને કરાવતાં હતા ઑપરેશન…
આ ઉપરાંત તપાસ દરમિયાન કાર્તિક પટેલની 5 કંપનીમાં સેક્રેટરી તરીકે કામ કરતાં વિપિન ચૌધરીની પણ સંડોવણી સામે આવી છે. કાર્તિક પટેલની તમામ કંપનીમાં ક્યાં કેટલા રૂપિયાનો ખર્ચ કરવો, કેવી રીતે કરવો તેની કામગીરી સેક્રેટરી વિપિન ચૌધરી કરતો હતો. તેમજ બિલોમાં સેટલમેન્ટ કરવાથી કઈ કંપનીને ફાયદો થાય તે અંગેનું કામ પણ કરતો હતો. આ સિવાય મેડિકલ કેમ્પ અને તમામ વ્યવહારો પણ કરતો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે તેનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલે પ્રથમ ડૉક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. થોડા દિવસ પહેલા ડાયરેક્ટર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. આ કેસના તમામ આરોપીઓ ઝડપાઈ ગયા હોવાથી હવે કેસમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને