કવર સ્ટોરી -વિજય વ્યાસ
અમદાવાદમાં આવેલી ‘ખ્યાતિ’ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલના કાંડે ખળભળાટ મચાવી દીધો છે. ખ્યાતિ હોસ્પિટલે કડી તાલુકાના બોરીસણા ગામે યોજાયેલા કેમ્પમાં આવેલા લોકોમાંથી જરૂર નહોતી એવા લોકોને પણ હાર્ટ પેશન્ટ ગણાવીને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને તેમાંથી સાત લોકોની હાલત બગડી ગઈ.
આ પૈકી બોરીસણા ગામના ૫૬ વર્ષના મહેશ બારોટ અને ૭૫ વર્ષના નાગજી સેનમાનાં ખ્યાતિ હોસ્પિટલમાં મોત થઈ ગયાં. ખ્યાતિ હોસ્પિટલે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટે મળતાં નાણાંની લાલચમાં જરૂર નહોતી એવા લોકોની પણ એન્જિયોપ્લાસ્ટી કરી નાખેલી. ખ્યાતિ હોસ્પિટલના લોભિયા સંચાલકોની આ લાલચમાં બેના જીવ જતા રહ્યા.
હોસ્પિટલે પહેલાં તો આખી વાત દબાવી દેવા મથામણ કરેલી પણ મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો તેમાં આ પાપલીલા બહાર આવી ગઈ. ખ્યાતિ હોસ્પિટલનું પાપ છાપરે ચડીને પોકાર્યું પછી સફાળી જાગેલી ગુજરાત સરકારે દર્દીઓની સર્જરી કરનાર આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાનીની ધરપકડ કરી છે. ગુજરાત સરકારે ખ્યાતિ હોસ્પિટલને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં’થી બ્લેકલિસ્ટ કરી છે.
Also read: ક્લોઝ અપ : મિજાજી લાગતા પોલીસ પણ ધરાવે છે આગવી વિનોદવૃત્તિ!
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે તપાસ માટે રચેલી કમિટીના સભ્યોએ રજૂ કરેલા રિપોર્ટમાં હોસ્પિટલ અને ડોક્ટરની ગંભીર બેદરકારી બહાર આવતાં આ હોસ્પિટલમાં માલિક કાર્તિક પટેલ, સંચાલકો તેમજ સર્જરી કરનાર ડોક્ટર સહિત પાંચ લોકો સામે વિવિધ ફરિયાદ નોંધવામાં આવી છે. બે મૃતકના પરિવારોએ પણ મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ દાખલ કરાવી છે અને બંને ફરિયાદને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. ‘સોલા સિવિલ હોસ્પિટલ’ના સિવિલ સર્જન ડો પ્રકાશ મહેતાએ સરકાર તરફથી એક ફરિયાદ નોંધાવી છે.
આમ તો આ કેસમાં પોલીસ પણ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં કશું નક્કર બહાર આવે છે કે પછી ભૂતકાળમાં બનેલી ઘટનાઓની જેમ બધું રફેદફે કરીને ભીનું સંકેલી લેવાય છે એ સમય કહેશે, પણ આ ઘટનાને લીધે ભારતમાં સેવાનું ક્ષેત્ર મનાતા મેડિકલ સેક્ટરને પણ લૂણો લાગી ગયો છે અને દેવદૂત ગણાતા ડોક્ટરો નાણાંની લાલચમાં યમદૂત બનતાં ખચકાતા નથી એ સાબિત કર્યું છે.
નિષ્ણાતોની ટીમે મૃતક મહેશભાઈ બારોટ અને નાગરભાઈ સેનમાના રિપોર્ટ તપાસ્યા તેમાં બહાર આવ્યું છે કે, બંનેને ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર જ નહોતી.. બંનેના કેસમાં બંને ધમનીમાં ૮૦-૯૦ ટકા બ્લોકેજ બતાવાયાં હતાં, પણ બ્લોકેજ જ નહોતાં. મતલબ કે સાવ ખોટા મેડિકલ રિપોર્ટ બનાવીને બંનેના પરિવારને ડરાવીને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવામાં આવી હતી. સરકારી યોજનામાં મળતાં નાણાં લેવા માટે ડોક્ટરો આ હદે નીચા ઊતરી શકે એ વાત જ થથરાવી મૂકનારી અને ડોક્ટરો પર ભરોસો ઉઠાડી મૂકનારી છે.
કમનસીબે આ દેશમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ગુજરાતમાં જ આ વરસે માંડલ, રાધનપુર અને અમદાવાદ એમ ત્રણ ઠેકાણે અંધાપાકાંડ બનેલા. એ ત્રણેય કેસમાં ઘણાં લોકોએ પોતાની આંખો ગુમાવી હતી. મોતિયાનાં ઓપરેશન કરવા માટે યોજાયેલા આ કેમ્પોમાં પણ જરૂર નહીં હોવા છતાં ઘણાંનાં ઓપરેશન કરી નાખવામાં આવ્યા હતાં કે જેથી સરકાર પાસેથી નાણાં લઈ શકાય. આ લાલચમાં લોકોએ પોતાની આંખો ગુમાવી હતી.
અમદાવાદની આ તાજી ઘટનાએ દેશના સરકારી તંત્રની નિંભરતા અને સંવેદનહીનતા પણ છતી કરી છે. ખ્યાતિ હોસ્પિટલે ભૂતકાળમાં આ રીતે કલોલ પાસેના શેરથામાં પણ મેડિકલ કેમ્પ કરીને જરૂર નહોતી એવા લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલે એક વર્ષમાં આ રીતે ઓપરેશનો તથા સારવારના નામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ૩.૬૬ કરોડ રૂપિયા લીધા છે. ખ્યાતિની કુખ્યાતિ જોતાં મોટા ભાગની રકમ તેણે આ રીતે જ ભ્રષ્ટાચાર કરીને પ઼ડાવી હશે એ ઉમેરવાની જરૂર નથી.
Also read: વિશ્વમાં વધી રહી છે ફુલોની ખેતી ભારત કંઈ રીતે ઉઠાવશે ફાયદો?
આમ જુઓ તો ખ્યાતિ બહુ નાની હોસ્પિટલ છે, પણ આ દેશમાં આવી તો સેંકડો હોસ્પિટલ્સ છે. અને એમાંથી ઘણી હોસ્પિટલ આ રીતે ખોટાં ઓપરેશનો તથા સારવારના માટે ‘પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના’ ના નામે ખોટી રીતે રકમો પડાવતા જ હશે એ જોતાં કેન્દ્ર સરકારની આ યોજનાની મોટા ભાગની રકમ તો ચવાઈ જ જતી હશે એવું માનવામાં જરાય અતિશયોક્તિ નથી.
કેન્દ્રની મોદી સરકાર દાવા કરે છે કે, કૉંગ્રેસના શાસનમાં સરકાર તરફથી અપાતા એક રૂપિયામંથી ૮૫ પૈસા ચવાઈ જાય છે એવું ખુદ રાજીવ ગાંધીએ કબૂલેલું પણ અમારા શાસનમાં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર થતો નથી ને પ્રજા માટેની પાઈએ પાઈ પ્રજા પાછળ વપરાય છે. ખ્યાતિ કાંડ જોયા પછી આ દાવો પોકળ અને એકદમ હાસ્યાસ્પદ લાગે છે. બલ્કે કૉંગ્રેસ શાસનમાં તો કમ સે કમ ૧૫ પૈસા લોકો સુધી પહોંચતા હતા, જ્યારે ભાજપના શાસનમાં તો કશું લોકો સુધી પહોંચતું હશે કે કેમ એવી શંકા જાગે છે.
અહીં બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, ખ્યાતિ જેવી હોસ્પિટલ્સ આ પ્રકારનાં કૌભાંડો ચલાવે ને કોઈને ખબર ના પડે એ વાતમાં માલ નથી, પણ સરકારમાં બેઠેલા લોકો, અધિકારીઓ વગેરેની મિલિભગતથી જ આ ધંધો ચાલતો હોય છે. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ સાથે જોડાયેલા ડોક્ટરો પણ તેમાં સામેલ હોય જ એ જોતાં આખું તંત્ર જ ભ્રષ્ટ કહેવાય. આખું તંત્ર ભેગું મળીને સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટેની રકમ ચાઉં કરી જાય એ શરમજનક કહેવાય, તેમ છતાં કમનસીબે આ બધાંને ઊની આંચ પણ નથી આવતી ને અમુક કિસ્સામાં તો ખુદ ડોક્ટરોને બલિના બકરા બનાવી દેવામાં આવે છે.
રાજ્ય સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા ડોકટરો રાજ્યની અન્ય કોઈ હોસ્પિટલમાં કામ કરી શકશે નહીં. આ ઘટના સાથે જોડાયેલા ડોક્ટરો વિરુદ્ધ પગલાં લેવા ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ સૂચના આપવામાં આવી છે, પણ હોસ્પિટલના માલિકોને કશું થયું નથી. સરકારે એવું કહ્યું છે કે, હોસ્પિટલના માલિક, ટ્રસ્ટી કે અન્ય હોસ્પિટલ સાથે સંલગ્ન હશે તો એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ કાર્યવાહી કરાય એવી શક્યતા પણ ઓછી છે કેમ કે માલિકો તો તંત્રને પોષે છે.
Also read: કોઈ માટે સુખનો પાસવર્ડ બનવાની કોશિશ કરીએ નવા વર્ષના સંક્લ્પો
આ સમસ્યા ગંભીર કહેવાય ને તેનો એક માત્ર ઉપાય આરોગ્ય સેવાને સંપૂર્ણપણે સરકાર હસ્તક લેવાનો છે. સરકારી હોસ્પિટલો મારફતે જ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે એવી વ્યવસ્થા કરવી પડે ને એ માટે સરકારી આરોગ્ય સેવાને ઉચ્ચ કક્ષાની બનાવવી પડે. કમનસીબે આપણે ત્યાં સરકાર દરેક મામલે પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહી છે તેમાં આરોગ્ય ક્ષેત્ર પણ છે. સરકાર નવી હોસ્પિટલ્સ ખોલવાના બદલે સરકારી હોસ્પિટલ્સને પણ ખાનગી કંપનીઓને આપી રહી છે એ જોતાં ભવિષ્યમાં પણ હજુ આવા કાંડ થતા રહેશે…પ્રજા હાયવોય કરશે- પ્રેસ-મીડિયા ઊહાપોહ મચાવશે ને સરકાર ‘તપાસ…તપાસ’નું નાટક રમશે!