A miss  was terrorized by stray dogs successful  Delhi Image Source: India Today

ભુજઃ ગાયને માતા કહીએ છીએ, શ્વાનને રોટલી ખવડ઼ાવી પૂણ્યની વાતો કરીએ છીએ, પરંતુ રસ્તા પર ગમે ત્યાં પ્લાસ્ટિકની કોથળીમાં કંઈપણ ફેંકવા સમયે એક સેકન્ડનો પણ વિચાર કરતા નથી. આવા એક અવિચારી માણસે રસ્તા પર ફેંકી દીધેલા ટોટાને લીધે એક મૂંગા શ્વાને જીવ ખોવાનો વારો આવ્યો હતો.

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના આશાપુરા રીંગરોડ વિસ્તારમાં પાંચ ગલુડિયાંની માતાના મોઢામાં વિસ્ફોટક ટોટાનો બ્લાસ્ટ થતાં માદા શ્વાનનું ગંભીર ઈજાથી મોત થનાના અહેવાલો છે. શ્વાન ની પીડા જોઈ કોઈપણનું હૃદય કંપી ઉઠે તેવા દૃશ્યો ઊભા થયા હતા. વાતની જાણ વિસ્તારમાં થતાં લોકોમાં પણ અરેરાટી ફાટી હતી અને આ રીતે વિસ્ફોટ રહેણાંક વિસ્તારમાં મૂકી જનારા સામે સખત પગલાની માગણી કરવામાં આવી રહી છે.

ઘટનાને નજરે જોનારા યુસુફભાઇના જણાવ્યા મુજબ, ગત મંગળવારના ઢળતી બપોરે કચરાપેટી પાસે ગલૂડિયાં રમતાં હતાં. તેમાંથી એક ટોટાને ખોરાક સમજીને મોઢામાં લઈને માદાનું ગલુડિયું દોડાદોડ કરવા માંડતા તેની માતાએ ગલુડિયાના મોઢામાંથી ટોટો છીનવીને પોતાના મોઢામાં લીધો હતો અને ત્યાં જ ભયંકર વિસ્ફોટ થતાં તેનું આખેઆખું જડબું ઉખડી ગયું હતું. ભયંકર ઈજાના લીધે માદા શ્વાન ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટનાસ્થળ પર દોડી આવેલા જીવદયાપ્રેમીઓ બનાવ અંગે માધાપરની જાણીતી મૂંગા જીવોની સેવા કરતી ‘પપ્પી કડલ્સ’ નામની સંસ્થાને જાણ કરતાં કાર્યકરો સ્થળ પર તાત્કાલિક આવીને માદા શ્વાનને સારવાર માટે લઈ ગયાં હતા જ્યાં મોડી સાંજે માદાએ તરફડી-તરફડીને દમ તોડી દીધો હતો.

Also read: છગન ભુજબળની નારાજગી પર આવી અજિત પવારની ટિપ્પણી, જાણો શું કહ્યું

સામાન્ય રીતે આવા વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ પહાડી વિસ્તારોમાં ખડકો તોડવા અથવા ખેતરોમાં જંગલી પ્રાણીઓને ભગાડવા માટે થાય છે. આ પદાર્થ કોઈ વાહનમાંથી પડ્યો હોય અથવા કચરો વીણનારા લોકોએ ફેંકી દીધો હોય તેવી શક્યતા હોવાનું પપ્પી કડલ્સની સંચાલિકા દેવાંગી મહેતાએ વ્યક્ત કરી હતી.

દરમ્યાન, માનવ અને પશુઓની વસ્તીથી ભરચક શહેર વચાળે આવેલા ધમધમતાં વિસ્તારમાં આ વિસ્ફોટક ટોટાં કોણ મૂકી ગયું? કેટલાંક લોકોએ ભૂંડના ત્રાસથી બચવા કોઈકે વિસ્ફોટક ટોટાં રાખ્યા હોવાનું અનુમાન કર્યું છે. જો કે, આ વિસ્તારમાં એ હદે ભૂંડનો કોઈ ત્રાસ નથી. હજુ પણ આવા કેટલાંક વિસ્ફોટક ટોટાં રેઢાં પડ્યાં હોવાની ચર્ચા છે ત્યારે આ ટોટાં અબોલ જીવો સાથે માનવો માટે પણ જોખમી અને જીવલેણ બની શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો અગાઉ માતાના મઢમાં આવા જ ટોટાં વડે બે ગાયોના મોઢામાં ગંભીર ઈજાઓ પહોંચાડાઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને