!["Baraat returns without the bride successful Gandhinagar."](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/baraat-returns-without-dulhan-gandhinagar_.webp)
ગાંધીનગરઃ રાજ્યમાં હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે. આ દરમિયાન ગાંધીનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જાન લઈને પરણવા આવેલા વરરાજા લીલા તોરણે પાછા ફર્યા હતા. શહેરમાં રહેતી એક 23 વર્ષીય યુવતીને ચાર વર્ષ પહેલાં પરિણીત પુરુષ સાથે પ્રેમ થયો હતો. પ્રેમમાં બંને તમામ મર્યાદા ઓળંગી ગયા હતા. થોડા સમયમાં જ પ્રેમનો ભાંડો ફૂટી જતાં યુવતીના પરિવારજનોએ તેના બે વર્ષ પહેલા લગ્ન કરાવી દીધા હતા. આ દરમિયાન યુવતીનો પરિણીત પ્રેમી પણ તેના સંસારમાં મગ્ન થઈ ગયો હતો. યુવતીના જેની સાથે લગ્ન થયા હતા તે પુરુષ લફરાબાજ નીકળ્યો હતો. જેને લઈ તે પિયર આવી હતી. આ દરમિયાન તેનો જૂનો પ્રેમી ફરી મળતાં બંને વચ્ચે મુલાકાતનો સિલસિલો શરૂ થયો હતો.
એકબીજા વગર રહી ન શકતાં બંનેએ મૈત્રી કરાર કર્યા હતા અન અલગ મકાન રાખી રહેવા લાગ્યા હતા. જોકે બંનેના પરિવારજનોને વાત મંજૂર નહોતી. પરંતુ પ્રેમમાં આંધળા બની ચૂકેલા બંને જણા કંઈ સમજવા તૈયાર નહોતા. થોડા દિવસ પહેલા યુવતીના પરિવારજનોએ તેની સગાઈ કરી દીધી હતી અને ઘડીયા લગ્ન પણ લેવાયા હતા. આ સમયે યુવતીએ કંઈ પણ કહ્યા વગર મંજૂરી આપી દેતાં લગ્નની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી.
લગ્નના દિવસે વરરાજા વાજતે ગાજતે આવી પહોંચ્યા હતા. વરરાજાનું સામૈયું થઈ ગયું હતું અને તે સમયે 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમ આવી હતી. જેને જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. ટીમે દુલ્હન તેમની મિત્ર હોવાથી મળવા આવ્યા હોવાનું કહી રૂમમાં દાખલ કર્યા હતા. જ્યાં દુલ્હન કોઈપણ સંજોગોમાં લગ્ન નહીં કરવાની વાત કરી આપઘાતનું રટણ કરી હતી. તેમજ પ્રેમી સાથે રહેવાની વાત કરતી હતી. તેને ઘણી સમજાવવા છતાં ટસની મસ નહોતી થઈ.
Also read: ભાઇના લગ્નમાં છવાઇ ગઇ પ્રિયંકા ચોપરા અને બહેનો
181ની ટીમે દુલ્હાના પરિવારને સમગ્ર વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દુલ્હાના પરિવારજનોએ દુલ્હનને વિનંતી કે સમાજમાં અમારી આબરૂ જળવાઈ રહે તે માટે એક વાર લગ્ન કરી લે અને કલાકમાં પાછી આવી જાજે. પરંતુ માની નહોતી, જેના કારણે જાન લીલા તોરણે પાછી ફરી હતી. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને