સિંગાપોરઃ અહીં ભારતનો 18 વર્ષનો ચેસ-સ્ટાર ડી. ગુકેશ ચીનના 32 વર્ષની ઉંમરના વર્લ્ડ ચૅમ્પિયન ડિન્ગ લિરેનને વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં જોરદાર ટક્કર આપી રહ્યો છે. ગુકેશે બુધવારે લિરેનને ફરી એકવાર જીતવા નહોતો દીધો. બન્ને વચ્ચે સતત પાંચમી ગેમ ડ્રૉમાં પરિણમી હતી. 51મી ચાલ બાદ બન્ને પ્લેયર ગેમને ડ્રૉમાં લઈ જવા સંમત થયા હતા.
લિરેન હાલમાં વર્લ્ડ ચૅમ્પિયન છે અને ગુકેશ તેને એ સ્થાન માટે પડકારી રહ્યો છે. ખરેખર તો લિરેને બુધવારે ગુકેશ સામે વધુ કોઈ જોખમ ઉઠાવવાનું ટાળ્યું હતું અને ગેમને ડ્રૉમાં લઈ જવા સહમત થઈ ગયો હતો. તેમની આ ગેમ ચાર કલાક સુધી ચાલી હતી જેમાં ગુકેશે લિરેનની ભૂલો ધ્યાનમાં રાખી હતી જે તેને આવનારી ગેમમાં કામ લાગશે. આવનારી બે ગેમ બન્ને માટે ખૂબ કટોકટીની છે. આગામી ગેમમાં ગુકેશે સફેદ મ્હોરાથી રમવાનું છે.
અત્યાર સુધીમાં આઠમાંથી છ ગેમ ડ્રૉ થઈ છે. લિરેન પહેલી ગેમ અને ગુકેશ ત્રીજી ગેમ જીત્યો હતો. બીજી તેમ જ ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી ગેમ ડ્રૉમાં પરિણમી છે.
બન્નેના અત્યારે 4-4 પૉઇન્ટ છે. બેમાંથી જે ખેલાડી સૌથી પહેલાં 7.5 પૉઇન્ટ પર પહોંચશે એ વિશ્વ વિજેતા કહેવાશે. એ જોતાં, બન્નેને હજી 3.5-3.5 પૉઇન્ટની જરૂર છે.
આ પણ વાંચો: સ્પોર્ટ્સ મૅન : ભારતનો ડી. ગુકેશ ચેસ જગતનો નવો સમ્રાટ બનશે?
આઠ ગેમ થઈ ગઈ છે અને હજી છ ગેમ બાકી છે. જોકે 14મી ગેમને અંતે બન્ને સ્કોર એકસમાન હશે તો વિજેતા નક્કી કરવા ઝડપી સમયના ફૉર્મેટને આધારે બન્ને વચ્ચે ગેમ રાખવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને