Dissatisfaction among Gujarat BJP leaders, defecting leaders fueled the fire!

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે ગુજરાતમાં ભાજપના કેટલાક નેતાઓમાં અસંતોષ છે, જેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર જોવા મળી શકે છે. પક્ષપલટું નેતાઓ બળતામાં ઘી હોમી રહ્યા હોવાથી સ્થિતિ વધારે પડકારજનક બની રહી છે. ગુજરાતમાં હાલ ભાજપનું એક હથ્થું શાસન છે, વિપક્ષ માત્ર નામનું જ રહ્યું છે. પક્ષપલટો કરીને આવેલા નેતાઓ જ હવે ભાજપની પ્રતિષ્ઠાને ખરડાવી રહ્યા છે અને એકબીજા પર જાહેરમાં કાદવ ઉછાળી રહ્યા છે.

Dissatisfaction among Gujarat BJP leaders, defecting leaders fueled the fire!

છેલ્લા થોડા દિવસોથી અમરેલી લેટર કાંડનો મુદ્દે છવાયો છે. જેમાં ભાજપના જ નેતાની સંડોવણી સામે આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે લોકસભાની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં અમરેલી ભાજપના જૂથવાદનું એપી સેન્ટર બની શકે છે. લોકસભા ચૂંટણી વખતે પરસોત્તમ રૂપાલાને ટિકિટ ન મળે તે માટે ભાજપના જ કેટલાક નેતાઓ પડદા પાછળની ભૂમિકા ભજવી હતી. રૂપાલાને રાજકોટથી ટિકિટ આપવામાં આવતાં કૉંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે. અમરેલીના બે દિગ્ગજ નેતાઓની રાજકોટના રણ મેદાનમાં ટક્કર થઈ હતી.

ઇફકોની ચૂંટણીમાં પણ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. સી આર પાટીલે બિપીન ગોતાને મેન્ડેટ આપ્યો હતો. તેમ છતાં જયેશ રાદડિયાએ બંડ પોકારીને ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જયેશ રાદડિયા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું ખૂબ જ સારુ વર્ચસ્વ છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જામકંડોરણા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.

Dissatisfaction among Gujarat BJP leaders, defecting leaders fueled the fire!

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ સામે આક્ષેપ કર્યા છે. અમરેલી ભાજપના નેતા અને સહકારી આગેવાના દિલીપ સંઘાણી તેના ચેરમેન છે. લાડાણીએ મગફળી વેચાણને લઈ આક્ષેપ કર્યા કે મગફળી ખરીદીમાં ગુજકોમાસોલના અધિકારીઓ મનમાની કરી રહ્યા છે. પોતાનું ધાર્યું કરી રહ્યા છે. ગુજકોમાસોલના ડિરેકટરના સગાની જ મંડળી છે અને મગફળી ખરીદીમાં પણ લાંચ માંગવામાં આવે છે. આવા આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે. જે બાદ સંઘાણીએ આક્ષેપને નકારતાં કહ્યું કે, મગફળીની ખરીદી પારદર્શક રીતે થઈ રહી છે. ખોટા આક્ષેપો કરીને ગુજકોમાસોલને બદનામ કરવામાં આવી રહ્યું છે. તેમની સામે એક કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવશે. આ રાજકીય વિવાદમાં પણ ભાજપનો જૂથવાદ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો…પાટણ: મજૂરી કામ કરતા યુવકને 1.96 કરોડનો GST ભરવાની નોટિસ મળી

ઉલ્લેખનીય છે કે ચૂંટણી ટાણે ભાજપ દ્વારા કમલમમાં પક્ષપલટુઓ માટે યોજાતી વેલકમ પાર્ટી અને ત્યાર બાદ ભાજપની ટિકિટ મેળવીને જીતેલા ઉમેદવારો જ અત્યાર પક્ષ સામે શિંગડા ભરાવી રહ્યા છે. જો અત્યારથી જ આ જૂથવાદને નહીં ડામવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને