gujarat authorities  achieves 100 percent zero fir amit shah praises

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક, રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો (NCRB)ના મહાનિર્દેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Also work : HMPV: અમદાવાદમાં વધુ એક કેસ નોંધાયો, 4 મહિનાના બાળકને લાગ્યો ચેપ

92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ

બેઠકમાં ચર્ચા દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા ત્રણ વર્ષમાં FIR થી સુપ્રીમ કોર્ટ સુધીના કોઈપણ કેસમાં ન્યાય આપવાની જોગવાઈમાં છે. નવા ફોજદારી કાયદાઓના અમલીકરણમાં ગુજરાત સરકારની કામગિરીની પ્રશંસા કરી હતી. ગુજરાતે 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92 ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.

ZERO FIR પર 100 ટકા કામ

વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાકીના કેસોમાં કોર્ટ પાસેથી પરવાનગી લેવાની જોગવાઈનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે કાયદાની સમીક્ષા કરવી જોઈએ. ગૃહ મંત્રીએ કહ્યું કે ગુજરાતે ઝીરો એફઆઈઆરને 100% એફઆઈઆરમાં રૂપાંતરિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેમાં ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ (CCTNS) દ્વારા બે રાજ્યો વચ્ચે FIR ટ્રાન્સફર કરી શકાય. ગુજરાતે CCTNS 2.0 અપનાવવું જોઈએ.

વીડિયો કોન્ફરન્સિંગ પર ભાર મૂકવા સૂચન

નવા કાયદાઓમાં ઇલેક્ટ્રોનિક પુરાવાની જોગવાઈ અંગે અમિત શાહે કહ્યું કે તેના યોગ્ય અમલીકરણ માટે, રાજ્યના ગૃહ અને આરોગ્ય વિભાગે એક બેઠક યોજવી જોઈએ અને હોસ્પિટલોમાંથી પોસ્ટમોર્ટમ અને અન્ય તબીબી અહેવાલો ઇલેક્ટ્રોનિક રીતે પ્રાપ્ત કરવા પર ભાર મૂકવો જોઈએ. જેલ, સરકારી હોસ્પિટલો, બેંકો, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) વગેરે જેવા પરિસરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુરાવા રેકોર્ડ કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. તેમણે કહ્યું કે જેલોમાં દરેક કોર્ટ માટે વિડીયો કોન્ફરન્સિંગ ક્યુબિકલ હોવું જોઈએ.

પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ વધારો

અમિત શાહે કહ્યું કે પોલીસે ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂછપરછ માટે અટકાયતમાં લેવાયેલા લોકો વિશેની માહિતી, જપ્તી યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસોની માહિતી પ્રદાન કરવી જોઈએ. તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આ કેસોનું સતત નિરીક્ષણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધોરણો કરતાં 30 mbps વધુ વધારવા જણાવ્યું હતું.

રાજ્ય સરકારને પરિપત્ર બહાર પાડવા સૂચન

અમિત શાહે સંગઠિત અપરાધ, આતંકવાદ અને મોબ લિંચિંગની જોગવાઈઓનો દુરુપયોગ ન થાય તે માટે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતામાં ગેરહાજરીમાં ટ્રાયલની જોગવાઈ કરવામાં આવી છે જેના હેઠળ ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કેસોમાં લાંબા સમયથી દેશમાંથી ફરાર આરોપી ભાગેડુઓ સામે ગેરહાજરીમાં ટ્રાયલ શરૂ થવી જોઈએ.

Also work : કોલ્ડ્પ્લે ઈકોનોમીઃ અમદાવાદમાં કોન્સર્ટથી પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને મળ્યો વેગ, આંકડા જોઈને ચોંકી જશો!

ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે

ગૃહ મંત્રીએ દરેક જિલ્લામાં બે થી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઇલ વાન ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે મોબાઇલ ફોરેન્સિક વાનમાં વપરાતી બધી 12 કીટ ભારતમાં જ બનાવવામાં આવે તે માટે પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત દ્વારા ફોરેન્સિક ક્રાઈમ મેનેજર પહેલને અન્ય રાજ્યોએ પણ અપનાવવી જોઈએ તેવી ટકોર તેમણે કરી હતી. આ ઉપરાંત, તેમણે ફોરેન્સિક વિભાગમાં ખાલી જગ્યાઓ પર વહેલી તકે ભરતી કરવા જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને