વિમાનમાં બૉમ્બ હોવાની ધમકીને પગલે કે કંઇક ખામી સર્જાતા ફ્લાઇટ રદ થવાની ઘટના વિશે તમે સાંભળ્યું હશે, પણ હાલમાં ગોવાથી લખનઊ આવી રહેલી ફ્લાઈટ જે કારણસર રદ કરવામાં આવી તે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આ ફ્લાઇટ ઉંદરના કારણે રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે તૈયાર હતી. મુસાફરો પણ ચડીને બેસી ગયા હતા. દરમિયાન કેબિનમાં ઉંદર જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને લગભગ અડધા કલાક બાદ ફલાઇટ કેન્સલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આપણે આ ઘટના વિશે જાણીએ.
ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ નંબર 6E 6811 ગોવાથી દરરોજ સાંજે 6:05 વાગ્યે ઉપડે છે અને રાત્રે 8:50 વાગ્યે લખનઊ પહોંચે છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. આ ફ્લાઇટને ઉંદરોના ત્રાસને કારણે કેન્સલ કરવામાં આવી હતી. મુસાફરો વિમાનમાં ચઢી ગયા હતા. એ સમયે વિમાનમાં પાયલટની કેબિનમાં ઉંદરોને દોડાદોડ કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તમામ મુસાફરોને ઉતારીને ટર્મિનલ પર પાછા મોકલવામાં આવ્યા હતા. દરમિયાન મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. સુરક્ષાના કારણોસર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ એરલાઇન્સે બીજા વિમાનની વ્યવસ્થા કરી અને લગભગ બે કલાક પછી તમામ મુસાફરોને લખનઊ મોકલ્યા હતા.
આ પણ વાંચો : ખેદ હૈઃ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે આટલી ફ્લાઇટ ડાયવર્ટ
દરમિયાન ખરાબ હવામાનને કારણે બુધવારે એક ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને 12 ફ્લાઇટ્સ અડધા કલાકથી ચાર કલાક મોડી પડી હતી. ઇન્ડિગોની જયપુરથી લખનઊ જતી ફ્લાઇટ 6E 7319 રદ કરવામાં આવી હતી. બીજી તરફ ભોપાલ લખનઊ 6E 7073 મોડી રહી હતી. અબુ ધાબીની ઈન્ટરનેશનલ ફ્લાઈટ 6E 1416 પણ મોડી પડી હતી. આ ઉપરાંત બેંગલુરુ જતી ત્રણ ફ્લાઈટ મોડી પડી હતી. આમાંથી ઈન્ડિગોની 6E 451, એર ઈન્ડિયા એક્સપ્રેસની IX 2711 વિલંબિત થઈ હતી, જ્યારે લખનઊથી બેંગલુરુ IX 2734 મોડી પડી હતી. આ સિવાય દિલ્હી લખનઊ 6E 5358, કોલકાતા લખનઊ 6E 856 ની ફ્લાઈટ્સ મોડી પડી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને