(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીના ઓશિવરા ખાતે ઘરમાં આવીને વૃદ્ધાના બન્ને ઘૂંટણની ‘સર્જરી’ કરી 7.20 લાખ રૂપિયા કથિત રીતે પડાવનારા બોગસ ડૉક્ટર અને તેના સાથી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : ઝૂંપડાઓમાં કમર્શિયલ બાંધકામ પર પ્રોપર્ટી ટેક્સની યોજના ચૂંટણીઓને લીધે અધ્ધરતાલ
અંધેરી લિંક રોડ પરિસરમાં રહેતી 61 વર્ષની વૃદ્ધાની માતા સાથે કથિત છેતરપિંડી કરવા બદલ ઓશિવરા પોલીસે મંગળવારે ડૉ. ઝફર મર્ચન્ટ અને વિનોદ ગોયલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર નવેમ્બર, 2021માં વૃદ્ધા સાથે કથિત છેતરપિંડી થઈ હતી. દાંતને લગતી સારવાર માટે ડૉક્ટર પાસે જઈ રહેલી વૃદ્ધાની ઓળખાણ વિનોદ ગોયલ સાથે થઈ હતી. પોતાની માતાને પણ ઘૂંટણની તકલીફ હતી અને ડૉ. મર્ચન્ટે ઘરે આવીને ઇલાજ કર્યા પછી તેની સમસ્યા દૂર થઈ હોવાનો દાવો વિનોદે કર્યો હતો. તે સમયે વિનોદે ડૉ. મર્ચન્ટનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો.
આ પણ વાંચો : ભિવંડીમાંથી 2.3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત…
વિનોદે આપેલા નંબર પર વૃદ્ધાએ કૉલ કરતાં ડૉ. ઝફર મર્ચન્ટે ઘરે આવીને ઇલાજ કરી આપવાની ખાતરી આપી હતી. પછી 2 નવેમ્બર, 2021ના રોજ ડૉક્ટર વૃદ્ધાને ઘરે આવ્યો હતો. વૃદ્ધાનાં બન્ને ઘૂંટણમાંથી આરોપીએ લોહી કાઢ્યું હતું. લોહીનું સૅમ્પલ એક કાગળ પર લગાવી તેના પર હળદરનો પાઉડર છાંટ્યો હતો. પછી કાગળ ફેંકી દીધું હતું. આ રીતે સર્જરી થઈ ગઈ હોવાનો દાવો કરી ડૉ. મર્ચન્ટે વૃદ્ધા પાસેથી 7.20 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આ પણ વાંચો : મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા
જોકે બાદમાં વૃદ્ધાની તકલીફ દૂર થવાને બદલે વધી ગઈ હતી. પરિણામે ફરિયાદી પુત્રીએ મર્ચન્ટને કૉલ કર્યો હતો. પોતે બેંગલુરુમાં હોવાનું કહેનારા મર્ચન્ટનો મોબાઈલ બાદમાં સ્વિચ ઑફ્ફ આવતો હતો. બીજી બાજુ, વિનોદ ગોયલનો મોબાઈલ પણ સ્વિચ ઑફ્ફ હતો. તાજેતરમાં એક અહેવાલમાં ડૉ. ઝફર મર્ચન્ટ દ્વારા છેતરપિંડી અંગે વાંચ્યા પછી ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.