chehra-mohra-chapter-21

તુલસીરામ બાપુનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. કોઈ પણ માણસ એક વાર બાપુને મળે અને તેમની પ્રતિભાથી ન અંજાય તેવું ભાગ્યે જ બનતું હશે. બાપુ આંખ ખોલે તેની સોહમ આતુરતાથી રાહ જોઈ રહ્યો…પ્રફુલ્લ કાનાબાર

ત્યારે જ અચાનક મોટો ધડાકો થતાં સોહમ ચમકી ગયો. એનું હૃદય જાણે કે એકાદ થડકારો ચૂકી ગયું.સોહમે બારીમાંથી ડોકું બહાર કાઢીને ઉપર જોયું. અચાનક આશ્રમની કમ્પાઉંડ વોલ કૂદીનેગાડીના છાપરા પર થઈને એક વાંદરો સામેના ઝાડ પર ચડી ગયો હતો. સોહમે ગાડીમાં બેઠા બેઠા જ નજર દોડાવી. સૂર્યાસ્ત થવાને હજુ ખાસ્સી વાર હતી. આશ્રમનું બેઠા ઘાટનું મોટું મકાન હતું. આજુબાજુમાં અઢળક વૃક્ષો હતાં. એ વિવિધ વૃક્ષોને કારણે મકાન અડધું ઢંકાઈ જતું હતું. મેદાનમાં નીરવ શાંતિ પથરાયેલી હતી. પક્ષીઓના કલરવનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. થોડે દૂર ચબૂતરામાં કબૂતરો ચણી રહ્યા હતા. સોહમે બેઠા બેઠા જ પાછા વળીને જોયું. જે દરવાજામાંથી ગાડી પ્રવેશી હતી તેની ડાબી બાજુએ એક
નાનકડું શિવજીનું મંદિર હતું. બાજુમાં જ બીલીપત્રનું ઝાડ હતું. મેદાનની મધ્યમાં એક ફુવારો પણ હતો, જેની ચારે બાજુએ લેન્ડસ્કેપ કરેલી લોન હતી. વિશાળ મેદાનમાં થોડે દૂર એક મોંઘી કાર પણ પાર્ક થયેલી
હતી.

સોહમ વિચારી રહ્યો.. એ કાર કદાચ તુલસીદાસ બાપુની તહેનાતમાં જ રહેતી હોવી જોઈએ. સોહમ સારી રીતે જાણતો હતો કે સાધુઓના ત્રણ ચાર એકરની વિશાળ જગ્યામાં પથરાયેલા આશ્રમની આપણા દેશમાં નવાઈ જેવું નથી. મહિના પહેલાં જે તુલસીરામ બાપુએ જેલમાં કેદીઓને સુધારવા માટે પ્રવચન આપ્યું હતું એ જ બાપુના આશ્રમમાં આજે સોહમ તેમને મળવા માટે ઉત્સુક હતો! શું આ શતરંજનો ખેલ છે કે નિયતિનો?

સોહમ મનમાં જ મલક્યો. જીવનમાં કાંઈ ન કરી શક્યાનો રંજ ન રહેવો જોઈએ…આખરે જીવન પણ એક બાજી જ છે ! ખાસ્સી વાર બાદ પ્રભાસ પરત આવ્યો. તેણે સોહમની બાજુનો દરવાજો ખોલીને કહ્યું ‘ચાલો’ સોહમે પાછળની સીટમાં રાખેલી એટેચી હાથમાં લઇ લીધી. પ્રભાસ મોટા ડગલાં ભરતો આશ્રમના બિલ્ડિંગ તરફ આગળ વધ્યો. સોહમ તેની પાછળ યંત્રવત દોરવાયો. આશ્રમનું બિલ્ડિંગ માત્ર બે જ માળનું હતું પણ ખાસ્સું લાંબું હતું. બિલ્ડિંગને ફરતી વ્યવસ્થિત રીતે લેન્ડસ્કેપ કરેલી લોન અને તેની વચ્ચે બનાવવામાં આવેલી પગદંડી જાણે કે ભક્તોને મોક્ષના માર્ગે જ લઇ જશે તેવી આભા ઊભી કરી રહી હતી! એ પગદંડી પર પ્રભાસના પગલે જ ચાલી રહેલો સોહમ ચારે બાજુ નિરીક્ષણ કરી રહ્યો હતો.

અચાનક પ્રભાસે પાછળ ફરીને સોહમને કહ્યું બાપુ પાસે જતા પહેલાં તમારી બેગ મૂકવાની વ્યવસ્થા કરવી પડશે. ‘જેમ તમને યોગ્ય લાગે તેમ’ સોહમે ધીમેથી જવાબ આપ્યો. આશ્રમના માહોલમાં એટલી બધી શાંતિ પ્રસરી રહી હતી કે માણસનો અવાજ ગળામાંથી ધીમો જ બહાર નીકળે. બંને બિલ્ડિંગની અંદર પ્રવેશ્યા.સોહમે જોયું કે નીચે જ એક વિશાળ હોલ પણ હતો. હોલની બાજુમાં જ દાદરો હતો. દાદરના પગથિયાની નીચે ખાલી પડતી જગ્યામાં એક બંધ ખાનું હતું. પ્રભાસે એનો પ્લાયવૂડનો દરવાજો ખોલીને કહ્યું અત્યારે અહીં બેગ મૂકી દો. રૂમ એલોટ કરવામાં આવે ત્યારે ત્યાં સાથે લઇ જજો. સોહમે તરત હાથમાં રાખેલી એટેચી વોર્ડરોબના ખાના જેવી એ જગ્યામાં મૂકી દીધી. એ જ ખાનામાં પ્રભાસે પોતાનો ફોન મૂકતાં કહ્યું : ‘ઉપર ફોન લઇ જવાની પરવાનગી નથી.’ સોહમે ત્વરિત શર્ટના ઉપલા ખિસ્સામાંથી પોતાનો સેલફોન કાઢીને ત્યાં જ મૂકી દીધો. પ્રભાસે તરત ઓટોલોકવાળું ખાનું બંધ કરી દીધું. પ્રભાસ ઝડપથી પગથિયા ચડવા લાગ્યો. સોહમ પણ તેની પાછળ પાછળ પહેલા માળે પહોંચ્યો. એક પછી એક ખંડ વટાવતાં વટાવતાં એક વાતાનુકૂલિત ખંડ પાસે આવીને પ્રભાસે પોતાના ચપ્પલ કાઢી નાખ્યા. સોહમે પણ તેનું અનુકરણ કર્યું.

ધીમેથી કાચનો દરવાજો ખોલીને બંને ખંડમાં પ્રવેશ્યા. હા એ તુલસીરામ બાપુનો જ સભાખંડ હતો. સોહમે અંદર પ્રવેશતાં જ એસીની ઠંડક અનુભવી. હોલની અંદર પીનડ્રોપ સાયલેન્સ પથરાયેલું હતું. સામે જ ગાદી પર તુલસીરામ બાપુ બિરાજમાન હતા. તેમની પાછળ બેકગ્રાઉન્ડની દીવાલ પર એવી રીતે ઓઈલ પેન્ટ વડે ઓમકાર લખવામાં આવ્યો હતો કે તેની સામે એક નજરે જોનારને એવો અહેસાસ થાય કે ગોળાકાર ભાગ જાણે કે વ્યક્તિને દૂર દૂર સુધી અંદર લઇ જઈ રહ્યો છે! આખી દીવાલ પર અદ્ભુત રીતે દોરાયેલ ઓમકાર ખરેખર તો કલાકારની જ કમાલ હતી!

તુલસીરામ બાપુએ ભગવા વસ્ત્રો અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. તેમના ગોરા અને તેજસ્વી ચહેરા પર અકળ સ્મિત રમી રહ્યું હતું. ખંડ ગુલાબની સુવાસથી મહેકી રહ્યો હતો. સોહમે ચારે બાજૂ નજર કરી. ગુલાબના ફૂલ કે હાર ક્યાંય દેખાયા નહી. ઇવન આજુબાજુમાં ક્યાંય અગરબત્તી પણ નહોતી. સોહમને લાગ્યું કે કદાચ એ પરફ્યુમની અથવા એર ફ્રેશનરની સુવાસ હતી. પ્રભાસની સાથે અજાણ્યા યુવાનને આવેલો જોઇને બાપુની સામે બેઠેલા તેમના લગભગ બે ડઝન જેટલા યુવાન શિષ્યો એક પછી એક ઊભા થઈને બાપુના ચરણોને સ્પર્શ કરીને શિસ્તબદ્ધ રીતે ખંડની બહાર જવા લાગ્યા.સોહમને લાગ્યું કે કદાચ બાપુનો શિષ્યો સાથેનો વાર્તાલાપ થોડીક ક્ષણો પહેલાં જ પૂરો થયો હોવો જોઈએ. સોહમને એ વાતનો તો અંદાજ હતો જ કે પ્રભાસે પહેલાં એકલા અહીં આવીને બાપુને તેના આગમનની જાણ કરી હતી. પ્રભાસને નીચે પરત આવતાં ખાસ્સી વાર લાગી હતી. કદાચ બાપુએ જ પ્રભાસને વીસેક મિનિટ બાદ સોહમને તેમની પાસે લાવવાની સૂચના આપી હોવી જોઈએ. શિષ્યોની પાછળ પ્રભાસ પણ ખંડની બહાર નીકળી ગયો.

હવે ખંડમાં તુલસીરામ બાપુ અને સોહમ બંને એકલાં જ હતા.બાપુએ બંને આંખો બંધ કરીને મોટેથી હરિ ઓમનો ઉચ્ચાર કર્યો. સોહમને યાદ આવી ગયું કે એ દિવસે ગોહિલ સાહેબની કેબિનમાં પણ તેમણે વાતની શરૂઆત કરતા પહેલાં આમ જ કર્યું હતું. લગભગ બે મિનિટ સુધી બાપુએ આંખો ખોલી નહી. સોહમ તેમને તાકી રહ્યો હતો. સોહમે નોંધ્યું કે તુલસીરામ બાપુનું વ્યક્તિત્વ ચુંબકીય હતું. કોઈ પણ માણસ એક વાર
બાપુને મળે અને તેમની પ્રતિભાથી ન અંજાય તેવું ભાગ્યે જ બનતું હશે. બાપુ આંખ ખોલે તેની સોહમ આતુરતાથી રાહ જોઈ રહ્યો. સાથોસાથ સોહમે મનોમન એ પણ નક્કી કરી લીધું કે બાપુ પૂછે તેના સાચા જ જવાબો આપવા છે. આમ પણ સોહમના સ્વભાવમાં ખાસ કારણ વગર ખોટું બોલવાનું આવતું જ નહોતું. જોકે બાપુ હવે કેટલા પાના ઊતરે છે અને કેટલા હાથમાં પકડી રાખે છે તે જોવાની સોહમના મનમાં ઉત્કંઠા જરૂર હતી. આખરે સોહમની આતુરતાનો અંત આવ્યો. તુલસીરામ બાપુએ આંખો ખોલી: વત્સ, રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ‘ના બાપુ, બિલકુલ નહીં.મારી ટિકિટ તો વાપીની હતી પણ રસ્તામાં નંદગીરી મહારાજનો ફોન આવ્યો કે મારે વલસાડ જ ઊતરી જવાનું છે.’

વાપીથી આશ્રમ દૂર પડે. વલસાડથી જ નજીક થાય, બાપુએ મંદ મંદ સ્મિત સાથે કહ્યું. ‘તો પછી વાપીની ટિકિટ શા માટે ?’ સોહમના મનમાં તરત સવાલ થયો, પણ તેણે પૂછવાનું ટાળ્યું. સોહમને અંદાજ તો આવી જ ગયો હતો કે સવારે એ ટ્રેનમાં બેઠો ત્યાં સુધી આ લોકો સસ્પેન્સ રાખવા માગતા હતા. હવે તેમના જ મોઢે એ કબૂલાત કરાવવાનો કોઈ મતલબ પણ ક્યાં હતો? જયારે કોઈ પણ વાત નજર સામે દીવા જેવી સાફ દેખાતી હોય ત્યારે એની સ્પષ્ટતા કરવાનું સોહમને પહેલેથી જ પસંદ નહોતું. કેટલાંક માણસોની અડધી જિંદગી બિનજરૂરી સ્પષ્ટતા કરવામાં જ વીતી જતી હોય છે! સોહમ તેમાંનો નહોતો. સોહમે મનોમન ધીરજ ધરવાનું નક્કી કરી જ રાખ્યું હતું. તુલસીરામ બાપુ શું કહે છે એ ધ્યાનથી સાંભળી લેવું પછી જરૂર લાગે તો જ સવાલ કરવા.. ઊંડો શ્વાસ લઈ બાપુએ સોહમની ધારણા બહારની વાત કરી :‘વત્સ, હું તારો સંપૂર્ણ ભૂતકાળ જાણવા માગું છું.’ (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને