અરવિંદ વેકરિયા
સંક્રાંતનું પર્વ વીત્યું, હવે બે દિવસ પછી પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના દિવસે ઉજવાશે. મકર સંક્રાંતિએ કઈ-કેટલાં નવા- અવનવાં પતંગો લોકોએ ચગાવ્યાં. ગુજરાતમાં તો આખું આકાશ પતંગોથી છવાયેલું રહ્યું. ધરતી પરથી લોકોએ પતંગો ચગાવી આકાશને માલામાલ કરી આનંદ લૂંટ્યો. પતંગ એ બીજું કઈ નથી, ધરતીએ આકાશને લખેલો પ્રેમપત્ર જ છે ને!હું પણ ‘હરણફાળ’ નાટકની રજૂઆત માટે જાણે આકાશમાં જ ઊડી રહ્યો હતો. ફાઈનલ જી.આર. નો દિવસ થોડો કટોકટીભર્યો હતો.
નાટકમાં એક સીન આવતો હતો, જેમાં શેતલ રાજડાને અજિત વાચ્છાની બંદૂકની ગોળી મારી હત્યા કરે છે. આજનાં જેટલી ટેકનિકલ સુવિધા એ સમયે તો નહોતી જ. (સંગીત સંચાલન પણ ‘સ્પુલ’ કેસેટથી નિયંત્રિત થતું હતું.). ફિલ્મી સ્ટંટમેન ફારૂકભાઈનો સંપર્ક કર્યો. શેતલને ગોળી વાગે અને લોહીનો ફુવારો ઊડે એવી ઈફેક્ટ જોઈતી હતી.. ફારૂકભાઈનાં કહેવા મુજબ ફુગ્ગામાં લાલચોળ પાણી ભરવાનું, એમાં વાયર સાથે કનેક્ટ કરી એક સ્વીચ બનાવી શેતલે પહેરેલ ડ્રેસના ખિસ્સામાં રાખવાની. નક્કી કરેલા સંવાદ સાથે અજિત બંદૂકનું ટ્રીગર દબાવે કે નેપથ્યમાંથી ભ.જો. હથોડી સાથે ફીટ કરેલ ચાંદલિયાની ડબ્બી ફોડે એ સાથે જ શેતલે ખિસ્સામાં રાખેલ સ્વીચ દબાવવાની કે તરત બનાવટી લોહી ભરેલો ફુગ્ગો ફાટે અને લોહીનો ફુવારો છૂટે….. આખા નાટકના જી.આર. કરતાં આ સીનમાં વધુ સમય લાગ્યો. આવામાં ડર લાગવો સ્વાભાવિક છે. ફારૂકભાઈ સમજાવી-સમજાવીને થાકી ગયા કે ‘કુછ નહી હોગા’, પણ જેણે કરવાનું હોય એને ડર તો લાગવાનો જ ને. બે-ત્રણ વાર અજિતે ટ્રીગર દબાવ્યું પણ ડરના માર્યા શેતલ સ્વીચ જ દબાવી ન શકી.
બીજી તરફ, મને વિશ્વાસ હતો કે આ સીન નાટક માટે અગત્યનો પુરવાર થશે. મેં શેતલને સમજાવી, ‘ આરામથી, હિમ્મતથી પણ આ કરવું તો પડશે. તમે સફળતા ત્યાં સુધી નથી મેળવી શકતાં જ્યાં સુધી તમારામાં અસફળ થવાનું સાહસ ન હોય. તું એક-બે વાર હિંમત કરી સ્વીચ દબાવી દે પછી તો બીક પોતે ડરીને નીકળી જશે…’
એમાં શેતાલનો દીકરો માલવ રાજડા. એ શેતલ સાથે રિહર્સલમાં આવતો અને ખુબ તોફાન કરતો. શેતલના સીનમાં એ શેતલને જોઈ સ્ટેજ ઉપર ધસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું પડતું. આ ‘તોફાની ટપુડો’, મોટો થઈને ઠરેલ થયો. લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ ની ડિરેક્ટર્સ પેનલમાં રહી વર્ષો સુધી એનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું. . કહે છે ને કે વર્તમાનમાં જેટલી નિષ્ઠા, ભવિષ્યમાં એટલી જ પ્રતિષ્ઠા.. માલવ એનું જીવતું જાગતું ઉદાહરણ…
અંતે લોહીનો ફુવારો ઉડાડવા શેતલે હિંમત કેળવી લીધી. જી.આર. હેમખેમ પૂરા કર્યા. શનિવારે માત્ર રીડિંગનો સમય નક્કી કર્યો. નક્કી એવું થયું કે જી.આર. વખતે થયેલી ભૂલોનું વિશ્ર્લેષણ કરી એક ‘ચકરી’ રીડિંગ કરી લેવું, જેથી શોમાં આત્મવિશ્વાસ ટકી રહે. આ બાજુ, તારકનાથ ગાંધીએ કરેલી જા.ખ. ની કમાલથી બંને શોનું બુકિંગ ઘણું સારું થયું હતું.
‘હરણફાળ’ નાટક વખતે હું નાલાસોપારા રહેતો. શનિવારે ભૂલો સુધારી ‘ચકરી’ રીડિંગ પૂરું કરી બધાને બપોરે શોના સમયે પાટકર હોલ પર આવી જવા જણાવી દીધું. હું અને તન્મય (જે ‘હરણફાળ’ નાટકમાં રોલ કરતો હતો.) બપોરે 11.30 વાગે નાલાસોપારા સ્ટેશને પહોંચ્યા તો ખબર પડી ટ્રેઈન બધી મોડી દોડી રહી હતી. મને તો કીડીઓ ચડવા માંડી. ટેન્શન વધવા માંડ્યું. કોઈનો પણ કોન્ટેક્ટ થવો શક્ય નહોતો. હવે કરવું શું? નિર્માતા રમણિક ગોહિલ કદાચ ભાયંદરથી એમની કારમાં નીકળ્યા હોય પણ સંપર્ક શક્ય નહોતો. મેં બધાને 2 વાગે પાટકર હોલ ઉપર બોલાવ્યા અને હું જ અટવાઈ ગયો હતો. મને થયું કે શું પ્રથમ ગ્રાશે જ મક્ષિકા થશે? વાંક નિયતિનો હતો. ટ્રેન તો મળી પણ ગોકળગાયની ગતિએ ચાલતી હતી. હું મનોમન ગણતરી માંડતો હતો. ત્યાં ભરત જોશી પણ મારો સંપર્ક કરી શકે એમ નહોતો. શો ‘હાઉસ ફૂલ’ થઇ ગયો હતો. લગભગ 3.10 સુધી મારી રાહ બધાએ જોઈ. એમને ખબર પડી ગઈ હતી કે પ્રોબ્લેમ ટ્રેનનો છે. અંતે ભ,.જો.એ સિનિયર્સ સાથે ડિસ્કસ કરી શો રદ કરવાનો ભારે મને નિર્ણય લીધો. ભ.જો. બહાર બુકિંગ કાઉન્ટર પર જઈ ફાઈનલ નિર્ણય જાહેર કરે અને અમલ થાય એ પહેલાં અમે દાખલ થયા. બધાનાં મનમાં હાશકારો થયો. ચિંતાનું સ્થાન હળવાશે લઈ લીધું. હું તરત મેક-અપ કરાવવા બેઠો. પહેલી ઘંટડી વાગી ગઈ. નાટક 10 મિનિટ મોડું શરૂ કર્યું. સંતોષ એ વાતનો હતો કે શો રદ ન કરવો પડ્યો.
નાટકની શરૂઆતથી જ પ્રેક્ષકોનો જબ્બર પ્રતિસાદ મળતો ગયો. પહેલો અંક સડસડાટ ક્યાં પૂરો થઈ ગયો એની ખબર જ ન પડી. ત્યારે અમુક પ્રેક્ષકો ફિક્સ રહેતાં. રસિક વકીલ, નરોત્તમભાઈ મીનાવાલા વગેર.. પ્રથમ અંક પૂરો થતાં અભિનંદનનો વરસાદ….ત્યારે ત્રિ-અંકી નાટકો બનતાં. બાકીના બે અંક પણ આવા જ રિસ્પોન્સ સાથે પૂરા થાય તો લાગે છે ‘વાત મધરાત પછીની’ જેવું ‘હરણફાળ’ પણ હીટ થઈ જશે. મને તો સફળતા દેખાતી હતી, બાકી ભગવાન પર છોડી દીધું.પછી તો બે અંક પૂરા થતાની સાથે ખાતરી થઈ ગઈ કે નાટક ‘સુપર હીટ’ છે. દિલ દરિયા જેવું રાખો, નદીઓ સામેથી મળવા આવશે. નિષ્ઠા પૂરી રાખી એટલે જ સફળતા મળવા આવી ગઈ…. પુરુષના હૃદયમાં બીજી મહિલા માટે અને મહિલાના કબાટમાં બીજા ડ્રેસ માટે હંમેશાં જગ્યા હોય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને