-હેમુ ભીખુ
ઈશ્વર ક્યાં છે તે બાબતે અમુક લોકો મજાક કરતાં હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે જો ઈશ્ર્વર ઉપર હોય તો અમેરિકાના લોકો માટે તે નીચે થઈ જાય. પૃથ્વી ગોળ છે અને તેથી એક સ્થાનનું ઉપર બીજા સ્થાન માટે નીચે સ્વાભાવિક રીતે સ્થાપિત થાય. સમજવાની વાત એ છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં ઉપર-નીચે, આગળ-પાછળ, પૂર્વ-પશ્ર્ચિમ પૃથ્વીને આધારે કે પૃથ્વીની ગતિને આધારે નિર્ધારિત નથી થતું. આ ગણિત જ ભિન્ન પ્રકારનું છે.
Also read: પ્રાસંગિક: ધર્મ ને સમાજમાં એકસમાન મસ્યારૂપ ક્રોધ
આધ્યાત્મિક તત્વજ્ઞાન પ્રમાણે સૃષ્ટિના કેન્દ્રમાં વ્યક્તિ ‘સ્વયં’ છે. વ્યક્તિના અસ્તિત્વને આધારે દિશાનું નિર્ધારણ થાય છે. આ નિર્ધારણમાં પૂર્વધારણા એ છે કે વ્યક્તિનું કેન્દ્ર એટલે હૃદય. સર્વસ્ય ચાહં હ્રદિ સન્નિવિષ્ટો-અર્થાત, ગીતામાં જણાવ્યા પ્રમાણે, ઈશ્ર્વર હૃદયમાં વાસ કરે છે. આ હૃદય કેન્દ્ર છે. હૃદયના સ્થાનને આધારે બાકીનું બધું જ નિર્ધારિત થાય છે. હૃદય છે, હૃદય ધબકે છે, હૃદયમાં ઈશ્ર્વર હાજર છે એટલા માટે અસ્તિત્વ છે. અસ્તિત્વ છે એટલે દિશાનું જ્ઞાન જરૂરી છે. અસ્તિત્વનું કારણ દિશાના જ્ઞાનની સમજમાં કારણભૂત બની શકે.
સાથે સાથે એ પણ સમજવું પડે કે કુંડલિની એ અસ્તિત્વને સંચાલિત કરતી શક્તિ છે. હૃદયના સ્થાનના અનુસંધાનમાં કુંડલિનીનાં અમુક ચક્ર નીચે આવે અને અમુક ઉપર તરફ હોય. આ ઉપર-નીચેનો સંદર્ભ પણ ચક્રની ક્ષમતા, તેના પ્રભુત્વનો વિસ્તાર તથા આધ્યાત્મિક પ્રવાસ માટે તેનાં મહત્ત્વ પર આધાર રાખે છે. જે ચક્ર આધ્યાત્મિક પ્રવાસ માટે વધારે મહત્ત્વનાં હોય, આધ્યાત્મિક અનુભૂતિના પર્યાય સમા હોય તે ચક્રને ઉપર છે તેમ કહેવાય. જે ચક્ર વિષયો સાથે, બંધનના કારણ સાથે, સૃષ્ટિના પરિવર્તનની ગતિ સાથે, જીવન-મરણનાં ચક્રના કારણો સાથે સંકળાયેલા હોય તેમને નીચે છે તેમ કહેવાય. આમ સહસ્ત્રાર ચક્ર ઉપર જ્યારે મુલાધાર ચક્રનું સ્થાન નીચે છે તેમ સ્થાપિત થાય. સહસ્ત્રાર ચક્ર બ્રહ્મની અનુભૂતિ માટે, આધ્યાત્મના ક્ષેત્રમાં પ્રવેશ માટે, દરેક પ્રકારનાં બંધનથી મુક્તિ માટે, સાક્ષાત્કારની પ્રતીતિ માટે, પૂર્ણતાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે, અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે મહત્વનું ગણાય છે. તેથી આ બધી સ્થિતિનાં અનુસંધાનમાં જે કંઈ ધારણાઓ સ્થાપિત થાય તે ‘ઉપર’ છે તેમ કહેવાય. જે તે સમતલના સંદર્ભમાં, જે ઉપર નથી તે નીચે છે.
આગળ-પાછળની સ્થિતિ નિર્ધારિત કરવા માટે જ્ઞાનેન્દ્રિયોની સન્મુખતા મહત્ત્વની રહે છે. આંખ એક દિશામાં જોઈ શકે છે. મોઢામાં કોળિયો પણ તે જ દિશામાંથી મૂકી શકાય છે. શ્ર્વસનની પ્રક્રિયા માટે શ્ર્વાસ પણ તે જ વિસ્તારમાંથી લેવાય છે અને ઉચ્છવાસ પણ ત્યાં જ બહાર પ્રસરે છે. આ ત્રણ મુખ્ય જ્ઞાનેન્દ્રિયોની સન્મુખતા જે તરફની તે દિશાને આગળ કહેવાય. અમુક જ્ઞાનેન્દ્રિય સર્વગામી હોય છે. ધ્વનિ દરેક દિશામાંથી સાંભળી શકાય. સ્પર્શથી થતી અનુભૂતિ પણ અસ્તિત્વની ચારે તરફ પ્રસરેલી છે. તેથી, આગળને પ્રસ્થાપિત કરવામાં તેમની ભૂમિકા ન હોય તે સ્વાભાવિક છે. જે આગળથી વિરુદ્ધ દિશામાં છે, તે પાછળ છે.
આધ્યાત્મના ક્ષેત્ર માટે પૂર્વ-પશ્ર્ચિમની સમજ જટિલ છે. અમુક લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે ‘પશ્ચિમ’ જેવું કંઈ છે જ નહીં. વ્યક્તિ પશ્ર્ચિમ દિશામાં જેમ જેમ ખસતી જાય તેમ પશ્ર્ચિમ દિશા પશ્ર્ચિમ તરફ દૂર જતી જાય. સમગ્ર પૃથ્વીને ચક્કર મારીને વ્યક્તિ તે જ સ્થાને પાછી આવે તો પણ પશ્ર્ચિમ સ્થાપિત ન થાય. આ વ્યવહારિક વાત છે. વાત સાચી પણ જણાય છે. આમાં ભૂલ એટલી જ છે કે આધ્યાત્મિક પશ્ર્ચિમને વ્યાવહારિક પશ્ર્ચિમ સાથે મેળવી દેવામાં આવે છે. આ ખોટું ડગલું છે. પૂર્વ-પશ્ર્ચિમનું નિર્ધારણ જટિલ છે. આ નિર્ધારણમાં આગળ-પાછળની સમજ સાથે ડાબા-જમણાનો કે પૃથ્વીના સૂર્યની આસપાસના ભ્રમણનો સંદર્ભ લેવો જરૂરી છે. સામાન્ય સમજ પ્રમાણે જો ઉત્તર દિશા તરફ મુખ કરીને ઊભા રહેવામાં આવે તો જમણા હાથે પૂર્વ અને ડાબા હાથે પશ્ર્ચિમ સ્થાપિત થાય. આધ્યાત્મના સ્થાન નિર્ધારણમાં આ સ્થાપિત સમજને આધાર ગણવામાં આવે છે. જ્ઞાનેન્દ્રિયોની સન્મુખતાની જમણા હાથે પૂર્વ અને ડાબા હાથે પશ્ર્ચિમ. વ્યક્તિની સન્મુખતાની દિશા બદલાય તો સાથે સાથે પૂર્વ અને પશ્ર્ચિમ પણ ચક્રિત થાય. આધ્યાત્મિકતાનું આ સત્ય છે.
કુંડલિનીને લગતી, અને તે પ્રકારની અન્ય સાધનામાં એમ કહેવાય છે કે, અમુક સ્થિતિ પ્રાપ્ત કર્યાં પછી પશ્ર્ચિમ તરફની બારી ખુલે. આ પશ્ર્ચિમ એટલે સૂર્યની આસપાસની પૃથ્વીની ગતિથી નિર્ધારિત થતી પશ્ર્ચિમ દિશા નહીં. આ પશ્ર્ચિમ એટલે ડાબા હાથ તરફના અસ્તિત્વમાં રહેલી સંભાવનાઓ. આ પશ્ર્ચિમ એટલે ડાબા હાથ તરફ રહેલી સંભવિત આધ્યાત્મિક ઘટનાઓ. આ પશ્ર્ચિમ એટલે ડાબી તરફ રહેલી નાડીઓમાં ઊભા થતા સ્પંદનથી મળતું પરિણામ. અસ્તિત્વના સંદર્ભમાં પશ્ર્ચિમ એટલે એ વિસ્તાર કે જ્યાં નિષ્ક્રિયતા વધુ હોય, પણ જો તે સક્રિયતાને પામે તો પરિણામ વધુ અસરકારક બની રહે. તેથી જ યોગિક પરંપરામાં પશ્ર્ચિમની બારી ખોલવાના પ્રયત્નને વધુ પ્રાધાન્ય મળે છે.
Also read: સારંગપ્રીતઃ શ્રદ્ધા અંતિમ લક્ષ્યની ગીતા મહિમા –
આ થઈ ઉપર-નીચે, આગળ-પાછળ તથા પૂર્વ-પશ્ર્ચિમની વાત. આ અસ્તિત્વના કેન્દ્રને આધારે સ્થાપિત થાય છે. સમગ્ર દિશા આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. આ દરેક ભાગ સાથે જુદી જુદી સંભાવનાઓ જડાયેલી હોય છે. ક્યા ભાગ ઉપર કેટલું કામ કરવામાં આવે છે તેનાં આધારે તે ભાગની ક્ષમતા સ્થાપિત થાય અને તેનાં આધારે પરિણામ મળે. અસ્તિત્વને કેન્દ્રમાં રાખીને સ્થાપિત થતી વિશ્ર્વની ભૂગોળ સમજવી મુશ્કેલ છે, પણ જો ગુરુદેવના આશીર્વાદ હોય અને તેમનું માર્ગદર્શન મળી રહેતું હોય તો ક્ષણભરમાં બધાં જ સમીકરણો સમજમાં આવી જાય. એમ જણાય છે કે, જે પિંડમાં છે તે જો બ્રહ્માંડમાં હોય તો, બ્રહ્માંડની દિશાઓ પણ આ જ રીતે સ્થાપિત થતી હશે, પૃથ્વીની ગતિને આધારિત નહીં.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને