મુંબઈઃ આ વર્ષે ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા કેસની સાથે ચિકનગુનિયાએ મુંબઈગરાઓની ઊંઘ હરામ કરી નાખી છે. પાલિકાના આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર છેલ્લા ૩ વર્ષ પૈકી આ વર્ષે ચિકનગુનિયાના સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આ વર્ષે દરરોજ સરેરાશ ૨ લોકો આ રોગથી સંક્રમિત જોવા મળ્યા છે, જ્યારે રાજ્યના અન્ય શહેર નાગપુર અને પુણેમાં ચિકનગુનિયાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી પાલિકાની ચિંતા વધારી છે.
આ પણ વાંચો : ગૂડ ન્યૂઝઃ મધ્ય રેલવે ‘આ’ કારણસર દોડાવશે Special Night Suburban Trains
જાન્યુઆરીથી ઓક્ટોબરમાં 578 કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર ૨૦૨૨માં ચિકનગુનિયાના માત્ર ૨૨ કેસ જ નોંધાયા હતા. વર્ષ ૨૦૨૩માં ૨૫૦ મુંબઈગરા આ બીમારીમાં સપડાયા હતા. દરમિયાન, આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં ૫૭૮ લોકોમાં ચિકનગુનિયા થયો છે. આંકડા દર્શાવે છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લગભગ ૨૩૦ ટકાનો વધારો થયો છે.
મચ્છરોને કારણે ડેન્ગ્યૂ અને મેલેરિયાના કેસમાં વધારો
આ વર્ષે મુંબઈમાં વધુ વરસાદ થયો છે. તૂટક તૂટક વરસાદને કારણે તાડપત્રી, બહાર ફેંકેલી બોટલ વગેરે ભંગાર જમા થઈ જાય છે. આ સિવાય મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં બાંધકામ ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં મચ્છરોને પ્રજનન માટે સ્વચ્છ પાણી મળી રહે છે. ઘરોમાં પણ મચ્છરોના પ્રજનન સ્થળો જોવા મળે છે. જેના કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે.
લક્ષણોમાં ખાસ સાંધા, માથામાં દુખાવા સાથે થાકનું પ્રમાણ વધુ રહે
ચિકનગુનિયા એક વાયરલ રોગ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છર દ્વારા ફેલાય છે. આ મચ્છરો ખાસ કરીને દિવસ દરમિયાન સક્રિય હોય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચૂસ્યા પછી અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. ચિકનગુનિયા વાયરસના લક્ષણોમાં તાવ, સાંધામાં તીવ્ર દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, ચામડી પર ચકામા અને થાકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ‘મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ્સ બીજા રાજ્યને આપવામાં આવ્યા…’ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યા
મુંબઈની જાણીતી હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે આ વખતે ઓપીડીમાં ચિકનગુનિયાના ઘણા કેસ આવ્યા છે. અત્યાર સુધી આવેલા કુલ દર્દીઓમાંથી લગભગ ૫૦ ટકા દર્દીને દાખલ કરવા પડ્યા છે. સાંધાના દુખાવાની સાથે વાયરલ તાવના લક્ષણો પણ જોવા મળ્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને