રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 13મી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજવાનું છે, એ પહેલા રાજ્યમાં રાજકારણ (Jharkhand Assembly election)ગરમાયું છે. ઝારખંડ ચૂંટણીમાં આદિવાસી વોટબેંક મહત્વનો ભાગ ભજવશે. ઝારખંડના મુખ્ય પ્રધાન અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને મંગળવારે કહ્યું કે રાજ્ય આદિવાસીઓનું છે અને તેઓ જ રાજ્ય પર શાસન કરશે.
હેમંત સોરેને ભાજપ પર પ્રહારો કર્યા, તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કોઈ હિન્દુ જોખમમાં નથી, પરંતુ વિરોધ પક્ષ ફક્ત હિન્દુ-મુસ્લિમના નિવેદનો દ્વારા તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના ચોટાનાગ્રા ખાતે એક જાહેર સભાને સંબોધતા હેમંત સોરેને કહ્યું કે, “અમે ઝારખંડને અલગ રાજ્ય બનાવવા માટે લડ્યા છીએ અને હવે અમે આપણા અધિકારો મેળવવા માટે પણ લડીશું. ઝારખંડ આદિવાસીઓનું છે, તેથી અહીં ફક્ત આદિવાસીઓ જ શાસન કરશે.”
2011ની વસ્તી ગણતરી મુજબ, ઝારખંડની કુલ વસ્તી 3,29,88,134 છે. તેમાંથી 26.21 ટકા (86,45,042) આદિવાસી છે. વર્ષ 2000માં રાજ્યની રચના બાદ રઘુબર દાસ સિવાય તમામ મુખ્ય પ્રધાનો આદિવાસી સમુદાયમાંથી હતા. સોરેને કહ્યું કે તેમની સરકારે જનતાના સહકારથી સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરીશું.
હેમંત સોરેને દાવો કર્યો કે, “CBI અને ED સાથે મળીને બીજેપી મને ડરાવી રહી છે અને ખોટા આરોપમાં મને જેલમાં પણ મોકલ્યો હતો, પરંતુ હું ઝારખંડની માટીનો પુત્ર છું. હું ન તો ડરું છું અને ન તો ક્યારેય ઝૂકીશ.”
Also Read – Jharkhad માં સીએમ યોગીનો મોટો પ્રહાર, આલમગીર આલમની તુલના ઔરંગઝેબ સાથે કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ કરી હતી. જો કે, હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતાં
ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે 13 નવેમ્બર અને 20 નવેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.