રાંચીઃ ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. હાલમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં વ્યસ્ત છે. અહીં પણ મુખ્ય મુકાબલો ઈન્ડિયા બ્લોક અને ભાજપ વચ્ચે થવાનો છે. દરમિયાન, કોંગ્રેસમાં આંતરિક કલહ ચરમસીમા પર છે અને નિષ્ણાતોનું કહેવું છે કે આં આંતરિક કલહ ઈન્ડિયા બ્લોક માટે સત્તા સુધી પહોંચવામાં મુશ્કેલીઓ ઊભી કરશે.
શુક્રવારે કૉંગ્રેસ દ્વારા સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સંવાદ કાર્યક્રમ પહેલા જ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલની સામે કોંગ્રેસની અંદરનો વિવાદ સામે આવ્યો હતો. પાર્ટી માટે આ આંતરકલહનો સામનો કરવો એક મોટો પડકાર બની ગયો છે.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડની શાળામાંથી 1.15 કરોડ રોકડા મળ્યા, ભાજપા નેતાની સંડોવણી
નિષ્ણાતોનું માનવું છે કે જો રાજ્યમાં INDIA બ્લોકની સત્તા જાળવી રાખવી હોય તો તેમાં કોંગ્રેસની ભૂમિકા મહત્વની હોવી જોઈએ, પરંતુ જે રીતે ટિકિટની વહેંચણીને લઈને પાર્ટીમાં વિવાદ ઊભો થયો છે તે જોતા INDIA બ્લોક માટે મુશ્કેલી વધી રહી છે. તાજેતરમાં આયોજિત સંવાદ કાર્યક્રમમાં ભાગ લેનાર કેસી વેણુગોપાલની સામે પક્ષના કાર્યકરો અને નેતાઓએ જ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. કાર્યકરોનો ગુસ્સો એટલો હતો કે કેસી વેણુગોપાલ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને કાર્યકરોના સૂત્રોચ્ચારને કારણે તેઓ 6 થી 7 મિનિટ સુધી બોલી શક્યા ન હતા.
જો કે, આ માત્ર પાર્ટીનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો, પરંતુ તેમાં સામેલ આગેવાનો અને કાર્યકરોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તમામ ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને ચૂંટણી માટે ટિકિટોની વહેંચણી કરવામાં આવી છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ટિકિટો વેચવામાં આવી છે. પાંકીમાં (અહીંનો એક વિસ્તાર) તો એક મહિના પહેલા પાર્ટીમાં જોડાયેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તો વળી, બરહીમાં સીટીંગ ધારાસભ્યની ટિકિટ કાપીને જેમની એન્ટ્રી બે વર્ષ પહેલા થઈ હતી, તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ધનબાદમાં પણ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી તેનો વિરોધ થઈ રહ્યો છે. એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે 20થી 30 વર્ષથી પાર્ટીના વફાદાર અને પાર્ટીને રાજ્યમાં જીવંત રાખનાર કાર્યકરોની અવગણના કરવામાં આવી છે. સંવાદ કાર્યક્રમમાં પાર્ટીએ એસસી સીટ માટે ઉમેદવારો કેમ ઉભા ન કર્યા એવો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો હતો. આ સિવાય એવો સવાલ પણ કરવામાં આવ્યો હતો કે કાંકેથી 4 વખત ચૂંટણીમાં હારેલા ઉમેદવાર પર વિશ્વાસ વ્યક્ત કરવાનું કારણ શું છે?
આ પણ વાંચો: ASSEMBLY ELECTION: મહાયુતિમાં ભાજપ, મહાવિકાસ આઘાડીમાં કૉંગ્રેસ મોટો ભાઈ
ગત રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે 31માંથી 16 સીટો જીતી હતી. જ્યારે હેમંત સોરેનની જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા)ને 30 બેઠકો મળી હતી. આરજેડી અને ડાબેરી પક્ષોને એક-એક સીટ મળી હતી. NCPએ પણ હેમંત સરકારને ટેકો આપ્યો હતો. એવી ચર્ચા છે કે આ વખતે પણ જેએમએમના નેતૃત્વમાં સરકાર ત્યારે જ બની શકે છે જ્યારે કોંગ્રેસ પણ 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરે. જો આમ નહીં થાય તો સત્તા ટકાવી રાખવી મુશ્કેલ બની શકે છે. અને હાલમાં આવું થતું હોય તેવું લાગતું નથી કારણ કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો પોતે ઉમેદવારોની પસંદગીને લઈને પોતાની જ કોંગ્રેસ પાર્ટી પર સવાલો ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં ટિકિટ વેચવાના આક્ષેપો પણ કરી રહ્યા છે. તેઓ નબળા ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાની વાત કરી રહ્યા છે. તેથી એક વાત તો સ્પષ્ટ છે કે 30 બેઠકો પર લડી રહેલી કોંગ્રેસ INDIA બ્લોકના માર્ગમાં નબળી કડી સાબિત થઈ શકે છે.