મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં એકતરફી તેજીને બ્રેક લાગતા લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં બે મહિનાની નીચી સપાટીએથી ૧.૩ ટકા જેટલો અને ચાંદીના ભાવમાં ૧.૮ ટકા જેટલો ઉછાળો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આગલા બંધની સરખામણીમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૬૪થી ૧૦૬૯નું અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૧૮૬નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને બંધ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત શુક્રવારે સ્થાનિક ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન ગુરુનાનક જયંતી નિમિત્તે ધોરણે બંધ રહ્યું હોવાથી ભાવની સત્તાવાર ધોરણે જાહેરાત નહોંતી થઈ. જોકે, આજે વિશ્ર્વ બજાર પાછળ ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ ગત ગુરુવારના બંધ સામે રૂ. ૧૦૬૪ના બાઉન્સબૅક સાથે રૂ. ૭૪,૫૦૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૬૯ વધીને રૂ. ૭૪,૮૦૮ના મથાળે રહ્યા હતા.
જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની લગ્નસરાની ખપપૂરતી માગ જળવાઈ રહી હતી. વધુમાં આજે ૯૯૯ ટચ ચાંદીમાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૮૬ના ઉછાળા સાથે રૂ. ૮૯,૨૮૯ના મથાળે રહ્યાં હતાં.
ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં ૧.૬ ટકા જેટલો ઉછાળો આવવાની સાથે રોકાણકારોની વેચવાલીના દબાણ હેઠળ સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં તેજી અટકતા લંડન ખાતે સત્રના આરંભમાં સોનાના ભાવમાં ચમકારો જોવા મળતાં હાજરમાં ભાવ આગલા બંધ સામે ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૫૯૩.૩૨ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૧.૧ ટકા વધીને ૨૫૯૭.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૮ ટકા વધીને ૩૦.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જો ડૉલર ઈન્ડેક્સમાં રોલઓવર જળવાઈ રહેશે તો સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળશે, એમ આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે અમેરિકી નીતિ ઘડવૈયાઓ આગામી ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં કાપ મૂકીને જાન્યુઆરીમાં વ્યાજદર યથાવત્ રાખવાનું પ્લેટફોર્મ તૈયાર કરશે જે સોનામાં તેજી માટેનું અવરોધક પરિબળ પુરવાર થઈ શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વર્તમાન સપ્તાહમાં અમેરિકી ફેડરલના અંદાજે સાત અધિકારીઓનાં વક્તવ્ય ઉપરાંત અમેરિકાના ફુગાવાના ડેટા પર રોકાણકારોની મીટ મંડાયેલી રહેશે કેમ કે આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાતનો નિર્ણય મુખ્યત્વે ફુગાવાના ડેટા પર અવલંબિત રહેશે.
જોકે, ગત શુક્રવારે જાહેર થયેલા અમેરિકાના ઑક્ટોબરનાં રિટેલ વેચાણના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી અમેરિકી અર્થતંત્રમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું હોવાનો નિર્દેશ હોવાથી આગામી ૧૭-૧૮ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ જળવાઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે બીએમઆઈના એનાલિસ્ટે વર્ષ ૨૦૨૪ના શેષ ચોથા ત્રિમાસિકગાળાથી વર્ષ ૨૦૨૫નાં પહેલા ત્રિમાસિકગાળા સુધી સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૨૦૦થી ૨૬૦૦ ડૉલરની રેન્જમાં રહેવાની ધારણા મૂકી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને