-ભાણદેવ
જેમ રથનું તેમ જીવનરથનું પણ છે. જીવનયાત્રા અનેક પરિબળો પર અવલંબે છે. આમાંનાં કોઇ એક કે અનેક પરિબળો વિસંવાદી બને એટલે જીવનરથની ગતિ પણ સુચારુ સ્વરૂપે ચાલતી નથી. આમ બને એટલે જીવનયાત્રામાં વિધ્નો આવે છે. આવી વિસંવાદી પરિસ્થિતિના એક પરિણામસ્વરૂપે ‘અનિદ્રા’ની પરિસ્થિતિ કે બીમારી આવી શકે છે.
આમ વ્યક્તિત્વમાં ઊભો થયેલો વિસંવાદ અનિદ્રાનું પ્રધાન કે ઉપાદાનકારણ છે.
(૧) અનિદ્રાના સ્વરૂપને સમજવા માટે જાગૃતિમાંથી નિદ્રામાં જવાની પ્રક્રિયા સમજી લેવી જોઇએ. આપણે જાગૃત અવસ્થામાંથી નિદ્રા-અવસ્થામાં કેવી રીતે પ્રવેશીએ છીએ? નિદ્રામાં પ્રવેશતાં પહેલાં શું બને છે? જો આપણે નિદ્રામાં પ્રવેશવાની આ પ્રક્રિયા સમજી શકીએ તો અનિદ્રાની કારણમીમાંસ પર ખૂબ સારો પ્રકાશ પડશે.
જાગૃત અવસ્થામાં આપણું મન અનેક સ્થાને, અનેક વિષયમાં વહેંચાવેલું હોય છે. આપણું મન વેરવિખેર હોય છે. જાગૃત અવસ્થામાં અમેકાગ્ર બનેલું મન-અનેક વિષયોમાં વેરવિખેર બનેલું મન એકાગ્ર બને છે. વેરવિખેર બનેલું મન એક સ્થાને પાછું ફરે છે. એકાગ્ર બનેલું મન ધીમેથી, ભલે બેભાન રીતે, નિર્વિષય બને છે. મન પોતાનામાં જ સંકેલાઇ જાય છે, મન પોતાનામાં જ સમાઇ જાય છે.
આ રીતે મન પોતાના સ્વરૂપમાં લીન બની જાય તે જ નિદ્રાવસ્થાનો પ્રારંભ છે. નિદ્રાવસ્થામાં મન નિર્વિષય બની જાય છે. મન પોતાના સ્વરૂપમાં જ લીન બની જાય છે. આ પ્રક્રિયા બેભાન રીતે બને છે. કારણ કે નિદ્રાવસ્થામાં મન પર તમોગુણનું આવરણ આવી જાય છે.
(૨) સમાધિ-અવસ્થામાં પણ મન નિર્વિષય બની જાય છે. સમાધિ-અવસ્થામાં પણ મન પોતાના સ્વરૂપમાં લીન બની જાય છે.
આમ છતાં નિદ્રાવસ્થા અને સમાધિ-અવસ્થામાં ભેદ એ છે કે નિદ્રાવસ્થામાં આ ઘટના પ્રાકૃતિક રીતે અને બેભાનાવસ્થામાં બને છે. સમાધિ-અવસ્થામાં આ ઘટના સંપૂર્ણ જાગૃત રીતે બને છે.
નિદ્રાવસ્થા તમોગુણની અવસ્થા છે. સમાધિ-અવસ્થા ગુણાતીત અવસ્થા છે. નિદ્રાવસ્થામાં ચેતના નિમ્ન સ્તર પર આવે છે. સમાધિ-અવસ્થામાં ચેતના ઊર્ધ્વ સ્તર પર પ્રતિષ્ઠિત થાય છે કે આત્મસ્વરૂપમાં લીન બની જય છે. તેથી જ નિદ્રા દ્વારા માનવના જીવનનું રૂપાંતર થતું નથી. સમાધિ દ્રારા માનવના જીવનનું આમૂલાગ્ર રૂપાંતર સિદ્ધ થાય છે.
હવે જો કોઇક કારણસર મનની આ સંકેલાઇ જવાની પ્રક્રિયા- પોતાના સ્વરૂપમાં લીન બની જવાની પ્રક્રિયા ન બને તો જાગૃત અવસ્થામાંથી નિદ્રાવસ્થામાં પ્રવેશ થઇ શક્તો નથી.
વેરણછેરણ બનેલું મન એકાગ્ર બનીને નિર્વિષય ન બની શકે. અર્થાત્ મનની પોતાના સ્વરૂપમાં લીન બની જવાની ઘટના કોઇક કારણસર ન બને તો નિદ્રાવસ્થામાં પ્રવેશ થઇ શક્યો નથી. કોઇ વાર આવા એકલદોકલ પ્રસંગો બને અને ત્યારે ઇચ્છા છતાં નિદ્રા ન આવે એવી ઘટના તો પ્રત્યેકના જીવનમાં બને જ છે, પરંતુ આવી ઘટના નિત્યની સમસ્યા બની જાય ત્યારે આપણે તેને અનિદ્રાની બીમારી ગણીએ છીએ.
(૩) આયુર્વેદમાં અનિદ્રાને વાતજન્ય બીમારી ગણવામાં આવે છે. વાયુ ચંચળ છે. વાયુના પ્રકોપને કારણે ચિત્તની ચંચળતા વધી જાય છે. આ ચંચળતાને કારણે મનની પોતાના સ્વરૂપમાં લીન બનવાની ઘટનામાં બાધા ઉપસ્થિત થાય છે. પરિણામે અનિદ્રાની સમસ્યા ઉપસ્થિત થાય છે. વૃદ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ થાય છે. વૃદ્ધાવસ્થામાં અનિદ્રાની સમસ્યા વિશેષ સ્વરૂપે જોવા મળે છે.
(૪) કોઇ ગંભીર શારીરિક બીમારીને કારણે પણ અનિદ્રાની સમસ્યા ઉપસ્થિત થઇ શકે છે.
(૫) કોઇ બહુ મોટો માનસિક આઘાત લાગ્યો હોય તો તે કારણે અનિદ્રાની સમસ્યા ઉપસ્થિત થઇ શકે છે.
(૬) મનની નિમ્નલિખિત અવસ્થતાને કારણે પણ અનિદ્રાની સમસ્યા ઉપસ્થિત થઇ શકે છે:
(1) તાણ (stress)
(2) ચિંતા (anxiety)
(3) ભય (fear)
ગંભીર શારીરિક બીમારી, માનસિક આઘાત, તાણ, ચિંતા અને ભયને કારણે પણ આખરે તો એમ જ બની છે કે વ્યક્તિત્વને સંવાદિતાનો ભંગ થાય છે અને મન અનેકાગ્રતામાંથી એકાગ્ર બનીને આખરે પોતાના સ્વરૂપમાં લીન બની જાય તે પ્રક્રિયામાં બાધા ઉપસ્થિત થાય છે, જેનું પરિણામ અનિદ્રા છે.
અનિદ્રાને કારણે શરીર-મનને આરામ મળતો નથી. આમ બનવાને પરિણામે વ્યક્તિનાં શરીર-મનમાં સતત થાક અને વ્યાકુળતા અનુભવાય છે. વ્યક્તિ બેચેન અને ચિંતિત બની જાય છે. સ્વાભાવિક રીતે જ આ અવસ્થામાં વ્યક્તિ નિદ્રા પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે.
આ પ્રયત્ન નિદ્રાપ્રાપ્તિમાં એક બાધા બની જાય છે. નિદ્રા તો પ્રયત્નશૂન્યતામાંથી આવે છે. પ્રયત્ન તો નિદ્રામાં બાધા કરે જ. આમ અનિદ્રા અને અનિદ્રાને લીધે નિદ્રાનો પ્રયત્ન અને આ પ્રયત્નને કારણે વધુ અનિદ્રા- આ એક વિષયક્ર બની જાય છે. તેથી અનિદ્રા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
૪. અનિદ્રાની ચિકિત્સા:
(૧) પ્રાણધારણા:
અનિદ્રાની પ્રધાન ચિકિત્સા પ્રાણધારણા છે.
પ્રાણધારણાની વિધિ નીચે પ્રમાણે છે.
પોતાને અનુકૂળ હોય તેવી પોચી પથારીમાં સૂઇ જાઓ. ચત્તા પણ સૂઇ શકાય કે પડખું ફરીને પણ સૂઇ શકાય છે. અનુકૂળતા પ્રમાણે ઓશીકાનો ઉપોગ કરી શકાય છે. શરીરને વધારેમાં વધારે આરામપ્રદ લાગે તે અવસ્થામાં – શયન માટે ધારણ કરીએ છીએ તે સ્વરૂપની અવસ્થામાં શરીરને ગોઠવો.
ટૂંટિયું વાળીને કે ઊંધા સૂવું કે એવી કઢંગી અવસ્થામાં શરીરને મૂકવું નહીં. અનુકૂળ અવસ્થામાં શરીરને ગોઠવ્યા પછી ધ્યાન શ્વાસોચ્છવાસ પર રાખો. કોઇ પણ પ્રકારના તણાવ વિના સહજ સ્વાભાવિક રીતે મનને શ્વાસોચ્છવાસની ક્રિયા સાથે જોડેલું રાખો. શ્વાસનો પ્રવાહ નાક વાટે અંદર જાય છે અને શ્વાસનો પ્રવાહ નાક વાટે બહાર જાય છે- આ સતત ચાલતી પ્રક્રિયાને શાંતભાવે-પ્રયાસ વિના જોયા કરો. શ્વાસ સાથે ધ્યાન જોડવાની કળા આવડી જાય એટલે શ્ર્વાસ સાથે અંદર અને બહાર જતી હવાના સ્પર્શનો અનુભવ કરો. હવા જ્યારે બહાર આવે છે, ત્યારે નાક અને હોઠ પર જે સ્થાને હવાનો સ્પર્શ થાય છે તે સ્થાન પર હળવું ઉષ્ણ સંવેદન અનુભવાશે. આ સંવેદન જાગૃતિપૂર્વક અનુભવો. તે જ રીતે હવા જ્યારે નસકોરાં વાડે અંદર જાય છે ત્યારે નાકની અંદરની સપાટી પર ઠંડકનું સંવેદન અનુભવાશે. આ ઠંડકના સંવેદનને જાગૃતિપૂર્વક અનુભવો.
શ્વાસની આવનજાવન સાથે આ ઠંડા-ગરમ સંવેદનનો શાંતભાવે આયાસ વિના, જાગૃતિપૂર્વક અનુભવ કરો. વસ્તુત: શ્વાસોચ્છવાસ સાથે આ ઠંડા-ગરમ સંવેદનનો અનુભવ તો સતત થતો જ હોય છે. પરંતુ આવા સૂક્ષ્મ અનુભવ વિશે આપણે સભાન કે જાગૃત હોતા નથી. હવે આપને આ સંવેદનો પ્રત્યે સભાન બનવાનું છે- જાગૃત બનવાનું છે અને જાગૃતિપૂર્વક આ સંવેદનોનો અનુભવ કરવાનો છે.
આ સમગ્ર પ્રક્રિયા કોઇ પણ પ્રકારના આયાસ વિના- કોઇ પણ પ્રકારના તણાવ વિના થવી જોઇએ. જો આપણે આયાસ અને તણાવ સાથે આ પ્રક્રિયા કરીએ તો તે અનિદ્રામાં સહાયક થશે, નિદ્રામાં નહીં. આપણે તો અનિદ્રામાંથી મુક્ત થઇને નિદ્રાની પ્રાપ્તિ કરવી છે, તેથી આયાસ અને તણાવ ઉત્પન્ન ન થાય તેવી સતત જાગૃતિ રાખવી આવશ્યક છે.
શરીર સાવ ઢીલું રાખો, મન શાંત રાખો અને ધ્યાનને શ્ર્વાસ પર લગાડી રાખો. અને શ્ર્વાસ સાથે અનુભવાતી શીત-ઉષ્ણ સંવેદનાઓ પ્રત્યે એકાકાર બનતા જઇશું. તેમતેમ શરીર વધુ ને વધુ ઢીલું બનતું જશે. આ પ્રકારના અભ્યાસને પરિણામે ભટકતું અને વીખરાયેલું મન ધીમેધીમે એકાગ્ર બનવા માંડશે, મનની પોતાના જ સ્વરૂપમાં લીન બનવાની પ્રક્રિયામાં બનવા માંડશે, આંખ ઘેરાવા લાગશે અને આમ ઊંઘનો પ્રારંભ થશે.
ઊંઘ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન ન કરો, ઊંઘ પ્રાપ્ત કરવા માટે આકુળવ્યાકુળ ન બનો, કારણ કે આ પ્રકારનો પ્રયત્ન- આ પ્રકારની વ્યાકુળતા ઊંઘના આગમનમાં બાધારૂપ બની શકે છે. નિરાયાસપણું સતત જાળવી રાખવાનું છે.
આ પ્રકારનો અભ્યાસ ધીરજપૂર્વક ચાલુ રાખો. ધીમેધીમે રિસાઇ ગયેલાં નિદ્રાદેવી પ્રસન્ન થશે, આપણાં શરીર અને મન પર તેમની કૃપા થશે.
દિવસમાં ત્રણ કે ચાર વાર આ પ્રકારનો અભ્યાસ કરી શકાય છે. નિદ્રાના સમયે પ્રારંભમાં આ પ્રાણધારણાનો ખાસ અભ્યાસ કરવો.
પ્રાણધારણામાંથી સીધો જ નિદ્રામાં પ્રવેશ થાય તો તે આવકાર્ય છે. પ્રાણધારણા જાગ્રત અવસ્થામાંથી નિદ્રાવસ્થામાં પ્રવેશ કરવા માટેનું દ્વાર છે- એક સોપના છે તેમ સમજવું જોઇએ.
(૨) શવાસન:
પ્રાણધારણા અને શવાસન વચ્ચે કેટલીક સમાનતા છે. છતાં તે બંને ભિન્નભિન્ન અભ્યાસ છે. બંનેને એક સમજવાનાં નથી. શવાસન પણ અનિદ્રામાંથી મુક્ત થવા માટે એક મૂલ્યવાન અભ્યાસ સદ્ધિ થઇ શકે તેમ છે. શવાસનનું વિગતવાર વર્ણન ‘તાણા (તિિંયતત)ની યૌગિક ચિકિત્સા’ નામના પ્રકરણમાં આપેલ છે, તેથી અહીં પુનરાવર્તન અનાવશ્યક છે.
અહીં આપણે એટલું અવશ્ય જોઇએ કે શવાસનના અભ્યાસથી અનિદ્રાની સમસ્યાથી મુક્ત થવામાં કઇ રીતે સહાયતા મળે છે, અર્થાત્ અનિદ્રામાંથી મુક્ત થવામાં શવાસન કંઇ રીતે સહાયભૂત બને છે.
(શ) મન એકાગ્ર બને અને આખરે પોતાનામાં લીન બને- આ ઘટના નિદ્રામાં પ્રવેશવા માટે આવશ્યક છે. શવાસનના અભ્યાસથી આ પ્રક્રિયા હાથવગી બને છે.
(શશ) શવાસનથી ‘તાણ’માંથી મુક્તિ મળે છે. જેથી અનિદ્રામાંથી મુક્ થવામાં સહાય મળે છે.
(શશશ) વ્યક્તિત્વની ખંડિત થયેલી સુસંવાદિતાને પુન: સ્થાપિત કરવામાં શવાસન સહાયભૂત થાય છે.
(શદ) શવાસનના અભ્યાસથી શરીરને ઢીલું અને મનને શાંત બનાવવાની કળા હસ્તગત થાય છે, જે નિદ્રાપ્રાપ્તિ માટે સહાયભૂત થાય છે.
(૩) ઉજજાયી પ્રાણાયામ (સરલ સ્વરૂપ) :
ઉજજાયી પ્રાણાયામ (સરલ સ્વરૂપ)નું વિગતવાર વર્ણન ‘તાણા (તિિંયતત)ની યૌગિક ચિકિત્સા’ નામના પ્રકરણમાં આપવામાં આવેલ છે, તેથી અહીં પુનરાવર્તન નહીં કરીએ.
અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉજજાયી પ્રાણાયામના અભ્યાસથી અનિદ્રાની સમસ્યાના નિરાકરણમાં કેવી રીતે સહાય મળે છે.