-સુભાષ ઠાકર
હે વાચક, તું સાચ્ચેસાચું કહેજે, તેં તારા જીવનકાળ દરમિયાન ધન-રૂપનું મહોરું પહેરાવીને શરીર, કીર્તિ, પ્રતિષ્ઠા, નામનાને બચાવવા, જાળવવા ને વધારવા સિવાય બીજા શેમાં ધ્યાન આપ્યું છે?
ભક્તિના ત્રણ પ્રકાર: દેહભક્તિ- દેવભક્તિ- દેશભક્તિ…. હવે દેહભક્તિ કરી દેશ સાચવ્યો હશે તો જ દેવભાવ ને દેશભક્તિ થઈ શકશે. બાકી જો દેહ જ ન હોય દેવ કોઈની શું કામ, મારી જ વાત કરું ને. હમણાં હું ચોખાની બોરી સાથે ચંબુની રિક્ષામાં બેઠો ને એણે જે રિક્ષા ભગાવી… જાણે હિમાલયમાંથી અલકનંદા (ગંગા) તમામ અવરોધોને ગણકાર્યા વગર ટોચ પરથી તળેટીના સાગરને મળવા અધીરી બની દોડતી હોય એમ તમામ ખાડાટેકરા કે સ્પીડબ્રેકરોની અવગણના કરી ધડાકધૂમ ધૂમધડાક કરતી આગળ વધી રહી હતી.
મારાં તમારા અંગો સાથે હું સીટ પર જ સાગરનાં મોજાંની જેમ એકથી દોઢ ફૂટ ઊંચો ઊછળતો હતો. મને હવે લાગવા લાગ્યું કે આ ઊછળકૂદમાં કદાચ કિડનીની જગ્યાએ લિવર, લિવરની જગ્યાએ આંતરડાં, હૃદય ડાબી બાજુથી જમણી બાજુ આડુંઅવળું થઈ જશે. મને ડર લાગ્યો, ખબર નહોતી પડતી કે હું રિક્ષામાં બેઠો છું કે નાવડીમાં. લોકો ભલે કહેતા હોય કે આપણું મૃત્યુ એ ઈશ્ર્વરની અંતિમ ઈચ્છા હોય, પણ મને આજે શંકા ગઈ કે મારું મૃત્યુ એ ચંબુ રિક્ષાવાળાની અંતિમ ઈચ્છા હશે.
Also read: તંદુરસ્તી-મનદુરસ્તી : આપણે જાગૃત અવસ્થામાંથી નિદ્રા-અવસ્થામાં કેવી રીતે પ્રવેશીએ છીએ?
ગંગાની મંઝિલ સાગર હતી. આઈ મીન, સાગરને મળીને શાંત થઈ જાય, પણ આ રિક્ષાની સ્પીડ મને જ કાયમ માટે શાંત કરી દેશે એવું લાગ્યું. અંતે મેં ગભરાતાં-ગભરાતાં રિક્ષાને સાઈડમાં લેવા કીધું તો ચંબુ બોલ્યો: ‘અંકલ, રિક્ષાની બ્રેક ખરાબ છે. કાંદિવલી બ્રેક મારો તો બોરીવલી ઊભી રહે.’
હવે મને ભાન થયું કે રિક્ષાની સ્પીડ હતી, પણ બ્રેક નહોતી. એથી ચંબુને એક સ્પીડબ્રેકર નજરે ચડ્યું તો પણ ચંબુએ ધીરજ રાખી: ‘અંકલ, ચિંતા ન કરો. હમણાં કોઈ દીવાલ સાથે અથડાવીશને રિક્ષા…’
‘અરે, એય અથડાવવાની માસી, સાલું અત્યારે તો તું ક્યાંથી અથડાયો એ નથી સમજાતું. તું માર પર દયા કર, કૃપા કર. આ મારી પાસે જે બોરી છે એમાં ચોખા છે ને એ ચોખા મારા કારજના પિંડ માટે નથી, સમજ્યો?’
‘એટલે?’
એટલે એમ કે જો રિક્ષા ચાલુ હોય ને મારું શરીર કાયમ માટે બંધ થઈ જાય તો મારા પરિવારજનો આ ચોખામાંથી ભાતને બદલે પિંડદાન આપી મને મોક્ષ અપાવશે. મારે હમણાં આવો મોક્ષ ન જોઈએ.’
‘અરે તમે પણ અંકલ, એવા લોટના પિંડથી મુક્તિ મળતી હોય તો આપણા ઋષિમુનિઓ ધ્યાન, તપ, જાપ કે યોગ શું કામ કરતા હોત?’
અજ્ઞાની દેખાતા ચંબુના મગજના ચંબુમાં જ્ઞાનનું પાણી ભર્યું છે એ કેમ ખબર પડે?
‘ચાલો અંકલ, હું બીજી રિક્ષા કરી આપું.’ મિત્રો, બીજી રિક્ષામાં બેઠો તો ખરો, પણ કાગડા બધે કાળાની જેમ રિક્ષાવાળા બધા આવા જ હતા. તેની રિક્ષા પણ વિમાનગતિએ ઊડતી હતી. મારા મગજમાં બિહામણી શાયરીઓ પ્રગટ થવા લાગી:
ક્યોં હમેં રોઝ મૌત પૈગામ દિએ જાતે હૈં
યે સાઝા કક્યા કમ હૈ હમ ઐસે હી જીએ જાતે હૈં મેં એ રિક્ષાચાલકને પૂછ્યું: ‘તું રિક્ષા-ડ્રાઈવર પહેલાં પાઈલટ હતો?’
ત્યાં તો એની રિક્ષા મંગળયાન ગતિએ આગળ વધી. મારા મગજમાં બીજી શાયરી ઊગી : ન જાણે મોત કેવું રૂપ લઈને આવશે તારું કિસ્સો હશે ઘડીભરનો, એટલું સમજાય તો સારું જોકે એ વખતે મને તો એટલું સમજાતું હતું કે મારે મરણ માટે હવે કોઈ મહેનત કરવી નહીં પડે. મેં ગુસ્સામાં ગભરાયેલા અને થોડા મોટા અવાજે એનો ખભો પકડી કીધું :
‘એય, રિક્ષા ધીરે ચલાવ. ધ્યાન રાખ, ઘરે ચાર છોકરા છે.’
રિક્ષાવાળો ટેબલફેનની જેમ ડોકી ફેરવી બોલ્યો: ‘એમાં ધ્યાન મારે ક્યાં રાખવાનું હતું?’ માય ગોડ! એના વિધાનથી મને ઠંડીમાં પરસેવો વળવા લાગ્યો.ને વાત તો સાચી જ હતી. ચાર-ચાર છોકરાં થયા ત્યાં સુધી મોંઘવારીમાં કેમ જિવાડીશ એનું ધ્યાન જ ન રહ્યું.
Also read: હેલ્થઃ સવારે ઊઠતાં જ તમે ઉદાસી અનુભવો છો…આ મોર્નિંગ એન્ગઝાઈટી તો નથી?
છતાં મેં કીધું :
‘એ ડફોળ, તું ધ્યાન નહીં રાખે ને હું ઊકલી જઈશ તો એમનું ધ્યાન કોણ રાખશે?’ ‘એ જ તો ભ્રમ છે અંકલ, કે અત્યારે હું ધ્યાન રાખીશ તો મોટા થઈ તે મારું ધ્યાન રાખશે, બરાબર? પણ સાચું પૂછો તો આપણે ધ્યાન રાખવાવાળા કોણ? આપણને ધ્યાન એટલે શું એ જ ખબર નથી. જેની ખબર નથી તેનું ધ્યાન કેમ રખાય?
છોકરાઓના ધ્યાન કરતાં તમે વિચારો કે પોતે ક્યાં છીએ, શું કામ છીએ એ જ ભૂલી ગયા છીએ. ટૂંકમાં પોતે જ પોતાના માટે બેખબર બની ગયા છીએ. આપણું શરીર અને નામ બન્ને ઉધારનાં છે ને છતાં મારાં છે એવા ભ્રમમાં છીએ. આ સંબંધો મારા છે ને હું બધાનો છું એ ભ્રમમાંથી મુક્તિ એનું નામ ધ્યાન.’
હવે તો મને પણ લાગ્યું કે જે દેહ સાચવવા ધમપછાડા કર્યા એ દેહ મારો છે ખરો? ત્યાં રિક્ષાવાળો બોલ્યો :
‘આલો અંકલ, તમારા ઈંટ, સિમેન્ટ ને લાકડાના ઘરની મંઝિલ આવી ગઈ; પણ શરીરની યાત્રાની મંઝિલ પરમાત્મા જ છે એટલું યાદ અને ધ્યાન રાખજો.’
ડિયર વાચક, મેં આખી વાત ધ્યાનથી લખી છે, તમે ધ્યાનથી વાંચી?
શું કહો છો?
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને