તમિલ રાજકારણમાં વધુ એક સ્ટારની એન્ટ્રી

2 hours ago 2

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

તમિલનાડુમાં વધુ એક સુપરસ્ટારે રાજકારણમાં એન્ટ્રી મારી છે. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા વિજયે તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) પાર્ટી થોડા સમય પહેલાં લોંચ કરેલી. વિજયે બે ફેબ્રુઆરીએ પોતાની પાર્ટી લોન્ચ કરી હતી. બાવીસ ઓગસ્ટે પાર્ટીનો ઝંડો અને પ્રતીક લોન્ચ કર્યાં પછી ચૂંટણી પંચે ૮ સપ્ટેમ્બરે તેમના પક્ષને રાજકીય પક્ષ તરીકે સત્તાવાર માન્યતા આપી હતી.

હવે થલપથી વિજયે ચૂંટણી પ્રચાર પણ શરૂ કર્યો છે. વિજયે વિલ્લુપુરમમાં પોતાની પાર્ટીના પ્રથમ સંમેલનને સંબોધિત કર્યું તેમાં તમિલનાડુમાં પરિવર્તનની જરૂરિયાત હોવાનો હુંકાર કરીને પોતાની પાર્ટી ભાજપ અને ડીએમકે-કૉંગ્રેસ બંનેની વિરુધ્ધ હોવાનું સ્પષ્ટ કર્યું. વિજયના કહેવા પ્રમાણે, ભાજપ તમિલગા વેત્રી કઝગમની વૈચારિક હરીફ છે, જ્યારે ડીએમકે તેની રાજકીય હરીફ છે. મતલબ કે, ડીએમકેની વિચારધારા સામે વિજયનને કોઈ વાંધો નથી.

વિજયે ડીએમકે સામે પોતાને શું વાંધો છે એ પણ ઈશારા ઈશારામાં કહી દીધું. ડીએમકેનું નામ લીધા વિના વિજયે તેને એક સ્વાર્થી પરિવારની પાર્ટી ગણાવીને કહ્યું કે, એક પરિવાર ખાનગીમાં વ્યવહારો કરીને લોકોને લૂંટી રહ્યો છે. એક પરિવાર રાજ્યની જનતાને સતત લૂંટી રહ્યો છે. આ પરિવાર દ્રવિડ મોડલના નામે લોકોને છેતરે છે, અંડરગ્રાઉન્ડ ડીલ કરે છે અને લઘુમતીને છેતરીને સાથે દગો કરવા માટે અન્ય લોકો એટલે કે ભાજપ સામે ફાસીવાદનો આક્ષેપ કરે છે.

વિજયે પોતે દ્રવિડ ચળવળના પ્રણેતા મનાતા પેરીયારના સિધ્ધાંતો પર ચાલવાનું એલાન પણ કર્યું છે. વિજયે નવા નવા રાજકારણમાં આવનારા કરે છે એવી સિધ્ધાંતોની ને બીજી ડાહી ડાહી વાતો પણ કરી છે.

વિજયના કહેવા પ્રમાણે, નફરતનું રાજકારણ અને વિભાજનની રાજનીતિ સૌથી મોટા દુશ્મન છે તેથી હું રાજકીય શિષ્ટાચાર જાળવીશ. હું તમિલનાડુમાં એક મુખ્ય તાકાત બનવા માગુ છું તેથી મારી પાર્ટી સામાજિક ન્યાય અને મહિલા સશક્તિકરણ પર દ્રવિડિયન આઇકોન પેરિયારની નીતિ અપનાવશે.

વિજયે એ પણ સ્પષ્ટ કર્યું કે, તેનો એજન્ડા તમિલનાડુની અસ્મિતા છે તેથી તમિલનાડુના સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું તેની પાર્ટીનું અભિયાન છે. તમિલ ભાષાને અદાલતો અને મંદિરોની ભાષા તરીકે માન્યતા આપવી જોઈએ. વિજયે તેની પાર્ટી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં તમામ ૨૩૪ બેઠકો પર ચૂંટણી લડશે તેની જાહેરાત પણ કરી છે. વિજય પહેલાં જ જાહેરાત કરી ચૂક્યો છે કે રાજનીતિમાં જોડાયા બાદ તે સંપૂર્ણ સમય માત્ર લોકોની સેવા કરશે. ૩૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રિલીઝ થનારી ‘થલપથી ૬૯’ તેની છેલ્લી ફિલ્મ હશે એવું એલાન પણ વિજયે કર્યું છે એ જોતાં વિજય તમિલનાડુના રાજકારણમાં પૂરી તાકાત સાથે ઉતરવાની તૈયારી કરીને આવ્યો છે એ સ્પષ્ટ છે.

વિજયની એન્ટ્રીએ ચર્ચા જગાવી છે કેમ કે અત્યારે વિજય તમિલ સિનેમાનો સૌથી મોટો સ્ટાર મનાય છે પણ માત્ર ફિલ્મોમાં સફળતાના કારણે રાજકારણમાં સફળતા નથી મળી જતી. આ વાત તમિલનાડુના જ નહીં પણ આખા દેશમાં બધે લાગુ પડે છે. અત્યાર સુધી અમિતાભ બચ્ચનથી માંડીને સન્ની દેઓલ સુધીના ઘણા સુપરસ્ટાર રાજકારણમાં આવ્યા પણ બધા સફળ થયા નથી. ઘણાંએ પોતાના રાજકીય પક્ષ પણ બનાવ્યા પણ ચાલ્યા નથી.

વાસ્તવમાં ભારતમાં જે ફિલ્મ સુપર સ્ટાર્સ રાજકારણમાં આવ્યા તેમાંથી માત્ર ત્રણ સુપર સ્ટાર્સને જબરદસ્ત સફળતા મળી છે. એક એમજીઆર, બીજા એનટીઆર ને ત્રીજાં જયલલિતા. આ પૈકી એનટીઆરની સફળતા સૌથી જોરદાર ગણાય કેમ કે એમજીઆર અને જયલલિતા બંને કોઈના રાજકીય વારસા પર આગળ આવ્યાં હતાં.

એમ.જી. આર. ઉર્ફે મરૂધર ગોપાલન રામચંદ્રન તમિલનાડુમાં ૧૯૭૭થી ૧૯૮૭નાં દસ વર્ષ સુધી મુખ્યમંત્રી હતા. તમિલનાડુમાં અંગ્રેજ શાસનનાં સમયથી જ દ્રવિડ ચળવળ પ્રબળ બની. ૧૯૪૦ના દાયકામાં તમિલનાડુના મહાત્મા ગાંધી મનાતા પેરીયાર ઉર્ફે ઈ.વી. રામાસ્વામીએ પોતાને દલિત ને પછાત વર્ગોના મસિહા તરીકે સ્થાપિત કર્યા. પેરીયારે આઝાદી પહેલાં જસ્ટિસ પાર્ટી બનાવીને હિન્દી વિરોધી માનસિકતા સ્થાપિત કરીને લોકપ્રિયતા મેળવી હતી. પેરીયારની છત્રછાયામાં અન્નાદુરાઈ અને કરૂણાનિધિ દ્રવિડિયન ચળવળના નેતા તરીકે ઉભર્યા. અન્નાદુરાઈ અને કરૂણાનિધિએ ૧૯૪૯માં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) બનાવી.

એમજીઆર આઝાદી પછીનાં વરસોમાં કૉંગ્રેસી હતા ને ૧૯૫૩માં ડીએમકેમાં આવ્યા. અન્નાદુરાઈના નિધન પછી કરૂણાનિધિ મુખ્યમંત્રી બનતા એમજીઆરને વિખવાદ થયો ને તેમણે ૧૯૭૨માં એઆઈએડીએમકે બનાવી. ૧૯૭૭માં એ મુખ્યમંત્રી બન્યા ને ૧૯૮૭માં જીવ્યા ત્યાં લગી મુખ્યમંત્રી રહ્યા.

જયલલિતા તમિલ ફિલ્મોનાં સુપરસ્ટાર હતાં. ફિલ્મ કારકિર્દીમાં વળતાં પાણી થયાં ત્યારે તેમણે એમ.જી. રામચંદ્રનને પકડી લીધા. બંને વચ્ચે નિકટતા સ્થપાઈ ને જયલલિતાએ રાજકીય પકડ મજબૂત કરી.

એમજીઆરના નિધન વખતે તેમનાં પત્ની જાનકી થોડા સમય માટે મુખ્યમંત્રી બનેલાં પણ જયલલિતા વધારે કાબેલ
સાબિત થયાં ને પોતે એઆઈએડીએમકે પર કબજો કરી લીધો. જયલલિતા કુલ છ વાર તમિલનાડુનાં
મુખ્યમંત્રી બન્યાં ને ૧૪ વર્ષ મુખ્યમંત્રીપદ ભોગવ્યું. ભારતમાં કોઈ ફિલ્મ સ્ટાર આટલો લાંબો સમય મુખ્યમંત્રીપદે રહ્યાં નથી.

એનટીઆર આ બંનેથી ચડિયાતા છે. રામારાવ તેલુગુ ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર હતા. નંદમૂરિ તારક રામારાવ એટલે કે એનટીઆર પડદા પર પણ રામ બનતા. એનટીઆરએ ધાર્મિક ફિલ્મોમાં ભગવાનના રોલ કરી કરીને કરીને તેલુગુ પ્રજાના મનમાં ભગવાન જેવું સ્થાન મેળવ્યું ને પછી તીનો જોરદાર રાજકીય ફાયદો ઉઠાવ્યો.

રામારાવ ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા ને કુલ સાત વર્ષ જ મુખ્યમંત્રી રહ્યા પણ તેમને ચડિયાતા એટલે ગણવા પડે કે, રામારાવ માત્ર ને માત્ર પોતાના સ્ટારડમના જોરે મુખ્યમંત્રી બન્યા હતા. રામરાવે કોઈ રાજકીય પક્ષ કે વિચારધારાના ખભે રહીને રાજકીય કારકિર્દી ના બનાવી. રામારાવે માર્ચ, ૧૯૮૨માં તેલુગુ પ્રજાના સ્વાભિમાનને પુનર્સ્થાપિત કરવા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) બનાવી અને દસ મહિના પછી એ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા. કૉંગ્રેસના ઈશારે ૧૯૮૪માં ભાસ્કરરાવે બળવો કર્યો પછી રામારાવે જે લડત આપી એ જોરદાર હતી. ઈન્દિરાએ પણ તેની સામે ઝૂકવું પડ્યું ને રામારાવને ફરી મુખ્યમંત્રી બનાવવા પડ્યા.
ઈન્દિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં આખા દેશમાં કૉંગ્રેસનું રોલર ફરી વળેલું ત્યારે માત્ર એન.ટી. રામારાવે ઝીંક ઝીલી હતી. માત્ર આંધ્ર પ્રદેશમાં કૉંગ્રેસ જીતી શકી નહોતી. આંધ્ર પ્રદેશની ૪૨ બેઠકોમાંથી ૨૭ જીતીને ટીડીપી લોકસભામાં સૌથી મોટો વિપક્ષ હતો.આ ત્રણ સુપરસ્ટારની સામે ચિરંજીવીથી માંડીને વિજયકાન્ત સુધીના ઘણા સુપરસ્ટાર નિષ્ફળ પણ ગયા. વિજયનું ભાવિ કોના જેવું હશે એ સમય નક્કી કરશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article