તિરુવલ્લુર : તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં મૈસુર-દરભંગા એક્સપ્રેસ(Mysore-Darbhanga Express) અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ અકસ્માત તમિલનાડુના કાવરાપેટ્ટાઈ સ્ટેશન પાસે થયો હતો. આ ટક્કરને કારણે ટ્રેનની સ્પીડ ઓછી થઈ ગઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર ટક્કર બાદ ટ્રેનમાં આગ પણ લાગી હતી.

અકસ્માતને કારણે ટ્રાફિકને અસર

આ અકસ્માત બાદ રેલવે વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અસરગ્રસ્ત મુસાફરોની મદદ માટે મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવશે. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે હાજર છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માતને કારણે ટ્રાફિકને અસર થઈ છે.