કૌશિક મહેતા
ડિયર હની,
મોટાભાગના પરિવારોમાં વહુ આવે ત્યારે શરૂઆતમાં એના અછોવાના થાય છે. બાદમાં એના પર જવાબદારી આવતી જાય છે. ઘરના દરેક સભ્યની પસંદગી- નાપસંદગીનું ધ્યાન રાખવાનું અને આ બધી પળોજણમાં વહુને શું ગમે છે અને શું નથી ગમતું એ વાત ધીમે ધીમે ભુલાતી જાય છે. ખુદ વહુ પણ ભૂલવા લાગે છે…
Also read: પરિવર્તન ધીમે પગલે આવતું હોય છે…
બસ, આજ વાત મારે તને ખાસ કહેવી છે કે, નવા ઘરમાં નવી જવાબદારીઓ બજાવવામાં એટલી બધી બીઝી ના થઈ જતી કે ખુદને ભૂલવા લાગે. નવું ઘર છે ને નવા ઘરમાં બધાને પોતીકા બનાવવા એ સારી વાત છે, પણ ખુદને ભુલાવીને એવું ના કરવું જોઈએ.
ખુદપણું જીવતું રાખવું જોઈએ અને એ તમારી પસંદગી પર આધાર રાખે છે. એકાદ શોખ કે જે પરણ્યા પહેલો હતો એ પરણ્યા પછી મરી પરવારે એવું શા માટે થવા દેવું? મોટાભાગે સાસરિયામાં આવ્યા બાદ વહુ પોતાના શોખ ભૂલી જાય છે…પ્લીઝ, તું એવું ના કરતી.
મને ખબર છે કે, તને શું ગમે છે. પરણ્યા પહેલાં આપણે ઘણીવાર મળ્યા હતા અને ઘણી બધી વાતો થઇ હતી. એમાંથી હું એટલું જાણી ગયો હતો કે, તને ચિત્રકારીમાં રસ છે. તારા ચિત્રો પણ મેં જોયા છે. કેટલાંક ચિત્ર તો તારા ઘરની દીવાલો પર પણ જોયા હતા અને એક ચિત્ર કે જેમાં કુદરતનો અહેસાસ થાય છે એ તો આપણા બેડરૂમમાં પણ છે.
Also read: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: વાત ઈન્ડો-વેસ્ટર્ન યુવતીની…
આ ચિત્રકારી તું સાવ બંધ કરી દે એવું હું જરા ય ઈચ્છતો નથી. આ શોખ એવી વસ્તુ છે કે જે તમને તમારી સાથે રૂબરૂ કરતો હોય છે, પણ જીવનની આપાધાપીમાં આપણે એને ભૂલી જીઈએ છીએ.
તને મારી જ વાત કરું તો મને ગિટાર શીખવાનું બહુ મન રહ્યું છે. વર્ષોથી હું વિચારતો રહ્યો છું કે, ગિટાર શીખું. એક ગિટારિસ્ટ મિત્રે તો મને કહ્યું ય ખરું કે, મને રોજનો એક કલાક આપો. બે-ચાર મહિનામાં હું તમને અચ્છુ શીખવી દઈશ, પણ હું એ સમય આપી શકતો નથી એમાં ગિટાર શીખવાનું સપનું સપનું જ રહી જાય છે.
પણ તું તો શાળાના સમયથી ચિત્રો દોરે છે. મેં તારી શાળાની ડ્રોઈંગ બુક પણ જોઈ છે. પરણીને આવ્યા બાદ આવી ડ્રોઈંગ બુક તે પિયરમાં કબાટમાં કે માળિયે ચઢાવી દીધી છે. એ કબાટમાં કે માળિયે રાખવાની ચીજ નથી. આ તો તમારા ઓરડામાં હાથ ચઢે એવી રીતે રાખવી જોઈએ, જે તમને યાદ અપાવ્યા કરે કે, તમારા હાથમાં કોઈ કારીગરી છે જે તમે અજમાવતા નથી. આપણે ભૂલી જઈએ તો એ ચિત્રો આપણને યાદ અપાવે છે અને આપણામાંના નાના-મોટા કલાકારને એ જીવતો રાખે છે.
મોટાભાગે પરણીને આવનારી યુવતી સાસરામાં આવી પોતાના શોખને દામ્પત્ય કે કુટુંબ જીવનના યજ્ઞમાં હોમી દે છે. ઘણા ઘરોમાંય વહુ પોતાના શોખ ખાતર કૈક કરતી હોય તો એ પસંદ નથી કરાતું. એ મુદ્ે ટીકા સહન કરવી પડતી હોય છે. જેમ કોઈ પણ ઘરમાં દીકરી માટે કેટલાક નિયમો અને બંધન હોય છે એમ જ દરેક ઘરમાં વહુ માટે ય વણલખ્યા નિયમ હોય છે. દીકરી અને વહુમાં ફર્ક સમજવામાં આવે છે.
Also read: મેલ મેટર્સ : બિઝી રહેવું ને સ્ટ્રેસ્ડ રહેવું એ બંનેમાં ફરક છે.. જરા સમજોને, યાર
પણ હું તને વિશ્ર્વાસથી કહું છું કે, મારા ઘરમાં એવું નહિ બને અને એવું બન્યું તો હું તારા પક્ષે હમેશ રહેવાનો. એટલે સાસરિયે આવી નવી જવાબદારીઓમાં વ્યસ્ત રહી પોતાના શોખ ભૂલી જ જવા એ ફરજીયાત નથી. હા,કામ ઘણું હોય છે એનો હું ઇનકાર કરતો નથી, પણ દિવસમાં થોડો સમય પોતાના માટે બચાવી લેવો જોઈએ. જેમ તમે કોઈ વાનગી બનાવતા હો ત્યારે એમાં જે
ચીજ જોઈતી હોય એ પ્રમાણસર કાઢી લેતા હો છો એ જ રીતે પોતાના શોખને જીવતો રાખવા દિવસનો અડધો પોણો કલાક જુદો રાખી દો અને એમાં ચિત્રકારીને છુટ્ટો દોર આપો. હાથમાં પછી પીંછી લો કે પછી પેન્સિલ કે પેન, કોરા કેનવાસને સામે રાખો. એ તમને ઉતેજીત કરી મૂકશે અને તમારી સંવેદના, કલ્પનાની ગાડી ચાલવા લાગશે. એ ટોપ ગિયરમાં પડે એ જરૂરી છે. આ કેનવાસ, પીંછી કે પેન્સિલ અને રંગોની એક અલગ દુનિયા હોય છે, જે તમારી રૂટિન જિંદગીમાંથી બહાર લઇ જાય છે.
Also read: તું મઈકે મત જઈયો….
હું ઘણા દાખલા આપી શકું છું કે જ્યાં યુવતી પરણીને સાસરે જાય પછી પણ પોતાની કળાને ભૂલતી નથી અને એને વહેવા દે છે. અરે! કેટલીક પરિણીતા તો અધૂરો અભ્યાસ સાસરે જઈ પૂરો કરે છે. અને હા, આ કળા તમને ગૌરવ અને સન્માન પણ આપી શકે છે. એ તમને આર્થિક ઉપાર્જન પણ કરાવી આપે છે. એ તમારા અસ્તિત્વને ધબકતું રાખે છે. એક આગવી વ્યક્તિ તરીકે તમને સ્થાપિત કરી આગળ લઇ જાય છે. હું ઈચ્છું છું કે, તું મારામાં જ નહિં, પણ તારામાં પણ જીવતી રહે. મારી વાત સ્વીકારીશ તો મને ગમશે અને પછી આપણે ગમતાનો ગુલાલ કરીશું.
તારો બન્ની