મુંબઈ: દેશના વિવિધ ભાગમાં દોડનારી વંદે ભારત ટ્રેનો ખાલીખમ દોડી રહી છે. કેટલીક ટ્રેનોમાં તો ૮૦ ટકા જગ્યા ખાલી જ હોય છે ત્યારે હવે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવનાર છે. તેલંગણામાં કેટલાક દિવસ પહેલા શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓની પાંખી સંખ્યા નોંધાઇ રહી છે ત્યારે મુંબઈથી સુરત વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરી શકાય છે.
મુંબઈથી ગુજરાતને જોડતી બુલેટ ટ્રેનનું બાંધકામ ચાલી રહ્યું છે એ અગાઉ જ વંદે ભારત એ રૅપિડ રેલથી મુંબઈ-ગુજરાતને જોડવામાં આવનાર છે. આ રૂટની ટ્રાયલ પણ સફળ થઇ છે જેમાં ટ્રેનની સ્પીડ પ્રતિ કલાકે ૧૩૦ કિલોમીટરની હતી. અમદાવાદ અને સુરત વચ્ચે ટ્રેન દોડાવવામાં આવી હતી તેથી અમદાવાદ-સુરત-મુંબઈ કે સુરત-મુંબઈ એ બાબતે રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવશે.
આપણ વાંચો: હવે વંદે ભારતમાં જઈ શકશો દિલ્હીથી સીધા શ્રીનગર, વાયા વૈષ્ણોદેવી
સુરત-મુંબઈ વચ્ચે વંદે ભારત દોડાવવાનું મુખ્ય કારણ કે આ માર્ગ દૈનિક પ્રવાસી વધુ છે. ઘણા લોકો મુંબઈ-સુરત વચ્ચે અપ-ડાઉન કરતા હોય છે જેમાં મોટાભાગે વેપારીઓનો સમાવેશ થાય છે. તેથી આ માર્ગ પર વંદે ભારત દોડાવવામાં આવશે તો વધુ લાભ થશે એવો અંદાજ રેલવે પ્રશાસનનો છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતના મહાનગરોને જોડવા માટે વંદે મેટ્રો જેવી ટ્રેન દોડાવવાની યોજના છે. વંદે મેટ્રો ટ્રેનને સૌથી પહેલા કચ્છમાં ભુજ-અમદાવાદ વચ્ચે શરુ કરવામાં આવી છે, ત્યારે તેને મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ગુજરાત અથવા મહારાષ્ટ્રના મહાનગરોની રેલ કનેક્ટિવિટી માટે વંદે મેટ્રો પર પણ પસંદગી ઉતારી શકાય છે.