પુણે: વિધાનસભાની ચૂંટણી બાદ વિપક્ષોનું ગઠબંધન સત્તા પર આવશે તો મહિલાઓને પ્રતિ મહિને ૩,૦૦૦ રૂપિયા આપવામાં આવશે એવું મહાવિકાસ આઘાડી (એમવીએ)નું વચન બીજું કંઇ નહીં, પણ બફાટ છે, એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું.
મહાયુતિની સરકારે જ્યારે લાડકી બહેન યોજના હેઠળ મહિલાઓને દર મહિને ૧,૫૦૦ રૂપિયા આપવાની શરૂઆત કરી હતી ત્યારે મહાવિકાસ આઘાડીએ જ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ યોજના કેટલા સમય માટે ટકી રહેશે એવો સવાલ કર્યો હતો.
આપણ વાંચો: Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે જૂથ, શરદ પવાર જૂથ અને કૉંગ્રેસનો સમાવેશ કરતી મહાવિકાસ આઘાડીએ બુધવારે ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને પ્રતિ મહિને ૩,૦૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. એમવીએ આવા વચનો આપીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
મહિલાઓને જો દર મહિને ૩,૦૦૦ રૂપિયા આપવામાં આવે તો ખર્ચ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આ સિવાય વિપક્ષોએ બેરોજગારોને પ્રતિ મહિને ૪,૦૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. એક લાખ બેરોજગાર યુવાન હોય તો પણ ખર્ચ ૪૦,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચી જશે, એમ અજિતદાદાએ કહ્યું હતું.
એમવીએની બન્ને યોજના માટે દોઢ લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે, જ્યારે રાજ્યનું બજેટ જ સાત લાખ કરોડ રૂપિયાનું હોય છે. તો તેઓ સરકારી કર્મચારીઓના પગાર, પેન્શન અને લૉન પરના વ્યાજની ચૂકવણી કેવી રીતે કરશે?, એવો સવાલ પણ તેમણે કર્યો હતો.