મુંબઈ: બીકેસીમાં મુંબઈએ ચાર દિવસીય રણજી મૅચમાં બીજા દિવસે પ્રથમ દાવ ચાર વિકેટે ૬૦૨ રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ઓડિશાએ ૧૪૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સંદીપ પટનાઇક ૭૩ રને રમી રહ્યો હતો. મુંબઈના શમ્સ મુલાની અને હિમાંશુ સિંહે બે-બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: શ્રેયસ, સિદ્ધાર્થની અણનમ સદી, પણ રહાણેનો ફર્સ્ટ-બૉલ ડક
એ પહેલાં, શ્રેયસ ઐયરે (૨૩૩ રન, ૨૨૮ બૉલ, નવ સિક્સર, ચોવીસ ફોર) ત્રીજી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી ફટકારી હતી. તેની અને સિદ્ધેશ લાડ (૧૬૯ રન, ૩૩૭ બૉલ, સત્તર ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે ૩૫૪ રનની વિક્રમજનક ભાગીદારી થઈ હતી. તેમણે રોહિત શર્મા અને સુશાંત મરાઠે વચ્ચે ૨૦૦૯ની સાલમાં બ્રેબર્નમાં થયેલી ૩૪૨ રનની મુંબઈની ચોથી વિકેટ માટેની ભાગીદારીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ૩૫૪માંથી ૨૩૩ રન શ્રેયસના અને ૧૧૦ રન સિદ્ધેશના હતા. ૧૧ રન તેમને એક્સ્ટ્રામાં મળ્યા હતા. શ્રેયસે અગાઉની બન્ને ડબલ સેન્ચુરી મુંબઈમાં ફટકારી હતી. સિદ્ધેશ લાડે નવમી ફર્સ્ટ-ક્લાસ સેન્ચુરી નોંધાવી હતી.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું?: (૨) રાંચીમાં જમ્મુ-કાશ્મીરના ૩૦૬ રન બાદ સૌરાષ્ટ્રએ ચાર વિકેટે ૨૦૧ રન બનાવ્યા હતા. પુજારા (૧૪) સારું નહોતો રમી શક્યો, પરંતુ વિકેટકીપર હાર્વિક દેસાઈ ૮૧ રને રમી રહ્યો હતો. (૩) અમદાવાદમાં પુડુચેરીના ૩૬૧ રનના જવાબમાં ગુજરાતે ત્રણ વિકેટે ૧૨૮ રન બનાવ્યા હતા. (૪) રોહતકમાં હરિયાણાના ૧૧૪ રનના જવાબમાં પંજાબની ટીમ હરિયાણાના સ્પિનર નિશાંત સિંધુની છ વિકેટને કારણે ૧૪૧ રનમાં આઉટ થઈ ગઈ હતી. હરિયાણાએ ૨૪૩ રન બનાવ્યા અને પંજાબે ૨૧૭ રનના લક્ષ્યાંક સામે ત્રણ વિકેટે ૭૩ રન બનાવ્યા હતા જેમાંથી બે વિકેટ સિંધુએ લીધી હતી.
(૧) અગરતલામાં ચાર દિવસની મૅચના બીજા દિવસે બરોડાના ૨૩૫ રન બાદ ત્રિપુરાના એક વિકેટે ૧૯૨ રન હતા.