સ્થાનિક સોનું ₹ ૧૩૫૬ ગબડીને ₹ ૭૭,૦૦૦ની અંદર ચાંદી ₹ ૨૫૩૨ ગબડી

2 hours ago 1

ડૉલર ચાર મહિનાની ટોચે પહોંચતા વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહને તળિયે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પના વિજય સાથે ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહેતાં ચાર મહિનાની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ગત ૧૫મી ઑક્ટોબર પછીની નીચી સપાટી સુધી ગગડી ગયા હતા.

વધુમાં આજે પણ વિશ્ર્વ બજારમાં ડૉલરમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો, પરંતુ વાયદામાં ભાવ ઘટી આવ્યા હતા તેમ જ ચાંદીમાં ભાવઘટાડો આગળ વધ્યો હતો.

જોકે, રોકાણકારોની નજર આજે પૂરી થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકના નિર્ણય પર હોવાથી ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫૦થી ૧૩૫૬ ગબડીને રૂ. ૭૭,૦૦૦ની અંદર અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૨૫૩૨ તૂટીને રૂ. ૯૧,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા.

વૈશ્ર્વિક બજારના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિકમાં બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળતાં ભાવમાં ગાબડાં પડ્યાં હતાં.
ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫૩૨ના ઘટાડા સાથે રૂ. ૯૧,૦૦૦ની સપાટી ગૂમાવીને રૂ. ૯૦,૩૬૯ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ રોકાણકારો અને સ્ટોકિસ્ટોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૫૦ના કડાકા સાથે રૂ. ૭૬,૪૭૩ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૫૬ તૂટીને રૂ. ૭૬,૭૮૦ના મથાળે રહ્યા હતા.

ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ગત ૧૫મી ઑક્ટોબર પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ ધીમો સુધારો આવ્યો હતો.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલરમાં સાધારણ પીછેહઠ નોંધાતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૬૭.૪૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૨૬૭૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડૉનલ્ડ ટ્રમ્પનો વિજય થવાથી ડૉલરમાં તેજીનો પવન ફૂંકાતા સોનામાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે તેમ જ ડૉનલ્ડ ટ્રમ્પના પ્રમુખપદ હેઠળ અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ જાળવી રાખશે કે કેમ તે અંગે રોકાણકારોમાં અવઢવમાં મૂકાઈ
ગયા છે.

જોકે, આજે બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ મુખ્યત્વે નજર બેઠક પશ્ર્ચાત્ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર મંડાયેલી રહેશે. એકંદરે ટ્રમ્પની નીતિ ફુગાવાલક્ષી હોવાથી શક્યત: ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ધીમી ગતિએ ઘટાડો કરે તો સોના પર તેની માઠી અસર પડી શકે છે, પરંતુ તેની સકારાત્મક પાસાંમાં અમેરિકાની અંદાજપત્રીય ખાધ અને ખોરવાયેલી રાજકોષીય શિસ્તતા હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના માર્કેટ એનાલિસ્ટ કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. જોકે, અમુક વિશ્ર્લેષકો સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં સોનાના વૈશ્ર્વિક ભાવ ૩૦૦૦ ડૉલર સુધી પહોંચે તેવી ધારણા મૂકી રહ્યા છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article