ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે સરહદી જિલ્લા કચ્છમાં લાભપાંચમ બાદ પણ ગરમીની આણ બરકરાર રહેવા પામી છે. ઝાકળવર્ષા સાથે વહેલી સવારે 21 થી 24 ડિગ્રી સે.લઘુતમ તાપમાન સાથે અનુભવાતા ગુલાબી ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે જ મહત્તમ તાપમાનનો આંક 35 થી 38 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચે ચઢી જતા ચૈત્ર મહિનામાં પડતી ગરમીનો અહેસાસ નવેમ્બર માસમાં થઇ રહ્યો છે.
સવારના દસ વાગ્યા બાદ સ્વચ્છ આકાશ સાથે કચ્છના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો આંક ૩૫થી ૩૮ ડિગ્રી સે.પર પહોંચી જતાં વાતાવરણ ગરમ બની જાય છે.
ભુજમાં આજે લઘુતમ 22 અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેતા ૧૬ ડિગ્રીનો પ્રમાણમાં મોટો કહી શકાય તેવો તફાવત રહ્યો હતો જેથી વહેલી સવારે ગુલાબી ઠંડકની અનુભૂતિ થવા પામી હતી.
આપણ વાંચો: કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ છેતરપિંડી
વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઓછું થઇ જતાં અને પવનો વાતા મંદ પડી જતાં વિશ્વના ગરમ પ્રદેશોની સમકક્ષ ગરમીની અનુભૂતિ આ કિલ્લેબંધ શહેરમાં મધ્યાહનના સમયે થવા પામી રહી છે જેને લઈને કારણ વિના બપોરના સમયગાળા દરમ્યાન બહાર જવાનું લોકો ટાળી રહ્યા છે.
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે પણ લઘુતમ 21 ડિગ્રી જયારે મહત્તમ 36 ડિગ્રી સે.સાથે દિવસ-રાતના તાપમાનમાં 17 ડિગ્રી જેટલો મોટો તફાવત રહેવાની સાથે અહીં પણ દિવસે ગરમી રાત્રે ગુલાબી ઠંડકનો તાલ સર્જાયો હતો.
કંડલા બંદરમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહેતાં આસપાસના ગાંધીધામ,અંજાર આદિપુરમાં પણ ગરમીની આણ યથાવત રહી હતી. સૂર્યાસ્ત બાદ કચ્છના મોટા ભાગના મથકોમાં લઘુતમ તાપમાનનો આંક 20થી 24 ડિગ્રીની આસપાસ રહેતા રાત્રે ગુલાબી અનુભવાઈ રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચાલુ નવેમ્બર મહિના દરમ્યાન શિયાળો બેસવાના કોઈ એંધાણ મળતાં નથી. આવી ગરમી પડવાનું મુખ્ય કારણ પશ્ચિમી વિક્ષોભની ગેરહાજરી અને બંગાળના ઉપસાગરમાં ઉભા થયેલા લો-પ્રેશરના કારણે પૂર્વના પવનો ઠલવાઇ રહ્યા છે જેને લઈને ગરમી વધી છે.