25.10 lakh fraud connected  the pretext of giving a relation   successful  a TV serial IMAGE SOURCE - Mint

ભુજ: ભુજના મિરજાપર ગામમાં રહેતા એક રીઢા શખ્સે પોતાને ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતો બનાવતો નિર્માતા ગણાવીને સૂરજપરના યુગલને તેમના પુત્રને કામ અપાવવાના બહાને 25 લાખ રૂપિયા મેળવી ઠગાઈ આચરી છે. ગેરન્ટી પેટે મેળવેલા ત્રણ કોરાં ચેક બાઉન્સ કરાવીને સમાધાન કરી લેવા પેટે પાંચ લાખની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપનારા આ કહેવાતા નિર્માતાની ધરપકડ કરી, તેના વિરુદ્ધ માનકૂવા પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Morbi માં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી, આરોપી પાસેથી 4.66 લાખનો મુદામાલ જપ્ત

બનાવની વિગતો અનુસાર ભુજનાં સૂરજપર ગામે રહેતી અને ભુજમાં ખાનગી નોકરી કરનારી ભાવના વિનોદ હીરાણીએ માનકુવા પોલીસને જણાવ્યું હતું કે, વર્ષ 2020ના કોરોના આઉટબ્રેક વખતના લૉકડાઉન અગાઉ તે પતિ અને પુત્ર સાથે મુંબઈમાં રહેતી હતી પરંતુ આ લૉકડાઉન બાદ સપરિવાર વતન પરત રહેવા આવી ગઈ હતી.

આ પણ વાંચો: કચ્છમાં ગૃહિણી બની ‘ડિજિટલ એરેસ્ટ’નો ભોગ: હજારો રુપિયાની કરાઈ છેતરપિંડી

પ્રોડ્યુસર હોવાની આપી હતી ઓળખ

ચાર વર્ષ અગાઉ ફેસબૂક મારફતે તેઓ મિરજાપરના રઘુરાજ નગરમાં રહેતા હિતેશ વેલજી પરમાર નામના શખ્સના સંપર્કમાં આવ્યાં હતાં. આ ઠગભગત એવા હિતેશે પોતે ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતોનું નિર્માણ કરતો પ્રોડ્યુસર હોવાની ઓળખ આપી હતી અને ફરિયાદીના નવ વર્ષના પુત્રને ટીવી સિરિયલ્સ અને કોમર્સિયલમાં કામ અપાવવાની લાલચ આપી હતી. આ યુગલનો વિશ્વાસ જીતવા માટે હિતેશે એક સમયની ભારે લોકપ્રિય બનેલી ‘તારક મહેતા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના સેટ પર તથા કલાકારો સાથેના પોતાના ફોટા બતાવ્યા હતા જેથી ફરિયાદી અને તેના પતિનો તે પ્રોડ્યુસર હોવાનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો હતો.

25 લાખ પડાવ્યા

વિશ્વાસ કેળવીને આ શખ્સે યુગલના પુત્રને કામ અપાવવા માટે જરૂરી આર્ટિસ્ટ ઈન્સ્યોરન્સ, કપડાં, મેકઅપના સરસામાન વગેરેના બહાને પોતાના તથા અન્ય લોકોના બેન્ક ખાતા નંબર વડે ટૂકડે-ટૂકડે રૂપિયા પડાવવાનું શરૂ કરી દીધું હતું. આ યુગલે 2020થી 2023ના સમયગાળા દરમિયાન નરેન્દ્ર વેલજી પરમારના ખાતામાં 5.71 લાખ અને 1.46 લાખ, આરોપી હિતેશના ખાતામાં 61,600, જીત સોનેજીના ખાતામાં 4.23 લાખ, મહેશકુમાર જેતુજી રાજપૂતના ખાતામાં 79 હજાર, ભાવિન નામના શખ્સના ખાતામાં 28 હજાર, રામ ગોસ્વામી નામના શખ્સના ખાતામાં 13 હજાર તથા 2.31 લાખ, ભૂપેન્દ્રસિંહ વખુભા સોઢાના ખાતામાં 69 હજાર અને નિખિલ નામના શખ્સના એકાઉન્ટમાં 1 લાખ જમા કરાવ્યા હતા. એ જ રીતે, હિતેશ અને તેના સાગરીત રોહન ગઢવીને અવારનવાર રૂબરૂ મળીને 8 લાખ રૂપિયા મળી કુલ 25,10,000 આપ્યાં હતાં.

ગેરન્ટી પેટે મેળવ્યા ત્રણ કોરાં ચેક

દરમ્યાન, હિતેશે અમદાવાદમાં જગત ધાણા દાળ નામની પ્રોડક્ટની જાહેરાતમાં કામ છે કહીને જો પુત્ર તેમાં કામ ના કરે તો કંપનીને સામેથી નાણાં ચૂકવવા પડશે તેમ કહીને ગેરન્ટી પેટે ફરિયાદીના પતિ પાસેથી સહી કરેલાં ત્રણ કોરાં ચેક મેળવી લીધાં હતાં. ઘણો સમય વીત્યા બાદ આ શખ્સની નિયત પર શંકા જતાં પતિ-પત્નીએ નાણાં પરત માગવાનું શરૂ કરતાં હિતેશે તેમને ત્રણ લાખના બે ચેક આપ્યા હતા. જેમાંથી એક ચેક વટાવ્યો તો બાઉન્સ થયો હતો.

વિદેશ યાત્રા રોકાવી

ફરિયાદીનો પતિ કામ ધંધાર્થે વિદેશ જવાનો હોઈ, પામી ગયેલા હિતેશે અગાઉ ગેરન્ટી પેટે મેળવેલાં કોરાં ચેક બેન્કમાં નાખી બાઉન્સ કરાવીને પતિ પર કૉર્ટ કેસ કરી તેમની વિદેશ યાત્રાને રોકી દીધી હતી. પરિણીતા ભુજમાં નોકરીના સ્થળે જતી ત્યારે તેનો હિતેશ પીછો કરીને પરેશાન કરતો રહેતો હતો અને પોતે કરેલાં કોર્ટ કેસમાં સમાધાન કરી લેવાનું દબાણ કરતો હતો. સમાધાનના બદલામાં પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો પૈસા ન મળે તો પરિણીતાને અને તેણીના મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હિતેશ વિરુધ્ધ વર્ષ 2005માં ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભૂકંપ સહાય મેળવી ટેન્ડર અપાવવાના બહાને ઠગાઈનો કેસ, બીએસએફના સરહદ પર ચાલતાં નિર્માણ કામોના ટેન્ડર અપાવવાના બહાને અલગ અલગ પટેલ ચોવીસીના કેટલાક વેપારીઓ સાથે લાખ્ખો રૂપિયાની ઠગાઈનો કેસ, અને વર્ષ ૨૦૧૮માં તેની વિરુધ્ધ ભુજ તથા માનકૂવા પોલીસ મથકે બે ગુના દાખલ થયેલા હોવાનું પોલીસ ઈન્સપેક્ટર ડી.એન.વસાવાએ જણાવ્યું હતું. આ આ ગુનો નોંધ્યા બાદ માનકૂવા પોલીસ અને સ્થાનિક ગુન્હાશોધક શાખાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને હિતેશની ધરપકડ કરીને તેને રીમાન્ડ પર લીધો હોવાનું વસાવાએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને